રાજકોટ : આજે શરદ પૂનમ અને બીજી તરફ મેઘરાજા પણ હિલોળે ચડ્યા હતા. રાજકોટ જિલ્લામાં સવારથી બપોર સુધી બેવડી ઋતુ જોવામળી હતી. ત્યાર બાદ અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો અને ધોધમાર વરસાદ તુટી પડ્યો હતો. યાત્રાધામ વીરપુરમાં બપોર બાદ આકાશ ગોરંભાયું હતું અને અચાનક કડાકા ભડાકા સાથે વરસાદ તુટી પડ્યો હતો. ભારે પવન સાથે તુટી પડેલા વરસાદના કારણે ખેડૂતોને પાકમાં ભારે નુકસાની વેઠવાનો વારો આવ્યો હતો.
ADVERTISEMENT
ધોધમાર વરસાદના પગલે તમામ પાકને નુકસાન પહોંચ્યું
ધોધમાર વરસાદથી મગફળી અને સોયાબીનના પાથરા પલળી ગયા હતા. ખેડૂતોને ભારે નુકસાનીનો સામનો કરવો પડી રહ્યો છે. જેતપુરમાં તો જાણે બારે મેઘ ખાંગા થયા હોય તે પ્રકારે વરસાદ વરસ્યો હતો. બપોર બાદ વીરપુર અને આસપાસના વિસ્તારોમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદના કારણે ખેડૂતોનો તમામ પાક નિષ્ફળ જવાની ભીતિ છે. કપાસ, મગફળી, સોયાબીન અને અન્ય શાકભાજી સહિતના તમામ પાકોને ભારે નુકસાન પહોંચ્યું હતું.
વહેલી સવારથી જ વિચિત્ર વાતાવરણ ઉદ્ભવ્યું હતું
રાજકોટમાં સવારથી જ વરસાદી વાતાવરણ જોવા મળ્યું હતું. બપોર બાદ ધીરે ધીરે વાતાવરણમાં પલટો થવા લાગ્યો હતો. વરસાદના કારણે સામાન્ય નાગરિકોને તો રાહત થઇ છે પરંતુ ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે. વરસાદના કારણે ખેડૂતોને પડતા પર પાટુ જેવી સ્થિતિ પેદા થઇ છે.
ADVERTISEMENT