અમદાવાદ: રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓમાં પેટા ચૂંટણી જાહેર થઈ ચુકી છે. બે મનપાની ત્રણ બેઠક અને અલગ અલગ નગરપાલિકાની 29 બેઠકો ઉપર 6 ઓગસ્ટના રોજ મતદાન થશે. ત્યારે રાજકોટની મનપાની વોર્ડ નંબર 15ની પેટા ચૂંટણી નહીં યોજાય. ગુજરાત હાઇકોર્ટનો વચગાળાનો મનાઈ હુકમ કરવામાં આવ્યો છે. આગામી તા.22 ઓગષ્ટના રોજ યોજાનારી ચૂંટણી સામે હાઇકોર્ટે સ્ટે આપ્યો છે. વશરામભાઇ સાગઠીયા સહિત બે કોર્પોરેટરોને મોટી રાહત મળી છે.
ADVERTISEMENT
વોર્ડ નં.15ની બે બેઠકોની પેટા ચૂંટણી સામે હાઇકોર્ટનો સ્ટે આવ્યો છે. ગેરલાયક ઠરેલા વશરામભાઇ સાગઠીયા સહિત બે કોર્પોરેટરો દ્વારા કરાયેલ અરજી પર હાઇકોર્ટે હુકમ કર્યો છે. 2021માં ચૂંટાયેલા તે સમયના કોંગ્રેસના કોર્પોરેટર વશરામભાઇ સાગઠીયા સહિત બે કોર્પોરેટરોએ પક્ષાંતર કરીને આમ આદમી પાર્ટીમાં જોડાતા હતા. પક્ષાંતર વિરોધી ધારા હેઠળ મ્યુનિસિપલ વિભાગના સચિવ દ્વારા સભ્યપદેથી ગેરલાયક ઠેરાવાયા હતા. ત્યારે હવે વશરામ સાગઠિયાએ કોંગ્રેસમાં ઘર વાપસી કરી છે. હાઇકોર્ટના આ નિર્ણયથી વશરામભાઇ સાગઠીયા સહિત બે કોર્પોરેટરોને રાહત મળી છે.
જાણો ચૂંટણી કાર્યક્રમ
રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓમાં પેટા ચૂંટણી જાહેર થઈ ચુકી છે. બે મનપાની ત્રણ બેઠક અને અલગ અલગ નગરપાલિકાની 29 બેઠકો ઉપર 6 ઓગસ્ટના રોજ મતદાન થશે. 17 જુલાઈથી પેટા ચૂંટણી માટેનું જાહેરનામું પ્રસિદ્ધ થશે, ઉમેદવાર માટે 22 જુલાઈ ફોર્મ ભરવાની અંતિમ તારીખ છે. 24 જુલાઈએ ઉમેદવારોના ફોર્મની ચકાસણી કરવામાં આવશે. જ્યારે 25 તારીખે ઉમેદવાર ફોર્મ પરત ખેંચી શકશે. રાજ્યની બે મહાનગર પાલિકાની ત્રણ બેઠકો અને 18 નગરપાલિકાઓની 29 બેઠકો પર પેટા ચૂંટણી યોજાશે.
સામાન્ય ચૂંટણીની જાહેરાત બાકી
રાજ્યમાં વિવિધ કારણોસર ખાલી પડેલી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં પેટા ચૂંટણીઓની જાહેરાત કરવામાં આવી છે. રાજ્ય ચૂંટણી આયોગે આજે જાહેરાત કરી દીધી છે. રાજ્ય ચૂંટણી આયોગે આજથી જ જાહેરનામું અમલી કર્યું છે. જો કે, હજુ સુધી સ્થાનિક સ્વરાજ્યની સામાન્ય ચૂંટણીઓની જાહેરાતો બાકી છે.
અહી યોજાશે ચૂંટણી
મહાનગર પાલિકાની પેટાચૂંટણીની વાત કરીએ તો રાજકોટમાં વોર્ડ નંબર 15માં અનુસૂચિત જનજાતિ માટેની બેઠક (સ્ત્રી) પર તેમજ અન્ય સામાન્ય બેઠક પર પેટા ચૂંટણી યોજવાની હતી. જેના પર હાઇકોર્ટે મનાઈ હુકમ ફરમાવ્યો છે. જયારે સુરતમાં વોર્ડ નંબર 20માં સામાન્ય બેઠક પર પેટાચૂંટણી યોજાશે. ઉપરાંત ભાવનગર, ભરૂચ, નર્મદા, બનાસકાંઠા, સુરેન્દ્રનગર, અરવલ્લી, અમદાવાદ, આણંદ, પોરબંદર, પાટણ, મહેસાણા, ખેડા, કચ્છ, ગીરસોમનાથ અને પંચમહાલ જિલ્લાની નગરપાલિકાઓમાં પેટા ચૂંટણી યોજાશે.
રાજકોટ મનપામાં કુલ 72 બેઠકો છે. જેમાંથી ગત મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપને 68 બેઠક મળી હતી. તેમજ કોંગ્રેસને માત્ર 4 બેઠકો જ મળી હતી. કોંગ્રેસના વોર્ડ નંબર 4 ના તમામ ઉમેદવારો ચૂંટણી જીત્યા હતા. ત્યારબાદ કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય અને દિગ્ગજ નેતા ઇન્દ્રનીલ રાજ્યગુરુ ગુજરાત વિધાનસભાની ચૂંટણી દરમિયાન આમ આદમી પાર્ટીમાં જોડાઈ ગયા હતા. જેમની સાથે રાજકોટ મનપાના કોંગ્રેસના બે કોર્પોરેટર વશરામ સાગઠીયા અને કોમલ ભારાઇ પણ ઇન્દ્રનીલ રાજ્યગુરુ સાથે આમ આદમી પાર્ટીમાં જોડાઈ ગયા હતા. જોકે, ઇન્દ્રનીલ રાજ્યગુરુ રાજકોટમાં રાહુલ ગાંધીની સભા દરમિયાન ફરી કોંગ્રેસમાં જોડાઈ જતા રાજકારણમાં પણ ગરમાવો આવ્યો હતો. ઇન્દ્રનીલ રાજ્યગુરુ કોંગ્રેસમાં જોડાયા બાદ આપમાં ગયેલા કોર્પોરેટર વશરામ સાગઠીયા અને કોમલ ભરાઈ પણ કોંગ્રેસ સાથે જોડાયા હતા.
ADVERTISEMENT