ADVERTISEMENT
- પતિના ત્રાસથી કંટાળી પરિણીતાએ કર્યો આપઘાત
- નિકાહ બાદ ખૂબ જ ત્રાસ આપતો હતો પતિ
- દાણીલીમડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ
Ahmedabad News: અમદાવાદના દાણીલીમડા વિસ્તારમાં પતિના ત્રાસથી કંટાળીને પરિણીતાએ આપઘાત કરી લેતા ખળભળાટ મચી ગયો છે. હાલ પરિણીતાના પિતાએ દાણીલીમડા પોલીસ સ્ટેશનમાં જમાઈ વિરુદ્ધ આત્મહત્યાની દુષ્પ્રેરણા તેમજ ઘરેલું હિંસા અને મારામારીની ફરિયાદ નોંધાવી છે.
આશિયાનાના 2021માં થયા હતા નિકાહ
ફરિયાદ મુજબ, શહેરના દાણીલીમડા વિસ્તારમાં આવેલા નબીલ ટેનામેન્ટમાં રહેતા અને કાર પેઈન્ટ કરીને પરિવારનું ગુજરાન ચલાવતા ઈનાયત મલિકને ત્રણ દીકરીઓ છે. જેમાંથી બીજા નંબરની દીકરી આશિયાનાના નિકાહ 2021માં ઈડર ખાતે રહેતા હુસેનમિયા ભટ્ટ સાથે થયા હતા.
પતિ નાની-નાની બાબતે કરતો માથાકૂટ
નિકાહ બાદ આશિયાના સાસરીમાં સંયુક્ત પરિવારમાં રહેતી હતી, જ્યાં તેને ત્રણ મહિના બાદ હુસેનમિયાંએ આશિયાનાને ટૂંકા કપડા પહેરવા બાબતે રોકોટોક કરતો હતો, તેમજ ઘરકામ બાબતે માથાકૂટ કરતો હતો. આ સિવાય આશિયાના ઉપર ખોટા શક-વહેમ રાખી હેરાન-પરેશાન કરવા લાગ્યો હતો.
અનેકવાર સમજાવ્યા છતાં ન સમજ્યો હુસેન
આશિયાનાએ સમગ્ર બાબત તેની માતાને ફોન પર કહી હતી. માતાએ પણ આશિયાનાને ઘર કરીને રહેવાની સલાહ આપી હતી. જેથી આશિયાના માતાની સલાહ માનીને સાસરીમાં રહી હતી અને પતિનો ત્રાસ સહન કરતી રહી હતી. પતિ હુસેનમિયા આશિયાના પર અવારનવાર આંગળી ચીંધતો હતો. પતિના અસહ ત્રાસથી કંટાળીને આશિયાનાએ તેની માતાને ફોન કરીને સમગ્ર હકીકત જણાવી હતી. જે બાદ માતા-પિતાએ જમાઈ હુસેનમિયાને ફોન કરીને સમજાવ્યો હતો. છતાં હુસેનમિયાએ સુધરવાનું નામ લીધું નહોતું.
પતિએ છુટાછેડાની આપી ધમકી
ગત 25 જાન્યુઆરીના રોજ આશિયાના તેના પતિ તેમજ સાસુ-સસરા અમદાવાદ લગ્ન પ્રસંગમાં આવ્યા હતા. જે બાદ 28 જાન્યુઆરીના રોજ આશિયાના પિયરમાં આવી હતી. જે બાદ આશિયાનાએ સાસરે જવાની ના પાડી દીધી હતી. 28 જાન્યુઆરીની રાતે જ હુસેનમિયાએ સસરા ઈનાયત મલિકને કહ્યું હતું કે, ‘તમારી દીકરીને લઈને સવારે ઘી કાંટા કાર્ટમાં આવી જજો, મારે તમારી દીકરી સાથે છૂટાછેડા લેવાના છે અને જો છૂટાછેડા ના આપવા હોય તો અહીં જ મરી જાય’. આમ કહીને હુસેન ત્યાંથી નીકળી ગયો હતો.
આશિયાનાએ ગળેફાંસો ખાઈને કરી લીધો આપઘાત
જે બાદ આશિયાના પોતાના રૂમમાં સૂવા માટે ચાલી ગઈ હતી અને વહેલી સવારે તેણે ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. જે બાદ મૃતકના પિતાએ જમાઈ એટલે કે આશિયાના પતિ હુસેનમિયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.
ADVERTISEMENT