મહેસાણામાં પ્રી-સ્કૂલમાં ઈદની ઉજવણી થતા હોબાળો, હિન્દુ સંગઠનોએ સંચાલક પાસે જાહેરમાં માફી મગાવી

કામિની આચાર્ય/મહેસાણા: મહેસાણાના રાધનપુર રોડ ઉપર આવેલ કિડ્સ કિંગડમ ઇંગ્લીશ મીડીયમ કેજી સ્કૂલમાં અભ્યાસ કરતા હિન્દુ વિદ્યાર્થીઓ સાથે સંસ્થાએ ઇદનો તહેવાર ઉજવતા મોટો વિવાદ થયો…

gujarattak
follow google news

કામિની આચાર્ય/મહેસાણા: મહેસાણાના રાધનપુર રોડ ઉપર આવેલ કિડ્સ કિંગડમ ઇંગ્લીશ મીડીયમ કેજી સ્કૂલમાં અભ્યાસ કરતા હિન્દુ વિદ્યાર્થીઓ સાથે સંસ્થાએ ઇદનો તહેવાર ઉજવતા મોટો વિવાદ થયો છે. હિન્દુ સંગઠનો પ્રી-સ્કૂલ પહોંચીને ઉગ્ર વિરોધ કર્યો હતો. સાથે જ સંચાલક માફી ના માગે ત્યાં સુધી નહીં હટવાના નિર્ણય સાથે હિન્દુ સંસ્થાના કાર્યકર્તાઓને આગેવાનોએ રામધૂન અને હનુમાન ચાલીસા બોલીને વિરોધ નોંધાવ્યો હતો.

પ્રી-સ્કૂલના વિદ્યાર્થીઓનો નમાજ પઢતો વીડિયો સામે આવતા રોષ
ઈદના તહેવારના આગલા દિવસે પ્રી-સ્કૂલમાં વિદ્યાર્થીઓને નમાજ પઢતા, એકબીજાને ગળે મળીને ઈદ મુબારક કહેતા વિડીયો અને ફોટા વાયરલ થતાની સાથે જ હિંદુ સંગઠનો એકત્રિત થયા હતા. શુક્રવારે પ્રી-સ્કૂલ શરૂ થતાની સાથે જ વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગદળ સહિતની હિન્દુ સંસ્થાઓના આગેવાનો મોટી સંખ્યામાં અહીં ભેગા થયા હતા અને રામધૂન સાથે ભારે વિરોધ નોંધાવ્યો હતો.

પ્રી-સ્કૂલની બહાર વિરોધ
શાળા સંચાલકો જ્યાં સુધી જાહેરમાં માફી ના માંગે ત્યાં સુધી શાળા સંકુલમાંથી નહીં હટવાના હિન્દુ સંગઠનોના જુસ્સા વચ્ચે પોલીસે દરમિયાનગીરી કરી હતી. પોલીસે શાળાના સંચાલકોના ઘરે જઈને ચર્ચા કરવાનો મુદ્દો મૂક્યો હતો. પરંતુ હિન્દુ સંગઠનોએ સંચાલકોને તેની શાળામાં જ બોલાવીને માફી મંગાવાની જીદ કરી હતી.

હિન્દુ વિસ્તારની શાળામાં ઈદની ઉજવણી કરાતા રોષ
વિશ્વ હિન્દુ પરિષદ તેમજ અન્ય હિન્દુ સંગઠનોએ કહ્યું કે, હિન્દુ વિસ્તારમાં આવેલી કે.જી સ્કૂલમાં હિન્દુત્વનું શિક્ષણ આપવાના બદલે અહીં ઈદ કેવી રીતે ઉજવવામાં આવે તેમજ નમાજ કેવી રીતે પઢવામાં આવે તેવું શીખવવામાં આવી રહ્યું છે તે યોગ્ય નથી. જ્યાં સુધી આ સ્કૂલમાં તાળા ના વાગે ત્યાં સુધી હિન્દુ સંગઠનો લડત ચલાવતા રહેશે. હાલમાં ગૌરીવ્રત ચાલુ થયું છે ત્યારે આ સ્કૂલ ગૌરીવ્રત સંબંધે કોઈ ઉત્સવ ઉજવતું નથી અને મુસ્લિમ તહેવારો ઉજવે છે તે ચલાવી લેવાશે નહીં.

પોલીસના સમજાવવા છતાં વિરોધ
4 હિંદુ સંગઠનોનો રોષ જોતા અહીં સવારથી જ પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો. અને બીજી બાજુ વિરોધને જોતા શાળા સંચાલકોએ સ્કૂલ બંધ રાખી હતી. કલાકો સુધી પોલીસે હિન્દુ સંગઠનો સમજાવ્યા હતા. પરંતુ તમામની એક જ જીદ હતી કે પ્રી-સ્કૂલ સંચાલક જાહેરમાં માફી માંગે અને હવે પછી ક્યારેય પણ મુસ્લિમ તહેવારો નહીં ઉજવે. હિન્દુ સંગઠનોના રોષને જોતા પોલીસે પોતાની રીતે સમગ્ર મામલે ઠંડુ પાણી રેડવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતુ હિન્દુ સંગઠનો પોતાના નિર્ણય પર અડગ રહ્યા હતા.

સંચાલકે જાહેરમાં માફી માગી
કિડ્સ સ્કૂલના મહિલા સંચાલક રાશિ ગૌતમ પત્રકારો સમક્ષ જ્યારે રજૂ થયા ત્યારે હિન્દુ સંગઠનો ના આગેવાનોએ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન પૂછેલા વિધક સવાલો વચ્ચે એક સમયે બંને વચ્ચે બોલાચાલી થઈ હતી. જોકે ત્યારબાદ મહિલા સંચાલકે શાળાની અંદર તહેવાર ઉજવવાના મુદ્દે માફી માંગી હતી અને હવે પછી ક્યારે પણ તેમની સ્કૂલમાં આવા મુસ્લિમ તહેવારોની ઉજવણી કરવામાં નહીં આવે તેવી બાંહેધરી આપતા મામલો થાળે પડ્યો હતો.

    follow whatsapp