ગાંધીનગર: ગુજરાત સરકાર દ્વારા તાજેતરમાં જ જ્ઞાન સહાયકોની ભરતીની જાહેરાત કરવામાં આવી હતી. 11 માસના કરાર આધારિતની આ ભરતીનો TET-TAT પાસ ઉમેદવારો દ્વારા ભારે વિરોધ કરવામાં આવી રહ્યો છે અને તેમની માંગ છે કે સરકાર દ્વારા કાયમી ભરતી કરવામાં આવે. જેના વિરોધમાં આજે ઠેર-ઠેરથી આવેલા યુવાનો દ્વારા ગાંધીનગરમાં એકઠા થઈને શાંતિપૂર્વક અને અહિંસક રીતે વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું હતું. જોકે પોલીસ પ્રશાસન દ્વારા તમામને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા. જેના વીડિયો પણ સામે આવ્યા છે.
ADVERTISEMENT
યુવાઓએ પોલીસ સ્ટેશનમાં જ રામધૂન બોલાવી
તમામ વિરોધ કરી રહેલા યુવાઓને પોલીસ દ્વારા પકડીને એક હોલમાં લઈ જવામાં આવ્યા હતા. જોકે યુવાઓએ ત્યાં જ બેસીને પોલીસની સામે જ રામધુન બોલાવીને જ્ઞાન સહાયક ભરતી યોજનાનો વિરોધ કર્યો હતો.
11 માસના કરાર આધારિત જ્ઞાન સહાયકોની થશે ભરતી
રાજ્યમાં છેલ્લા 5 વર્ષથી ટેટ અને ટાટની પરીક્ષાનું આયોજન કરાયું નથી. જોકે 2023માં સરકારે ભરતીની જાહેરાત તો કરી પરંતુ જ્ઞાન સહાયકોને કરાર આધારિત 11 મહિનાના કોન્ટ્રાક્ટ પર લેવામાં આવી રહ્યા છે. એવામાં ઘણા ઉમેદવારો જે સરકારી નોકરીનું સપનું જોઈને બેઠા છે તેમને આ જ્ઞાન સહાયક યોજના લોલીપોપ લાગી રહી છે, ત્યારે તેઓ તેના વિરોધમાં છે. આ પહેલા બનાસકાંઠા, જૂનાગઢ સહિત અનેક જિલ્લાઓમાં યુવાઓ દ્વારા જ્ઞાન સહાયક યોજનાની વિરુદ્ઘમાં કલેક્ટરને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું હતું.
ADVERTISEMENT