Gyan Sahayak Scheme: રાજ્ય સરકાર દ્વારા 11 માસના કરાર આધારિત જ્ઞાન સહાયક (Gyan Sahayak) તરીકે ભરતીની જાહેરાતનો ટેટ-ટાટ (TET-TAT) પાસ ઉમેદવારો લાંબા સમયથી વિરોધ કરી રહ્યા છે. આ માટે ઉમેદવારોએ સરકારને અનેક રજૂઆતો પણ કરી છતાં કોઈ ઉકેલ આવી રહ્યો નથી. એવામાં રવિવારે ઉમેદવારોએ ડાકોરમાં ઠાકોર સમક્ષ હૂંડી સ્વરૂપે આવેદન પત્ર આપીને ભગવાનને પ્રાર્થના કરી હતી.
ADVERTISEMENT
ટેટ-ટાટ ઉમેરવાદોએ ડાકોરના ઠાકોરની હૂંડી લખી
ડાકોરમાં રણછોડરાયજીને અર્પણ કરવામાં આવેલા હૂંડી સ્વરૂપના આવેદન પત્રમાં લખવામાં આવ્યું છે કે, ડાકોરના ઠાકોર, આપની લીલા અપરંપાર છે. જગતને જ્યારે જ્યારે દુઃખ પડ્યું છે આપ એમાંથી મુક્તિ અપાવવા હાજર થયા છો, એવું પણ કહેવાય છે કે જેનું કોઈ નથી એનો ભગવાન છે. સાચેજ અમે નિરાધાર બન્યા છીએ. સરકારી સ્કૂલમાં ભણતા નાના બાળ ગોપાળનું ભાવિ સંકટમાં છે, તેને ભણાવનાર શિક્ષકો પણ હાલ ગોવર્ધન જેટલા ભાર નીચે જીવી રહ્યા છે. આ બધા વચ્ચે અમને ભાવિ શિક્ષકોને આજે કાયમી નોકરીથી વંચિત રાખી કરાર આધારિત શિક્ષક બનવા આ પોતાને સરકાર એવું કહેનાર લોકો કહી રહ્યા છે. તમારા ગુજરાતનો ભાવિ શિક્ષક મુશ્કેલીમાં છે.
માટે હે.. ડાકોરના ઠાકોર, આ બકાસુર જેવી જ્ઞાન-સહાયક યોજનાથી અમને ઉગારી લે. અહીં ધરાતલના સત્તાધીશો અમારી વાત સાંભળતા નથી. ત્યારે દ્વારકાધીશ અમને અન્ય કોઈ માર્ગ ના સૂઝતા તમને યાદ કર્યા છે. હે શામળિયા ભગવાન તમને એટલી જ પ્રાર્થના છે કે તમે અમારી અરજ સાંભળીને કોઈ માર્ગ સુજાડો અને આ અન્યાયની નીતિ દૂર કરો.
ધારાસભ્યો પણ ઉમેદવારોના સમર્થનમાં આવ્યા
નોંધનીય છે કે, ગુજરાત સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી જ્ઞાન સહાયક યોજનાનો TETTAT પાસ ઉમેદવારો લાંબા સમયથી વિરોધ કરી રહ્યા છે. જેમાં હવે ધારાસભ્યો પણ સરકારને રજૂઆત કરીને શિક્ષકોની કાયમી ભરતી કરવા માંગ કરી રહ્યા છે. અમરાઈવાડીના ભાજપના ધારાસભ્ય હસમુખ પટેલ તથા લુણાવાડાના કોંગ્રેસના ધારાસભ્ય ગુલાબસિંહ ચૌહાણે પણ સરકારને આ અંગે પત્ર લખ્યો છે.
ADVERTISEMENT