Morbi Hit and Run: ગુજરાતમાં સતત બીજા દિવસે હિટ એન્ડ રનની ઘટના બની છે. સોમવારે જામનગરમાં હિટ એન્ડ રનના બનાવમાં એક મહિલા TRBનું મોત થયું હતું, ત્યારે હવે મોરબીમાં હિટ એન્ડ રનની ઘટનામાં એક પરિવારનો માળો વિખેરાયો છે. અજાણ્યા વાહનની ટક્કરમાં પતિ-પત્ની અને 3 બાળકો કચડાયા હતા, જેમાંથી 3 લોકોના મોત નિપજ્યા છે. ઘટનાની જાણકારી મળતા જ પોલીસનો કાફલો સ્થળ પર પહોંચ્યો હતો અને અજાણ્યા વાહન ચાલક સામે ગુનો નોંધીને તેને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા હતા.
ADVERTISEMENT
બાઈક પર જતા પરિવારને વાહને ટક્કર મારી
વિગતો મુજબ, મોરબીના માળિયાના નાના દહીંસરા ગામે હિટ એન્ડ રનની ઘટના બની હતી. બાઈક પર પતિ-પત્ની અને 3 બાળકો જઈ રહ્યા હતા, ત્યારે જ અજાણ્યા વાહન ચાલકે તેમને હડફેટે લઈને ફંગોળ્યા હતા. બાઈકને ટક્કર મારીને પરિવારના 5 સદસ્યોને કચડીને વાહન ચાલક ફરાર થઈ ગયો હતો. અકસ્માતની આ ઘટનામાં પિતા તથા એક પુત્ર તથા એક પુત્રીનું કરુણ મોત નિપજ્યું છે, તો એક પુત્રી અને માતા હાલ સારવાર હેઠળ છે.
માતા-પુત્રીની હાલત ગંભીર
અકસ્માતની ઘટના બનતા જ આસપાસના લોકો આવી પહોંચ્યા હતા અને પોલીસ તથા 108ની ટીમને જાણ કરી હતી. જેમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત માતા અને પુત્રીને મોરબી ખસેડાયા હતા અહીંથી વધુ સારવાર માટે તેમને રાજકોટ ખસેડવામાં આવ્યા છે. તો પોલીસ પણ મોરબી સરકારી હોસ્પિટલ પહોંચી હતી સમગ્ર અકસ્માત મામલે અજાણ્યા વાહન ચાલક સામે ગુનો નોંધીને તેને પકડવાની તજવીજ હાથ ધરી હતી.
(ઈનપુટ: રાજેશ આંબલિયા, મોરબી)
ADVERTISEMENT