ગાંધીનગર : આગામી રવિવારે જૂનિયર ક્લાર્કની પરીક્ષાનું આયોજન થવા જઇ રહ્યું છે. તેવામાં યુવરાજસિંહ જાડેજાએ પત્રકાર પરિષદ આયોજીત કરીને એક મોટા કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો. જેમાં તેમણે ડમી ઉમેદવારો દ્વારા ચાલતા આ સમગ્ર કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો. જેના કારણે ફરી એકવાર વિદ્યાર્થી અને વાલીઓનો વિશ્વાસ ડગમગી ગયો હતો. જો કે ત્યાર બાદ જુનિયર ક્લાર્કની પરીક્ષા પહેલા હસમુખ પટેલે પત્રકાર પરિષદ આયોજીત કરી હતી. તેમણે આ પરીક્ષા સંપુર્ણ રીતે સુરક્ષીત રીતે પરીક્ષાનું આયોજન થશે તેવી બાંહેધરી આપી હતી.
ADVERTISEMENT
હસમુખ પટેલે જણાવ્યું કે, અમે નવા કાયદા હેઠળ કૌભાંડ કરનારા લોકો વિરુદ્ધ કડક કાર્યવાહી કરીશું. જો કોઇ વ્યક્તિ પકડાશે તો તેની વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે. નવા કાયદામાં 10 કરોડ રૂપિયા સુધીનો દંડ સહિતની અનેક જોગવાઇ છે. તેથી જો કોઇ આવી હિંમત કરતું હોય તો હું અત્યારથી જ ચેતવણી આપુ છું કે અટકી જાય કારણ કે પાછળથી જો પકડાશે તો સરકારી પરીક્ષા તો ઠીક પરંતુ આખુ જીવન બગડી જાય તેવી સજા કરવામાં આવશે.
બીજી તરફ હસમુખ પટેલે જણાવ્યું કે, યુવરાજસિંહ દ્વારા જે ચાર નામ અને તે સંવર્ગની નોકરી જણાવી છે ત્યાં અમે અમારી રીતે તપાસ કરી છે. એક પણ વ્યક્તિ આ સંવર્ગમાં નોકરી કરતો નથી. એક વ્યક્તિનું નામ પ્રોવિઝનલ મેરિટ લિસ્ટમાં છે પરંતુ હજી સુધી તે પણ ક્યાંય સિલેક્ટ થયો નથી. તેથી યુવરાજસિંહે આપેલી સંવર્ગ અને નામની માહિતી તદ્દન ખોટી છે. આ અંગે જો કે અમે અન્ય સંવર્ગમાં તપાસ કરી નથી. આ અંગે યુવરાજસિંહે અમારો પણ સંપર્ક કર્યો નથી. જો તે સંપર્ક કરશે તો અમે તેની વિરુદ્ધ જરૂર કાર્યવાહી કરીશું.
ADVERTISEMENT