અરવલ્લી: રાજ્યમાં બેફામ બનેલા વાહન ચાલકો અકસ્માત સર્જીને નિર્દોષ નાગરિકોનો ભોગ લેતા હોય છે. ગઈકાલે પાટણમાં હિટ એન્ડ રનની ઘટના બાદ આજે શામળાજી ખાતે વધુ એક હિટ એન્ડ રનનો બનાવ બન્યો છે. જેમાં અજાણ્યા વાહને બાઈકને ટક્કર મારતા બંને બાઈક સવારના સ્થળ પર જ મોત નિપજ્યા હતા. ઘટનાને લઈને હાલમાં શામળાજી પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.
ADVERTISEMENT
અજાણ્યા વાહને બાઈક સવારને ટક્કર મારી
અરવલ્લી જિલ્લાના શામળાજીના અણસોલ પાસે ગમખ્વાર હિટ એન્ડ રનનો બનાવ બન્યો હતો. જેમાં બે યુવાનો કાળનો કોળિયો બન્યા હતા. અજાણ્યા વાહન ચાલકે બાઈકને ટક્કર મારતા બાઈક પર સવાર બે યુવાનો મોતને ભેટ્યા હતા. અકસ્માત સર્જીને વાહન ચાલક ફરાર થઈ ગયો હતો. એવામાં પોલીસે હવે આ અજાણ્યા વાહન ચાલકને શોધવામાં લાગી ગઈ છે.
ગઈકાલે પાટલમાં બની હતી હિટ એન્ડ રનની ઘટના
આ બંને મૃત્યુ પામનારા યુવકો ઉત્તર પ્રદેશના વારાણસીના રહેવાસી હોવાની માહિતી સામે આવી રહી છે. ઘટનાને પગલે સ્થાનિકોએ 108ને ફોન કરતા તાત્કાલિક 108 સેવા સ્થળ પર પહોંચી ગઈ હતી. જોકે યુવકોને બચાવી શકાયા નહોતા. નોંધનીય છે કે, ગઈકાલે પાટણ જિલ્લાના શંખેશ્વર તાલુકામાં પણ હિટ એન્ડ રનનો બનાવ બન્યો હતો. જેમાં રાધનપુરથી ચોટીલા પગપાળા જઈ રહેલા 8 જેટલા શ્રદ્ધાળુઓને કારે ટક્કર મારી હતી. જેમાં 3 લોકોના મોત નિપજ્યા હતા અને 5 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ ગયા હતા.
ADVERTISEMENT