રજનીકાંત જોશી, દ્વારકાઃ મુખ્ય મથક ખંભાળીયામાં હવે નગરપાલિકાએ વેપારીઓ પર તવાઈ બોલાવી છે. જે વેપારીએ વેરો ન ભર્યો હોય તેમની દુકાનો સીલ કરવાની કાર્યવાહી કરવામાં આવી છે. લાખો રુપિયાના વેરાની વસૂલાત માટે હવે નગરપાલિકાએ કમર કસી છે. બાકીદારોને કર ચૂકવવા માટે અનેક નોટિસો આપવા છતા તેમના તરફથી કોઈ પ્રત્યુતર ન મળતા આ કડક કાર્યવાહી કરવામાં આવી છે.
ADVERTISEMENT
ખંભાળિયા શહેરમાં લાખો રુપિયાના બાકી કરવેરાની વસૂલાત માટે નગરપાલિકા પ્રશાસને હવે લાલઆંખ કરી છે. કરવેરાના બાકીદારોને આપવામાં આવેલી નોટિસોની તેઓએ અવગણના કરતા બાકીદારો સામે પાલિકા પ્રશાસને હવે કડક વલણ અપનાવ્યું છે. આજરોદ ખંભાળિયાના નવાપરા વિસ્તારમાં વેપારીઓની દુકાનોને સીલ મારવામાં આવ્યા. વેપારીઓ પાસેથી વેરાની વસૂલાત માટે અધિકારીઓ રુબરુ નીકળ્યા હતા પરંતુ સંતોષકારક જવાબ ન મળતા આ કડક કાર્યવાહી કરવામાં આવી છે. દુકાનદારોએ યોગ્ય જવાબ ન આપતા આ દુકાનો સીલ કરવાની ફરજ પડી છે.
તો આ સાથે જ આજરોજ અહીંના નવાપરા વિસ્તારમાં આઠ જેટલા દુકાનદારોના નળ જોડાણો કાપી નાખવામાં આવ્યા હતા. નગરપાલિકાના ચીફ ઓફિસરની સૂચના પ્રમાણે આ સમગ્ર કાર્યવાહી કરવામાં આવી હતી. પાલિકાના સિનિયર કર્મચારી કીર્તિભાઈ ભટ્ટ તથા સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી. આ કામગીરી આગામી દિવસોમાં પણ ચાલુ રહેનાર હોવાનું જાણવા મળ્યું છે.જો આગામી દિવસોમાં પણ વેપારીઓ યોગ્ય જવાબ નહીં આપે અને વેરો ભરપાઈ નહીં કરે તો આ જ પ્રમાણે કડક વલણ નગરપાલિકા દ્વારા અપનાવવામાં આવશે. ઘણા સમય પહેલાથી જ વેપારીઓને નોટિસ મોકલી સૂચિત કરવામાં આવતા હતા પરંતુ તેઓએ ધ્યાન ન આપતા આ પ્રકારની કાર્યવાહી કરવાની ફરજ પડી છે.
ADVERTISEMENT