ભાર્ગવી જોશી/અમદાવાદ: મંગળવારે સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં વરસાદનો ત્રીજો રાઉન્ડ શરૂ થયો હતો. રાજકોટ-જૂનાગઢ, ગીર સોમનાથ સહિતના જિલ્લાઓમાં ભારે વરસાદ નોંધાતા લોકોના ઘર, રસ્તાઓ પાણીમાં ડૂબી ગયા હતા. છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં વરસાદની વાત કરીએ તો રાજ્યના 176 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. જેમાં ગીર સોમનાથના સૂત્રાપાડામાં આભ ફાટ્યું હોય એમ 21 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. તો વેરાવળમાં પણ 19 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો છે.
ADVERTISEMENT
વેરાવળ-કોડિનાર હાઈવે બંધ
સૂત્રાપાડા અને વેરાવળમાં ભારે વરસાદના કારણે લોકોના ઘરોમાં પાણી ઘુસી ગયા છે. લોકોની ઘરવખરી પાણીમાં પલળી જતા મોટું નુકસાન થયું હતું. વાહનો પણ પાણીમાં ડૂબી ગયા હતા તો વેરાવળની તમામ શાળાઓ, કોલેજો તથા ટ્યુશન ક્લાસીસમાં ભારે વરસાદના કારણે રજા જાહેર કરાઈ છે. તો ભારે વરસાદના કારણે વેરાવળ-કોડિનાર હાઈવે બંધ કરાયો છે.
છેલ્લા 24 કલાકમાં ક્યાં કેટલો વરસાદ પડ્યો?
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 176 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. જેમાંથી 51 તાલુકાઓમાં 1 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. ગીરસોમનાથના સૂત્રાપાડામાં 21 ઈંચ, વેરાવળમાં 19 ઈંચ અને તલાલામાં 11 ઈંચ વરસાદ છેલ્લા 24 કલાકમાં પડ્યો છે. તો રાજકોટના ધોરાજીમાં 11 ઈંચ, કોડિનારમાં 8.5 ઈંચ, માંગરોળમાં 7.55 ઈંચ, જામકંડોરણામાં 7 ઈંચ, ઉપલેટામાં 4.68 ઈંચ તો મેંદરડા અને માળિયા-હાટીનામાં 5-5 ઈંચ વરસાદ ખાબક્યો હતો. સુરત શહેરમાં પણ 4, વાપીમાં 4, પેટલાદમાં 4 ઈંચ વરસાદ પડ્યો હતો.
ગળોદર ગામે શિવ મંદિર પર વીજળી પડી
જુનાગઢ જિલ્લાના માળીયા-હાટીના ગળોદરમાં નવા ગળોદર ગામે શિવ મંદિર ઉપર વિજળી પડી હતી. તો ગામના ઘરોમાં વરસાદી પાણી ફરી વળ્યા હતા. વરસાદના કારણે મોડી રાતથી લોકોના ઘરોમાં વીજળી ગુલ થઈ જતા અંધારપટ છવાઈ ગયો હતો.
તલાલામાં મગર રસ્તા પર આવી ગયો
તો ગીર સોમનાથના તલાલામાં પણ આખી રાત ધોધમાર વરસાદ વરસ્યો હતો. 11 ઈંચથી વધુ વરસાદ ખાબકડતા નદીઓ તોફાની બની હતી એવામાં લોકોના ઘરોમાં પાણી ઘુસી ગયું હતું અને રસ્તા પણ પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. તો નદીમાંથી મગર રોડ પર આવી જતા લોકોમાં દહેશત જોવા મળી રહી છે.
ADVERTISEMENT