Gujarat Accident News: વડોદરા-હાલોલ રોડ પર ભયાનક અકસ્માત સર્જાયો છે. એક સાથે 5 વાહનો વચ્ચે અકસ્માત સર્જાતા બે પતિ-પત્નીના ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મોત નિપજ્યા છે. અકસ્માતને પગલે 3થી 4 કિમીનો લાંબો ટ્રાફિકજામ સર્જાયો છે. ટ્રાફિક પોલીસ ટ્રાફિક દૂર કરાવવાનો પ્રયાસ કરી રહી છે.
ADVERTISEMENT
એક સાથે 5 વાહનો વચ્ચે અકસ્માત
મળતી માહિતી અનુસાર, વડોદરા-હાલોલ રોડ પર જરોદ ત્રણ રસ્તા પાસે એકસાથે 5 વાહનો ટકરાયા હતા. આ અકસ્માતમાં ઈકો કારનો ભૂક્કો બોલી ગયો હતો. જેથી ઈકોમાં સવાર દંપત્તીનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. જરોદ ગામના રહેવાસી નરેશભાઈ ભીમજીભાઈ ડોડિયા (ઉં.વ.35) તેમના પત્ની ધર્મિષ્ઠાબેન સાથે ઈકો કારમાં રોડ ક્રોસ કરી રહ્યા હતા. આ દરમિયાન હેવી લોડર ટ્રક, પાણીનુ ટેન્કર, ઈકો કાર, રિક્ષા અને કિયા કાર આમ પાંચ વચ્ચે અકસ્માત થયો હતો.
પોલીસની ટીમ દોડી આવી
અકસ્માતને પગલે સ્થાનિકોના ટોળેટોળા ઘટના સ્થળે દોડી આવ્યા હતા. તો આ અંગેની જાણ પોલીસને કરવામાં આવતા પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી. અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયેલા 3 લોકોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવાની તજવીજ હાથ ધરી હતી.
ઈકોના પતરા તોડી મૃતદેહ બહાર કઢાયા
તો આ અકસ્માતના કારણે વાહનોની લાંબી કતારો લાગી છે. 5 વાહનોના અકસ્માતના કારણે 3થી 4 કિલોમીટરનો ટ્રાફિકજામ થયો હતો. જેને ક્લિયર કરવાની કામગીરી કરવામાં આવી હતી. ઇકોના પતરા તોડી દંપતીના મૃતદેહ બહાર કઢાયા હતા. ક્રેનથી કારને રસ્તા વચ્ચેથી હટાવાઈ હતી.
ગાડીમાં એરબેગ ખૂલી જતાં 6 લોકોનો બચાવ
જરોદ પોલીસ ઈન્સ્પેક્ટરે જણાવ્યું કે, બે લોડિંગ ટ્રકો વચ્ચે ટક્કર થતાં બંને ટ્રક પલટી ખાઈને પડતાં ત્રણ વાહનો ઓટોરિક્ષા, ઈકો કાર અને કિયા કાર દબાઈ ગઈ હતી. કિયા ગાડીની એરબેગ ખૂલી જતાં 6 લોકોનો આબાદ બચાવ થયો હતો, ઈકો કારમાં સવાર દંપતીનું મોત થયું હતું.
ADVERTISEMENT