યુવરાજસિંહની ધરપકડની ગુંજ દેશભરમાં ગુંજી, Twitter પર #I_support_yuvrajsinh_jadeja ટ્રેન્ડ થયું

અમદાવાદ: ભાવનગરમાં ગઈકાલે યુવરાજસિંહને ડમીકાંડમાં પૈસાની લેતીદેતી મામલે પૂછપરછ માટે બોલાવ્યા હતા. જ્યાં 8 કલાક લાંબી પૂછપરછ બાદ યુવરાજસિંહની ભાવનગર પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી…

gujarattak
follow google news

અમદાવાદ: ભાવનગરમાં ગઈકાલે યુવરાજસિંહને ડમીકાંડમાં પૈસાની લેતીદેતી મામલે પૂછપરછ માટે બોલાવ્યા હતા. જ્યાં 8 કલાક લાંબી પૂછપરછ બાદ યુવરાજસિંહની ભાવનગર પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. બાદમાં રેન્જ IGએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી અને યુવરાજસિંહે બે વ્યક્તિઓ પાસેથી ડમીકાંડમાં નામ જાહેર ન કરવા માટે 1 કરોડ લીધા હોવાનું જણાવ્યું હતું. છેલ્લા 24 કલાકથી વધુ સમયથી યુવરાજસિંહ જાડેજા પોલીસની કસ્ટડીમાં છે, ત્યારે સોશિયલ મીડિયામાં તેમના સમર્થનમાં યુવાઓ આવી રહ્યા છે.

ટ્વીટર પર હાલમાં #I_support_yuvrajsinh_jadeja ટ્રેન્ડ કરી રહ્યું છે. યુવરાજસિંહના સમર્થનમાં અને તેમની ધરપકડના વિરોધમાં ટ્વિટર પર આ ખબર લખાવા સુધીમાં 82 હજારથી વધુ ટ્વીટ યુવાઓ દ્વારા કરવામાં આવી ચૂક્યા છે. એકબાજુ યુવરાજસિંહ પર ગંભીર આક્ષેપ લાગી રહ્યા છે, બીજી તરફ યુવાઓ સોશિયલ મીડિયામાં ખુલીને યુવરાજસિંહનું સમર્થન કરી રહ્યા છે અને તેમને સરકાર સામે બોલવાના કારણે ફસાવવામાં આવી રહ્યા હોવાનું લખી રહ્યા છે અને તેમને જેલમાંથી મુક્ત કરવાની માગણી યુઝર્સ કરી રહ્યા છે. સુરેન્દ્રનગરમાં યુવાઓ દ્વારા યુવરાજસિંહ જાડેજાના સમર્થનમાં મામલતદારને આવેદન આપવામાં આવ્યું હતું.

આજે યુવરાજસિંહને ફરી નિલમબાગ પોલીસ સ્ટેશન માટે વધુ પૂછપરછ માટે લઈ જવામાં આવ્યા હતા. જ્યાં તેમણે મીડિયા સાથે વાતચીતમાં પોતાના પરના આક્ષેપો પર પ્રથમ પ્રતિક્રિયા આપી હતી. યુવરાજસિંહ જાડેજાએ સમગ્ર મામલે કાયદાકીય જવાબ આપીશું તેમ જણાવ્યું હતું. જ્યારે પોતાના પર 1 કરોડ લેવાના આક્ષેપ પર યુવરાજસિંહ જાડેજાએ કહ્યું હતું કે, કોઈ જાતના પૈસાની લેતીદેતી થઈ નથી.

યુવરાજસિંહના સાળાની પણ ધરપકડ
નોંધનીય છે કે, ગઈકાલે યુવરાજસિંહની ધરપકડ બાદ પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરાઇ હતી. આ દરમિયાન ક્રાઈમ બ્રાન્ચ અને ભાવનગર એસઓજી પોલીસે સાથે મળી આજે સવારે સુરતથી યુવરાજસિંહના સાળાની ધરપકડ કરી છે. પોલીસ દ્વારા કાનભા ગોહિલ ઉર્ફે કૃષ્ણદેવ સિંહની ધરપકડ કરી તેમને લઈ ભાવનગર જવા રવાના થઈ ગઈ છે. ત્યારે યુવરાજસિંહની મુશ્કેલીમાં સતત વધારો થઈ રહ્યો છે.

    follow whatsapp