અમદાવાદઃ હાર્દિક પટેલ છેલ્લા ઘણા સમયથી વિસનગર તોડફોડ કેસમાં કોર્ટે મહેસાણામાં પ્રવેશબંધીનો ઓર્ડર હોવાને કારણે મહેસાણા જિલ્લામાં પ્રવેશ કરી શક્તા ન હતા. જોકે હાર્દિક પટેલને આજે શુક્રવારે હાઈકોર્ટ તરફથી આ મામલામાં મોટી રાહત આપવામાં આવી છે. હાઈકોર્ટે તેમની મહેસાણા જિલ્લામાં પ્રવેશબંધીને 1 વર્ષ માટે હટાવી છે. જેને કારણે હવે હાર્દિક પટેલ ત્યાં ચૂંટણી પ્રચાર માટે પણ જઈ શકશે. ઉલ્લેખનીય છે કે વર્ષોથી ચાલી રહેલા આ કેસમાં તેમને કોર્ટ દ્વારા મહેસાણામાં પ્રવેશ નહીં કરવાનો ઓર્ડર કરતાં તેઓને મહેસાણા જઈ શકાતું ન હતું.
ADVERTISEMENT
શું હતો કેસ
અનામત આંદોલનનો ચહેરો હાર્દિક પટેલ, તે વખતના વિસનગરમાં વર્ષ 2015માં ધારાસભ્ય ઋષિકેશ પટેલના કાર્યાલય પર તોડફોડ થઈ હતી. ગત 23 જુલાઈ 2015નો આ બનાવ છે ત્યારે આંદોલન દરમિયાન વિસનગરમાં રેલી થઈ હતી અને મામલતદારને આવેદનપત્ર આપ્યા પછી તેઓ ધારાસભ્ય ઋષિકેશ પટેલને પણ આવેદનપત્ર આપવા ગયા હતા. જોકે ત્યાં ધારાસભ્ય હાજર મળ્યા નહીં જેના પછી ટોળું ઉશ્કેરાયું હતું અને ત્યાં જ ટોળાએ તોડફોડ મચાવી દીધી હતી. અહીં સુધી કે પત્રકારોના કેમેરા અને મોબાઈલ પણ તોડી નાખ્યા હતા. આ મામલામાં એસપીજી નેતા લાલજી પટેલ, હાર્દિક પટેલ, પાસ કન્વીનર એકે પટેલ સહિતના 17 લોકો સામે ગુનો નોંધાયો હતો. ગત જુલાઈ 2018માં વિસનગર એડી. સેશન્સ કોર્ટ દ્વારા હાર્દિક પટેલ, લાલજી પટેલ અને એ કે પટેલને બે વર્ષની સજા સંભળાવી હતી. જોકે સુપ્રિમ કોર્ટમાં તેમણે અરજી કરતાં ત્યાંથી સજા પર સ્ટે મળ્યો હતો.
હાઈકોર્ટના નિર્ણયથી હાર્દિકને થશે રાહત
ઉપરાંત જ્યારે 2019માં હાર્દિક પટેલે લોકસભા ચૂંટણી લડવા માટે પોતાને થયેલી સજાને હાઈકોર્ટમાં પડકારી હતી પણ હાઈકોર્ટે જે તે સમયે હાર્દિકની અરજીને ફગાવી દીધી હતી. તે સમયે હાર્દિક પટેલ કોંગ્રેસમાં હતા. જે તે સમયે તેઓ હાઈકોર્ટના આ નિર્ણયને કારણે ચૂંટણી પણ લડી શક્યા ન હતા. જોકે તે પછીથી જ હાર્દિકના સિતારા ચમક્યા અને કોંગ્રેસમાં કાર્યકારી અધ્યક્ષ પદ મળ્યા પછી તેઓ વિધાનસભા 2022ની તૈયારી રુપે ભાજપમાં જોડાયા અને તે પછી પણ તેમને ભાજપમાંથી વિરમગામ બેઠક પરથી ચૂંટણી લડવાની તક પક્ષ દ્વારા આપવામાં આવી. હવે તેઓ ભાજપના નેતા છે. આ દરમિયાનમાં હાઈકોર્ટમાંથી તેમને મહેસાણામાં લાદવામાં આવેલી પ્રવેશબંધીને 1 વર્ષ માટે હટાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેના કારણે હવે તે ત્યાં પ્રચાર પ્રસારમાં જોડાઈ શકશે. હાર્દિક પટેલ માટે હાઈકોર્ટનો આ નિર્ણય આગામી ચૂંટણીમાં ફળદાયી સાબીત થઈ શકે તેવો છે.
ADVERTISEMENT