અમદાવાદ: એક તરફ દિવસેને દિવસે રાજ્યમાં ચૂંટણીનો માહોલ જામી રહ્યો છે ત્યારે બીજી તરફ સરકાર જનતા માટે ધડાધડ નિર્ણય લઈ રહી છે. સરકારે કાલે તમામ તાલુકામાં ડાયાલીસીસ સેન્ટર શરૂ કરવાની જાહેરાત કરી હતી ત્યારે આજે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જાહેરાત કરી છે કે રાજ્યના તમામ તાલુકામાં એક મહિનાની અંદર ડાયાલીસીસ સેન્ટર શરૂ કરવામાં આવશે.
ADVERTISEMENT
અમદાવાદ સિવિલ કેમ્પસ ખાતેના અંગદાનના એક કાર્યક્રમમાં આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે ડાયાલિસિસિ અંગે મહત્વની જાહેરાત કરતા જણાવ્યુ હતુ કે આગામી એક મહિનામાં રાજ્યના તમામ તાલુકાઓમાં દર્દી ડાયાલિસિસ કરાવી શકે એ પ્રકારની વ્યવસ્થા ગોઠવવા જઇ રહ્યાં છે. હાલ 160 જેટલા તાલુકાઓમાં ડાયાલિસિસ સેન્ટર નથી જેથી આ કામ આગામી ટૂંક જ સમયમાં પૂર્ણ થાય તે તરફ રાજ્ય સરકાર આગળ વધી રહીં છે.
નવા ડાયાલિસીસ કેન્દ્રો શરૂ કરવામાં આવશે
કિડનીના રોગથી પીડાતા દર્દીઓ માટે જીવાદોરી સમાન ‘વન ગુજરાત, વન ડાયાલિસીસ’ કાર્યક્રમ અંતર્ગત હાલમાં 82 નિઃશુલ્ક કિડની ડાયાલિસીસ કેન્દ્રો કાર્યરત છે. નવા 162 ડાયાલિસીસ કેન્દ્રો શરૂ કરવાની દિશામાં સરકાર સતત કાર્યરત છે. આ ઉપરાંત રાજ્યના તમામ 252 તાલુકામાં નિ:શુલ્ક ડાયાલિસીસ સુવિધા આગામી સમયમાં ઉપલબ્ધ કરાવાશે.આ ઉપરાંત મોબાઈલ ડાયાલિસીસ વાન પણ રાજ્યમાં શરૂ કરવામાં આવી છે. કાર્યરત થનાર તમામ કેન્દ્રો પર ડાયાલિસીસની વૈશ્વિક કક્ષાની અને એકસમાન સુવિધા ઉપલબ્ધ થશે.
3500થી વધુ દર્દીઓ લાભ લઈ રહ્યા છે
રાજ્યમાં 82 ડાયાલિસીસ કેન્દ્રોમાં આશરે 3,500થી વધુ દર્દીઓ ડાયાલિસીસની સારવારનો લાભ મેળવી રહ્યાં છે. આ ડાયાલિસીસ કેન્દ્રોનું સંપૂર્ણ સંચાલન ઇન્સ્ટિટ્યૂટ ઑફ કિડની ડિસીસીઝ એન્ડ રિસર્ચ સેન્ટર- આઈ.કે.ડી.આર.સી., અમદાવાદ દ્વારા કરવામાં આવી રહ્યું છે. દરેક સેન્ટર પર ચાલી રહેલા ડાયાલિસીસનું ટેલિ-નિરીક્ષણ અને ડાયાલિસીસ મશીનનો તમામ લાઈવ ડેટા ગુજરાત ડાયાલિસીસ પ્રોગ્રામ હેઠળ મળતો રહે છે. અત્યાર સુધીમાં ‘વન ગુજરાત, વન ડાયાલિસીસ’ કાર્યક્રમ અંતર્ગત રાજ્યમાં 672થી વધુ ડાયાલિસીસ મશીનો સાથે 82 ડાયાલિસીસ કેન્દ્રોમાં 17 લાખથી વધુ વખત નાગરિકોએ ડાયાલિસીસ સુવિધાનો વિનામૂલ્યે લાભ લીધો છે.
ADVERTISEMENT