Gandhinagar Accident News: ગાંધીનગર જિલ્લામાં ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. આ ભયાનક અકસ્માતમાં 5 લોકોના કમકમાટીભર્યા મોત નિપજ્યા છે. જ્યારે એક ઈજાગ્રસ્તને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. હાલ પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.
ADVERTISEMENT
મોડી રાત્રે સર્જાયો ભયાનક અકસ્માત
પ્રાપ્ત વિગતો અનુસાર, ગાંધીનગરના રાંધેજા પાસે મોડી રાત્રે ભયાનક અકસ્માત સર્જાયો હતો. રાંધેજા-પેથાપુર હાઈવે પર કારચાલકે સ્ટેયરિંગ પર કાબૂ ગુમાવતા કાર ધડાકાભેર ઝાડ સાથે અથડાઈ હતી. આ અકસ્માતને પગલે રાહદારીઓના ટોળેટોળા ઘટના સ્થળે એકઠા થઈ ગયા હતા. તો આ અકસ્માત અંગેની જાણ પોલીસને થતાં પેથાપુર પોલીસની ટીમ તાત્કાલિક અકસ્માત સ્થળે દોડી આવી હતી.
ધડાકાભેર ઝાડ સાથે અથડાઈ કાર
આ અકસ્માત એટલો જોરદાર હતો કે કારના ફૂરચેફૂરચા ઉડી ગયા હતા અને કારની અંદર સવાર 6 લોકોમાંથી પાંચના ઘટના સ્થળે જ મોત નિપજ્યાં હતા. જ્યારે એક ઈજાગ્રસ્તને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
પોલીસે હાથ ધરી તપાસ
પેથાપુર પોલીસની પ્રાથમિક તપાસમાં કારમાં સવાર તમામ મુસાફરો માણસાના વતની હોવાનું સામે આવ્યું છે. હાલ પેથાપુર પોલીસ દ્વારા મૃતકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખાતે ખસેડીને વધુ તપાસ હાથ ધરી છે.
ADVERTISEMENT