અમદાવાદ: ગુજરાતી હિન્દુ વિક્રમ સંવત કેલેન્ડર 2079 અનુસાર આજથી પવિત્ર શ્રાવણ માસની શરૂઆત થઈ રહી છે. હિન્દુ ધર્મમાં પવિત્ર શ્રાવણ માસનું અનેરું મહત્વ છે. આ વખતે શ્રાવણ માસમાં 21,28 ઓગસ્ટ અને 4, 11 સપ્ટેમ્બરે સોમવાર આવી રહ્યા છે. ભગવાન શિવનો પ્રિય મહિનો શ્રાવણ કહેવાય છે અને આ પાછળ એક ખાસ પૌરાણિક કથા છે.
ADVERTISEMENT
આ કથા મુજબ, મા પાર્વતીએ ભગવાન શિવને પોતાના પતિ તરીકે મેળવવા માટે કઠોર તપસ્યા કરી હતી. જેના કારણે શિવજી પ્રશન્ન થયા અને મા પાર્વતીને પોતાના પત્ની તરીકે સ્વીકાર્યા. શ્રાવણ માસમાં શિવલિંગના જલાભિષેક અને રૂદ્રાભિષેકનું ખાસ મહત્વ છે. શ્રાવણ માસમાં ભગવાન શિવની પૂજાથી મનોકામનાઓ પૂર્ણ થાય છે.
શ્રાવણમાં સોમવારનું વ્રત
શ્રાવણ મહિનામાં સોમવારનું વ્રત પરિણીત મહિલાઓ અને અપરિણીત છોકરીઓ માટે ખૂબ જ વિશેષ માનવામાં આવે છે. શ્રાવણમાં સોમવારે પરિણીત મહિલાઓ દિવસભર વ્રત કરે છે. ભગવાન શિવ અને માતા પાર્વતીને તેમના પતિના લાંબા આયુષ્ય અને સુખ માટે પ્રાર્થના કરતા હોય છે. તો શ્રાવણના સોમવારે ઉપવાસ કરતી અરપિણીત મહિલાઓ ભગવાન શિવની પૂજા કરે છે અને પોતાના માટે યોગ્ય વરની ઈચ્છા રાખતી હોય છે.
શિવજીની પૂજા કેવી રીતે કરશો?
માન્યતાઓ અનુસાર શ્રાવણમાં ભગવાન શિવની પૂજા અને જાપ કરવાથી તેઓ જલ્દી પ્રસન્ન થાય છે. સવારે વહેલા ઉઠીને સ્નાન કરીને સ્વચ્છ વસ્ત્રો પહેરો. શિવ મંદિરમાં જઈને ગંગા જળ, શુદ્ધ જળ, દૂધ, દહીં, મધ અને શેરડીના રસથી અભિષેક કરો. આ બાદ ઓમ નમ: શિવાય મંત્રનો જાપ કરો અને બાદમાં શિવલિંગ પર બેલપત્ર, ભાંગ, ધતુરા અને શમીપત્ર ચડાવો અને ફળ ફૂલ અર્પણ કરો. શિવ ચાલીસાનો પાઠ કરો અને શિવ આરતી કરો.
શ્રાવણમાં શિવજીને શું ચડાવવું?
શ્રાવણ મહિનામાં શિવજીને પ્રસન્ન કરવા માટે પાણી, બિલ્વ પત્રના પાન, અંજીરના ફૂલ, ધતુરો, ચંદન, મધ, ભસ્ત અને પવિત્ર દોરો અર્પણ કરવામાં આવે છે. શિવપુરાણ મુજબ, શિવજીને કેટલીક વસ્તુઓ ન ચડાવવી જોઈએ જે મુજબ, કેતકીના ફૂલ, હળદર, શંખ જળ, સિંદૂર, કુમકુમ, નારિયેળ વગેરે.
ADVERTISEMENT