અમદાવાદ: ગુજરાતમાં ચોમાસાની શરૂઆત થઈ ચૂકી છે. ત્યારે હવે વરસાદને લઈ હવામાન વિભાગે મહત્વની આગાહી કરી છે. વરસાદને પગલે રાજ્યના અનેક જળાશયોની જળસપાટીમાં વધારો થયો છે. આ દરમિયાન આગામી પાંચ દિવસ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. ત્યારે અનેક વિસ્તારમાં મેઘરાજાની બેટિંગ જોવા મળશે.
ADVERTISEMENT
હવામાન વિભાગના ડાયરેક્ટરના જણાવ્યા પ્રમાણે, આવતીકાલથી એટલે કે, 28મી તારીખના રોજ વલસાડ, નવસારી, દમણ દાદરા નગર હવેલીમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે. આ સાથે અન્ય વિસ્તારોમાં સૌરાષ્ટ્ર તથા દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે. વલસાડ, નવસારી, દમણ, દાદરા નગરહવેલીમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે.
રાજ્યમાં છેલ્લા 2 દિવસથી વરસાદ વરસી રહ્યો છે. ત્યારે હજુ પણ વરસાદની શક્યતા છે. આવતીકાલથી 5 દિવસ વરસાદ વરસવાની શક્યતા છે. ત્યારે આવતીકાલે દક્ષિણ ગુજરાતમાં સુરત, ભરૂચ, ડાંગ, તાપીમાં ભારે વરસાદ પડી શકે છે. આ સાથે સૌરાષ્ટ્ર-કચ્છમાં પણ આગામી 5 દિવસ વરસાદ રહેશે. સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, રાજકોટ, કચ્છ, પોરબંદર અને જૂનાગઢમાં ભારેથી અતિભારે વરસાદ થવાની આગાહી છે.
42 તાલુકામાં વરસાદ
હવામાન વિભાગની આગાહીને પગલે ગુજરાતના અનેક વિસ્તારમાં વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે. આજે સવારના 6 વાગ્યાથી બપોરના 12 વાગ્યા સુધીમાં ગુજરાતના 42 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી નવસારીમાં વરસાદ વરસ્યો છે. આજે નવસારીમાં સવા બે ઈંચ જેટલો વરસાદ વરસ્યો છે. ધોધમાર વરસાદને કારણે ગુજરાતના જળાશયોમાં પણ પાણીની સારી આવક થઇ છે. ગુજરાતના 207 ડેમ પૈકી 5 ડેમ હાલ સંપૂર્ણ ભરેલા છે.
ADVERTISEMENT