Viral Video News: ભુજમાં કોંગ્રેસ નેતાએ જાહેરમાં IBના મહિલા કર્મચારીનું અપમાન કરતા કોંગ્રેસ નેતા વિરુદ્ધ ભુજ એ ડીવીઝન પોલીસ મથકે એટ્રોસિટી, ફરજમાં રુકાવટ સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. મહિલા કર્માચારીની ફરિયાદ બાદ પોલીસે કચ્છ કિસાન કોંગ્રેસના આગેવાન એચ.એસ.આહીરની ધરપકડ કરી છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
ADVERTISEMENT
શું છે સમગ્ર મામલો?
કચ્છના ભુજ શહેર ખાતે આવેલા ઉમેદ ભવનમાં વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીની પત્રકાર પરિષદ યોજાઈ હતી. આ દરમિયાન ફરજના ભાગરૂપે હાજર સ્ટેટ આઈબીના મહિલા કર્મચારી રીનાબેન જીવાભાઈ ચૌહાણ ધારાસભ્ય મેવાણીનો ફોટો પાડવા ખુરશી પરથી ઉભા થયા હતા. ફોટો પાડ્યા બાદ તેઓ ખુરશીમાં બેસવા જતાં હતા, ત્યારે પાછળથી એચ.એસ આહીર (હરેશ શિવજી આહીર) નામના કોંગ્રેસ નેતાએ ખુરશી ખેંચી લીધી હતી. જેથી મહિલા કર્મચારી પડી ગયા હતા. સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી.
મહિલાકર્મીને લઈ જવાયા હતા હોસ્પિટલમાં
મહિલા કર્મચારી પડી જતાં તેમના કમર અને કરોડરજ્જુમાં ઈજાઓ પહોચી હતી, બાદમાં સારવાર માટે જી.કે.જનરલ હોસ્પિટલ લઇ જવાયા હતા. સમગ્ર બનાવે ભારે ચર્ચા જગાવી હતી અને ઘટનાનો લાઈવ સીસીટીવી ફૂટેજ પણ વાયરલ થયો હતો. જે બાદ મહિલા કર્મચારી રીનાબેન ચૌહાણે ભુજ એ ડીવીઝન પોલીસ મથકે કોંગ્રેસ નેતા એચ.એસ આહીર સામે ફરિયાદ નોંધાવી હતી.
આરોપી વિરુદ્ધ નોંધાઈ ફરિયાદઃ DySP
‘તમે ખુરશી પર બેસવાને લાયક જ નથી અને તમારા માટે ખુરશી ન હોય’ તેવું કહી જાતી અપમાનિત કર્યા હોવાનો આક્ષેપ મહિલા કર્મચારી રીનાબેન ચૌહાણે કોંગી નેતા સામે કર્યો હતો. આ મામલે સાંજે ભુજના ડીવાયએસપી એ.આર.ઝણકાટે પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી માહિતી આપતા જણાવ્યું કે, આરોપી વિરુદ્ધ ભુજ એ ડીવીઝન પોલીસ મથકે એટ્રોસિટી, ફરજમાં રુકાવટ સહિતની કલમો તળે ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરાઈ છે અને આરોપીની ધરપકડ કરવામાં આવી છે.
હર્ષ સંઘવીએ કોંગ્રેસ પર કર્યા પ્રહાર
રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પણ કોંગ્રેસની માનસિકતા મહિલા અને દલિત વિરોધી હોવાનું જણાવ્યું હતું. દરમિયાન ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ઘટનાના સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર મૂકી કોંગ્રેસને આડેહાથ લેતા જણાવ્યું કે, કોંગ્રેસની માનસિકતા હંમેશા મહિલા અને દલિત વિરોધી રહી છે. પત્રકાર પરિષદ દરમિયાન ધારાસભ્યના નજીકના મિત્ર એચ.એસ.આહીરે જાણી જોઈ ખુરશી ખેંચી મહિલા ઓફિસરને ઈજા પહોચાડી છે જે નિંદનીય બાબત છે.
ADVERTISEMENT