અમદાવાદ, ગાંધીનગર સહિત રાજ્યના અનેક જિલ્લામાં મિની વાવાઝોડું, વિધાનસભામાં ગુંબજનું પતરૂં ઉડી ગયું

અમદાવાદ: રાજ્યામાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે છેલ્લા બે દિવસથી ઘણા જિલ્લાઓમાં ભારે પવન સાથે વરસાદ પડી રહ્યો છે. ત્યારે આગામી 24 કલાકમાં 14 જેટલા જિલ્લાઓમાં…

gujarattak
follow google news

અમદાવાદ: રાજ્યામાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે છેલ્લા બે દિવસથી ઘણા જિલ્લાઓમાં ભારે પવન સાથે વરસાદ પડી રહ્યો છે. ત્યારે આગામી 24 કલાકમાં 14 જેટલા જિલ્લાઓમાં વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. તેમાં પણ અમદાવાદ-ગાંધીનગર સહિતના કેટલાક જિલ્લાઓમાં આગામી 2 કલાક મિની વાવાઝોડું આવવા જેવી સ્થિતિ સર્જાઈ છે. અમદાવાદ-ગાંધીનગરમાં ધૂળની ડમરીઓ સાથે ભારે ઝડપે પૂવન ફૂંકાઈ રહ્યો છે. તો બનાસકાંઠાના ધાનેરામાં લગ્નનો મંડપ પવનમાં ઉડી જતા મહેમાનોએ તેને પકડી રાખવો પડ્યો હતો.

આગામી 2 કલાક ભારે
હવામાન વિભાગના નાઉ કાસ્ટ મુજબ, આગામી 2 કલાકમાં કચ્છ, બનાસકાંઠા, સુરેન્દ્રનગર, મોરબી, રાજકોટ, પાટણ, મહેસાણા, અમદાવાદ, ગાંધીનગર અને સાબરકાંઠામાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. ત્યારે અનેક જિલ્લાઓમાં પવન ફૂંકાવાનો શરૂ થઈ ગયો છે. ગાંધીનગરમાં વિધાનસભાના ગુંબજમાં પાછળના ભાગે આવેલું પતરું ઉડી ગયું હતું. જ્યારે વિધાનસભા કેમ્પસમાં આવેલા બગીચામાં વૃક્ષો પણ ધરાશાયી થઈ ગયા હતા. અમદાવાદ શહેરમાં પણ અનેક વિસ્તારોમાં ભારે ગતિએ પવન ફૂંકાયો હતો.

અરવલ્લીમાં 70 કિમીની ઝડપે પવન ફૂંકાયો
અરવલ્લી જિલ્લામાં પણ મિની વાવાઝોડાની અસર જોવા મળી હતી. મોડાસા-શામળાજી હાઈવે પર 70 કિમીની ઝડપે પવન ફૂંકાયો હતો. જેના કારણે ધૂળની ડમરીઓ ઉડતા રસ્તા દેખાતા બંધ થઈ ગયા હતા. પરિણામે વાહન ચાલકો વાહન બાજુમાં મૂકીને ઊભા રહી ગયા હતા. ટીંટોઈ, શામળાજી, મોડાસા, ધનસુરા અને બાયડ વિસ્તારમાં પણ ભારે પવન ફૂંકાયો હતો.

મોરબીમાં રોડ પર ધૂળની ડમરીઓ ઉડી
તો મોરબીમાં પણ વાતાવરણમાં પલટો આવ્યો હતો. સવારથી વાદળછાયા વાતાવરણ બાદ અચાનક વાતાવરણમાં પલટો આવતા મોરબી શહેર તેમજ હળવદ અને માળિયામાં ભારે પવન ફૂંકાયો હતા. ભારે પવનના કારણે રોડ પર ધૂળની ડમરીઓ ઉડી હતી.

(વિથ ઈનપુટ: રાજેશ આંબલિયા, મોરબી અને હિતેશ સુતરીયા, અરવલ્લી)

    follow whatsapp