Dabhoda Hanumamji: આજે દેશભરમાં હનુમાન જયંતિના પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે આજે અમે તેમને ગુજરાતમાં આવેલા 1000થી પણ વધુ વર્ષ જૂના હનુમાન દાદાના એક ખાસ મંદિર વિશે જણાવીશું. ગાંધીનગર જિલ્લાના ડભોડા ગામમાં હનુમાનજીનું ચમત્કારિક મંદિર આવેલું છે. આ મંદિર ડભોડા હનુમાન તરીકે સુપ્રસિદ્ધ છે અને તેમાં સ્વયંભૂ પ્રગટ થયેલી હનુમાનજીની પ્રતિમા સ્થાપિત છે. અમદાવાદથી માત્ર 20 કિલોમીટર દૂર આ મંદિર સાથે અનેક લોકવાયકા અને ચમત્કારિક કિસ્સાઓ જોડાયેલા છે.
ADVERTISEMENT
સ્વયંભૂ પ્રતિમા કેવી રીતે જમીનમાંથી બહાર નીકળી?
ડભોડાના આ મંદિર વિશે લોકવાયકા છે કે, મુગલોના શાસન દરમિયાન પાટણ પર અલાઉદ્દીન ખિલજીએ ચઢાઈ કરી હતી. ત્યારે પાટણના રાજાએ ડભોડાના ગાઢ જંગલમાં આશ્રય લીધો હતો. તે સમયે આ સ્થળે દેવગઢનું ગાઢ જંગલ હતું. રાજાની ગાયોને ચરાવવા ભરવાડો દેવગઢના જંગલમાં આવતા. આ દરમિયાન એક ગાય ટોળામાંથી છૂટી પડીને એક નિશ્ચિત જગ્યાએ ઊભી રહીને દૂધનો અભિષેક કરતી અને બાદમાં ફરી ગાયોના ટોળામાં આવી જતી. આ અંગે ભરવાડોએ રાજાને જાણ કરી. જે બાદ રાજાએ તપાસ કરતા ત્યાં કંઈ ચમત્કાર જણાતા રાજપુરોહિતની સલાહ મુજબ ત્યાં ખોદકામ કરાવ્યું. અહીંથી હનુમાન દાદાની મૂર્તિ મળી આવી હતી. જે બાદ મૂર્તિની સ્થાપના કરીને ડાભોડીયા હનુમાનજી મંદિર તરીકે તે ઓળખાવા લાગ્યું.
શું છે મંદિરની લોકવાયકા?
મંદિરની અન્ય એક લોકવાયકા છે જે મુજબ, પહેલાના સમયમાં નાનકડા હનુમાન મંદિરને સમય જતા જિણોદ્ધાર કરીને મોટું મંદિર બનાવવામાં આવ્યું. એક લોકવાયકા મુજબ, મંદિરના મહંત શ્રી સ્વ. જુગલદાસજીએ ડભોડા ગામની સરહદી વિસ્તારમાં ક્યારેય કાતરા કે તીડ નહીં પડે તેવા આશીર્વચન આપ્યા હતા. જે બાદ આજે પણ ડભોડા ગામના સરહદી વિસ્તારમાં કાતરા કે તીડ પડતા નથી. દર શનિવારે મોટી સંખ્યામાં ભક્તો દાદાના દર્શને અતૂટ શ્રદ્ધા અને ભક્તિ ભાવથી આવતા હોય છે.
અંગ્રેજોએ પણ ચડાવ્યું હતું તેલ
માન્યતા છે કે, અંગ્રેજ હકુમત દરમિયાન અંગ્રેજોએ પણ અહીં માથું ઝુકાવ્યું હતુ અને દાદાને તેલનો ડબ્બો ચડાવ્યો હતો. વર્ષોથી હનુમાન દાદાને કાળી ચૌદસના દિવસે તેલનો ડબ્બો નિયમિત ચડાવવામાં આવે છે. આજે પણ વેસ્ટર્ન રેલવે વિભાગ દ્વારા એક તેલનો ડબ્બો ડભોડિયા હનુમાનજીના મંદિરે ચડાવવામાં આવે છે. દાદાના આ મંદિરમાં ભક્તો મનોકામના રાખતા હોય છે, જે પૂર્ણ થવા પર કાળી ચૌદશના લોકમેળામાં 350 જેટલા તેલના ડબ્બા ચડાવવામાં આવે છે. મંદિરમાં દાદાને ચોખ્ખા ઘીની સુખડીનો પ્રસાદ ધરાવાય છે.
(નોંધ: આ લેખમાં લખેલી માહિતીની જાણકારી તેની વિશ્વસનીયતાની ગેરંટી નથી. તેને જુદા જુદા માધ્યમો/જ્યોતિષ/પંચાગ/માન્યતાઓ/ધર્મગ્રંથોથી લઈને તમારા સમક્ષ પહોંચાડવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય માત્ર જાણકારી પહોંચાડવાનો છે. આથી વાંચકો તેને માત્ર જાણકારીના સંદર્ભમાં લે.)
ADVERTISEMENT