Agri Drone in Gujarat : રાજ્યના ખેડૂતો હવે ખેતરમાં દવાનો છંટકાવ ડ્રોનની મદદથી કરી શકે છે. આઈ ખેડુત (ikhedut) પોર્ટલ પર "કૃષિ ક્ષેત્રમાં અદ્યતન ડ્રોન ટેક્નોલોજી (કૃષિ વિમાન)" ઉપયોગ યોજના અંતર્ગત ડ્રોનથી છંટકાવ ઘટક હેઠળ ઓનલાઇન અરજીઓ મેળવવા માટે તા.3 જુલાઇથી સેવા શરૂ કરી દેવામાં આવી છે. ખેડુતોને ખેતીવાડી ખાતાની વિવિધ સહાય યોજનાઓનો લાભ ઘરઆંગણે આસાનીથી મળી રહે તે હેતુસર www.ikhedut.gujarat.gov.in પોર્ટલ તૈયાર કરવામાં આવેલ છે.
ADVERTISEMENT
પાક સંરક્ષણ રસાયણ, નેનો યુરીયા, FCO માન્ય પ્રવાહી ખાતરો અને જૈવિક ખાતરોના છંટકાવ માટેની યોજનાનો ખેડૂતો લાભ લઇ શકે તે હેતુથી અરજીઓ મંગાવવામાં આવી રહી છે. ત્યારે કેટલી મળશે સહાય અને કેવી રીતે કરી શકશો અરજી જાણો...
કેટલી મળશે સહાય ?
1. ડ્રોનથી છંટકાવ માટે ખર્ચના 90% અથવા વધુમાં વધુ રૂ.500/- બે માંથી જે ઓછું હોય તે રકમ પ્રતિ એકર, પ્રતિ છંટકાવ મળવાપાત્ર થશે.
2. ખાતાદીઠ પ્રતિ છંટકાવ વધુમાં વધુ કુલ 5 એકરની મર્યાદામાં સહાય મળવાપાત્ર રહેશે.
- સત્તાવાર વેબસાઈટ : www.ikhedut.gujarat.gov.in
- ખેતીવાડી માટેની યોજના માટે ક્લિક કરો : https://ikhedut.gujarat.gov.in/iKhedutPublicScheme/
20 મિનિટમાં 1 હેક્ટરમાં દવા છંટકાવ
મળતી માહિતી અનુસાર, ડ્રોન ટેકનોલોજી-કૃષિ વિમાનના ઉપયોગથી ફક્ત 20 મિનિટમાં 1 હેક્ટર જેટલા વિસ્તારમાં 25 લીટર પાણી દ્વારા દવા છંટકાવ કરી શકાય છે. જેમાં રસાયણનો 90% થી વધુ અસરકારક ઉપયોગ કરી શકાય છે.
ખેડૂતોને શું થશે ફાયદો ?
ખાતર અને જંતુનાશક દવાઓના મહત્તમ ઉપયોગ થકી ખેડૂતોની આવકમાં 40% વધારો તથા પર્યાવરણના પ્રદૂષણને નિયંત્રણમાં રાખી શકાશે. આ ઉપરાંત ખેત મજૂરની સમસ્યાનું નિવારણ લાવી ખેડૂતોનું સ્વાસ્થ્ય, ઉદ્યોગસાહસિકતા અને રોજગારીની તકો ઊભી કરી શકાશે. રાજ્યના વધુમાં વધુ ખેડૂતો આ યોજનાનો લાભ મેળવે તેવો કૃષિમંત્રીએ અનુરોધ પણ કર્યો હતો. ડ્રોન સર્વિસ પ્રોવાઇડરની સંપર્ક નંબર સાથેની યાદી આઇ-ખેડૂત પોર્ટલ પર ઉપલબ્ધ કરાવેલ છે.
એગ્રી ડ્રોન ખરીદવા માટે 5 લાખ રૂપિયાની જોગવાઈ
જામનગર જિલ્લા ખેતીવાડી અધિકારી આર. એસ. ગોહિલના જણાવ્યા અનુસાર, સરકાર દ્વારા ખેડૂતોને એગ્રી ડ્રોન ખરીદવા માટે સહાય આપવામાં આવે છે. જેમાં રાજ્યોના SC, ST, નાના અને મધ્યમ, મહિલાઓ અને ખેડૂતો માટે સરકાર દ્વારા ડ્રોનની કિંમતની 50 ટકા સહાય ચૂકવાઇ છે. અથવા વધુમાં વધુ 5 લાખ રૂપિયાની જોગવાઈ છે. તે જ રીતે અન્ય ખેડૂતોને 40 ટકા અથવા વધુમાં વધુ 4 લાખ સુધીની સબસિડી અને ખેડૂત ઉત્પાદક સંસ્થાઓને 75 સુધી સબસિડી ચૂકવવામાં આવી રહી છે.
સુચનાઓ
1. ખેડૂત નોંધણી (રજીસ્ટ્રેશન) ધરાવતા હોય કે ના ધરાવતા હોય, તો પણ અરજી કરી શકાય છે.
2. જો તમે ખેડૂત નોંધણી ધરાવો છો તેમાં હા કહેશો તો આધાર નંબર અને મોબાઈલ નંબર રજુ કરવાનો રહેશે તો તમારાં મોબાઈલ ઉપર એક OTP આવશે. તે OTP નાખ્યા બાદ અરજીમાં ખેડુતની વિગતો આપો આપ ઓનલાઈન આવી જશે.
3. જો તમે ખેડૂત નોંધણી કરાવ્યા વગર વર્ષ 2018-19થી પ્રથમ વખત અરજી કરતાં હશો તો ઓનલાઈન અરજી કરતી વખતે આધાર નંબર અને મોબાઈલ નંબર આપવાથી અરજીની પાત્રતા નિયત થાય તે સમયે સંબંધિત કચેરીમાં આધાર નંબરની નકલ રજુ કરેથી, સંબંધિત અધિકારી દ્વારા તેની ખરાઇ કર્યા બાદ ખેડૂત નોંધણી (રજીસ્ટ્રેશન) થશે. તે સમયે નોંધણી (રજીસ્ટ્રેશન) થયેલ છે તે અંગેનો SMS આપના રજીસ્ટર્ડ મોબાઈલ નંબર ઉપર આવશે.
4. જે વિગતો આગળ લાલ * છે તે ફરજીયાત છે.
5. અરજી અપડેટ/કન્ફર્મ કરવા અરજી નંબર સાથે જમીન ખાતાનો ખાતા નંબર જે તે અરજી કરતી વખત આપેલ હશે તે આપવાનો રહેશે.
6. અરજી કન્ફર્મ થઇ ગયા બાદ અરજી અપડેટ થશે નહી.
7.અરજી કન્ફર્મ થયા પછીજ અરજીની પ્રિન્ટ લઇ શકાશે.
8. જો બેન્કનું નામ લીસ્ટમાં ન મળે તો નજીકની ખેતીવાડી કચેરીનો સંપર્ક કરવો.
9. અરજી સેવ કરતા જો અરજી નંબર જનરેટ ન થાય તો સુચનાઓની ઉપરની લાઇનમાં મેસેજ વાંચો.
10. અરજી સેવ કર્યા પછી કન્ફર્મ કરવું જરૂરી છે. ફક્ત કન્ફર્મ કરેલ અરજી ધ્યાનમાં લેવાશે.
11. કન્ફર્મ નહિ કરેલ અરજી ikhedut Portal ઉપર લેવાયેલ ગણાશે નહિ. તે ફક્ત ડેટા સેવ કરવાની સુવિધા માટે છે.
સ્ટેપ્સ
1. "નવી અરજી કરો" બટન ઉપર ક્લીક કરી નવી અરજી કરો.
2. અરજીમાં સુધારા વધારા માટે "અરજી અપડેટ કરો" બટન ઉપર ક્લીક કરો.
3. અરજી બરાબર થયા બાદ તેને કન્ફર્મ કરો.
4. કન્ફર્મ થયેલી અરજીનું પ્રીન્ટ આઉટ લો.
5. અરજી ની પ્રિન્ટ આઉટ લેવી ફરજીયાત છે. આપનાં દ્વારા કરાયેલ આ અરજીની પ્રિન્ટ લઇ આપની પાસે જ રાખવાની રહેશે. અરજી અન્વયે ખરીદી કરવા માટેની પુર્વમંજુરી આપવામાં આવે અને આપનાં દ્વારા પુર્વ મંજુરી મુજબ સાધન/ સામગ્રી નિયત સમયમર્યાદામાં નિયમોનુસાર ખરીદ કરી, પુર્વ મંજુરીનાં હુકમમાં દર્શાવેલ તમામ આધાર પુરાવા તથા આ અરજીની સહી વાળી નકલ સાથેનાં દર્શાવેલ આધાર પુરાવા સહાય દરખાસ્ત સાથે રજુ કરવાનાં રહેશે.
ક્યાંથી મેળવી શકશો વધુ માહિતી?
આ અંગે વધુ જાણકારી માટે આપના વિસ્તારના ગ્રામસેવક (ખેતી), વિસ્તરણ અધિકારી (ખેતી), તાલુકા અમલીકરણ અધિકારી, મદદનીશ ખેતી નિયામક (વિ.) નો સંપર્ક કરી શકાય છે.ખેડૂતોને ખેતીવાડી ખાતાની વિવિધ સહાય યોજનાઓનો લાભ ઘર આંગણે સરળતાથી મળી રહે તે હેતુસર www.ikhedut.gujarat.gov.in પોર્ટલ તૈયાર કરવામાં આવેલ છે.
ADVERTISEMENT