અમદાવાદ: ગુજરાતમાં ચોમાસાનું આગમન થઈ ગયું છે. છેલ્લા એક સપ્તાહથી રાજ્યમાં વરસાદી માહોલ છવાયો છે. આ વચ્ચે ગુજરાતમાં આગામી 5 દિવસ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. એક સાથે બે-બે સિસ્ટમ સક્રિય થવાના કારણે સમગ્ર ગુજરાતમાં મેઘમહેર થઈ રહી છે. ત્યારે માછીમારોને આગામી 5 દિવસ દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 184 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધારે પારડી અને વલસાડમાં 7-7 ઈંચ વરસાદ પડ્યો હતો.
ADVERTISEMENT
નવસારી-વલસાડમાં એલર્ટ
ગુજરાતમાં આજે હવામાન વિભાગે નવસારી અને વલસાડ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. એવામાં બંને જિલ્લાઓમાં રેડ એલર્ટ અપાયું છે. તો સુરત, ડાંગ અને તાપી જિલ્લામાં ભારે વરસાદની આગાહીને પગલે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. નવસારીમાં હાલ NDRFની ટીમને સ્ટેન્ડ બાય પર રાખવામાં આવી છે. નવસારીમાં અંબિકા, પૂર્ણા અને કાવેરી નદી હાલમાં સામાન્ય સ્થિતિ પર છે.
છેલ્લા 24 કલાકમાં ક્યાં કેટલો વરસાદ પડ્યો?
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ વરસાદ ખાબક્યો છે. જેમાં પારડી અને વલસાડમાં 7-7 ઈંચ વરસાદ, સુરતના કામરેજમાં 6, ખેરગામમાં 6, પલસાણામાં પોણા છ, ધરમપુર અને વાપીમાં પોણા છ ઈંચ વરસાદ પડ્યો છે. તો ઉમરગામમાં 5 ઈંચ, વલોદમાં 5 ઈંચ, ઈંચ, વિસાવદર અને કેશોદમાં 4 ઈંચ, માંડવી, કુતિયાણા, કોડિનાર, વ્યારામાં 4-4 ઈંચ વરસાદ નોંધાયો છે.
અરવલ્લીમાં વરસાદ
અરવલ્લી જિલ્લાના વાતાવરણમાં પણ પલટો આવ્યો છે અને વહેલી સવારથી જિલ્લાના અલગ અલગ વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે. મોડાસામાં વરસાદના પગલે ચાર રસ્તા, ડીપ વિસ્તાર તથા ઓધારીનગર સહિતના વિસ્તારોમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા હતા. વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી.
(વિથ ઈનપુટ: રોનક જાની, હિતેશ સુતરીયા)
ADVERTISEMENT