ભાવનગર: કેનેડામાં અભ્યાસ કરવા માટે ગયેલા વધુ એક ગુજરાતી યુવકના મોતની ખબર સામે આવી રહી છે. છેલ્લા સાડા ચાર વર્ષથી કેનેડામાં અભ્યાસ કરતા 23 વર્ષના યુવકની ગુમ થયા બાદ લાશ મળી આવી છે. મૂળ ભાવનગરના સિદસર ગામનો આયુષ ડાખરા કેનેડાના ટોરેન્ટો શહેરમાં રહીને અભ્યાસ કરતો હતો. ત્યારે પુત્રના મોતની ખબર મળતા પરિવાર આધાતમાં સરી પડ્યો છે.
ADVERTISEMENT
ટોરન્ટોની યોર્ક યુનિવર્સિટીમાંથી વધુ એક ગુજરાતીનું મોત
વિગતો મુજબ, ભાવનગરના સિદસર ગામના પટેલ પરિવારનો પુત્ર આયુષ ડાખરા કેનેડામાં અભ્યાસ માટે ગયો હતો. ટોરન્ટો શહેરમાં આવેલી યોર્ક યુનિવર્સિટીમાં અભ્યાસ કરતો હતો. ગત 5મી મેના રોજ તે અચાનક ગુમ થઈ ગયો હતો. જેથી તેની સાથે રહેતા મિત્રોએ તેની શોધખોળ આદરી હતી, પરંતુ તે ન મળતા તેના પિતાને ફોન કરીને આ અંગે જાણ કરી હતી. ત્યારે પરિવારના કહેવા પર મિત્રોએ આયુષના ગુમ થવાની ફરિયાદ પોલીસમાં નોંધાવી હતી. જે બાદ પોલીસે તેની શોધખોળ કરતા તેનો મૃતદેહ મળી આવ્યો હતો.
આયુષના પિતા DySP તરીકે ફરજ બજાવે છે
આયુષ છેલ્લા સાડા ચાર વર્ષથી કેનેડામાં અભ્યાસ કરતો હતો અને બેચલર્સનો અભ્યાસ પૂરો કર્યા બાદ માસ્ટર્સ કરી રહ્યો હતો. આગલા 6 મહિનામાં જ તેનો અભ્યાસ પૂરો થવાનો હતો. જોકે અચાનક તેના ગુમ થયા બાદ આ રીતે લાશ મળી આવતા પરિવાજનો પણ આધાતમાં મૂકાઈ ગયા છે. આયુષના પિતા રમેશભાઈ ડાખરા ગુજરાત પોલીસ વિભાગમાં DySP તરીકે ફરજ બજાવે છે અને તેઓ PM મોદીની સિક્યોરિટીમાં પણ રહી ચૂક્યા છે અને હાલમાં પાલનપુરમાં ફરજ બજાવે છે.
એપ્રિલ મહિનામાં હર્ષ પટેલનું થયું હતું મોત
નોંધનીય છે કે, આ પહેલા ગત મહિને પણ કેનેડામાં ગુજરાતનો હર્ષ પટેલ નામનો વિદ્યાર્થી ગુમ થયો હતો. હર્ષ પણ યોર્ક યુનિવર્સિટીમાં અભ્યાસ કરતો હતો અને બાદમાં તેની લાશ મળી આવી હતી. ત્યારે વધુ એક આ જ પ્રકારની ઘટનાથી કેનેડામાં વસતા ગુજરાતીઓમાં પણ ભયનું વાતાવરણ ઊભું થયું છે.
ADVERTISEMENT