'યે મેરા પુનર્જન્મ, અંજાર મેં મર ગઈ થી...', ગુજરાતી પરિવારમાં જન્મેલી 'દક્ષા'એ હિન્દીમાં કરી ચોંકાવનારી વાત

દેશ-દુનિયામાં પુનર્જન્મની વાતો અનેક વખત આપણને સાંભળવા મળતી હોય છે. ત્યારે હાલમાં જ બનાસકાંઠા જિલ્લામાં પણ એક ચોંકાવનારી ઘટના સામે આવી છે.

punarjanm 'Daksha'

'દક્ષા' પુનર્જન્મ

follow google news

'Daksha' Punarjanm : દેશ-દુનિયામાં પુનર્જન્મની વાતો અનેક વખત આપણને સાંભળવા મળતી હોય છે. ત્યારે હાલમાં જ બનાસકાંઠા જિલ્લામાં પણ એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જ્યાં એક સાડા ત્રણ વર્ષની બાળકી દક્ષાને કોઈએ શિખવાડ્યું નથી અને માતા-પિતા અભણ છે છતાં બોલતા શીખી ત્યારથી જ હિન્દી બોલવા લાગી છે. જેને લઈને પરિવાર અને સમગ્ર વિસ્તારના લોકોમાં કુતૂહલ સર્જાયું છે. તો આ બાળકી દાવો કરી રહી છે કે તેનો આ પુનર્જન્મ છે અને તે 24 વર્ષ પહેલાં અંજારમાં રહેતી હતી. કચ્છ પંથકમાં વર્ષ 2001માં આવેલા ભૂકંપમાં તેનું મોત થયું હતું.

બનાસકાંઠા (Banaskantha) જિલ્લાના પાલનપુર તાલુકાના ખસા (Khasa) ગામે સાડા ત્રણ વર્ષની એક બાળકીને પોતાનો પુનર્જન્મ યાદ આવ્યો છે. જેને લઈને હાલ ખસા ગામ સમગ્ર પંથકમાં ચર્ચામાં આવ્યું છે. ખસા ગામે ભાગિયા તરીકે કામ કરતા જેતાજી ઠાકોરના ઘરે બાળકી દક્ષાનો જન્મ થયો હતો અત્યારે તેની ઉંમર માત્ર સાડા ત્રણ વર્ષની છે. 

'મેરી મમ્મી કહા હે... મેરે પપ્પા કહા હૈ...'

તેમના માતા અને પિતાના જણાવ્યા પ્રમાણે, બાળકી જ્યારે દોઢ વર્ષની થઈ ત્યારે તે (દક્ષા) હિન્દીમાં બોલવા લાગી કે 'મેરી મમ્મી કહા હૈ... મેરા બિસ્તર કહા હૈ...' જોકે આ બાળકીના માતા-પિતા અશિક્ષિત હતા એટલે પ્રથમ તો બાળકી કંઈક લવારા કરે છે એમ માનીને ચલાવે રાખ્યું. પરંતુ ત્યારબાદ બાળકીને શાંતિથી બેસાડીને તેના માતા અને પિતાને કહેવા લાગી કે 'મેરી મમ્મી કહા હે... મેરે પપ્પા કહા હૈ...'. આ વાતો સાંભળીને પરિવાર અચંબામાં મૂકાઈ ગયો હતો.

જોકે આ બાળકી પોતે કચ્છના અંજારની હોવાનો દાવો કરી રહી છે અને કચ્છમાં પોતાના માતા-પિતા સાથે તે રહેતી હતી. તેના માતા-પિતા કેક બનાવવાની ફેક્ટરીમાં કામ કરતા હતા. જ્યારે 26 જાન્યુઆરી 2001માં કચ્છમાં ભૂકંપ આવ્યો ત્યારે આ બાળકી અંજારની શાળામાં ધોરણ ત્રણમાં અભ્યાસ કરતી હતી. તેવું આ બાળકીનું કહેવું છે. 

'અંજારમાં ધાબું પડતા હું મરી ગઈ હતી'

ભગવાને તેને અહીં મોકલી છે અને તે અંજારમાં હતી. તેનું નામ પ્રિંજલ હતું. તેના માતા-પિતા અંજારમાં હતા અને ભૂકંપ વખતે સ્કૂલથી પરત આવી ત્યારે ધાબુ પડતા હું મરી ગઈ હતી. ગયા જન્મમાં મારા પિતા બેકરીમાં કામ કરતા હતા. તે લાલ કલરના કપડાં પહેરતા હતા. માતા ફુલવાળી સાડી પહેરતી હતી તો કોઈ દિવસ તે ડ્રેસ પહેરતી હતી. અંજારમાં અમારું મોટું મકાન હતું. મારા માતા-પિતા મને ખુબ પ્રેમ કરતા હતા. જોકે, બાળકીને તેના માતા-પિતાનું નામ અને અંજારમાં કઈ જગ્યાએ રહેતા હતા તે યાદ ન આવ્યું. જોકે, બાળકી ફરી ક્યારેય અંજાર જવા માંગતી નથી. તે અહીં જ તેના ભાઈ-બહેન અને માતા પિતા સાથે રહેવા માંગે છે.

બાળકીનું હિન્દીમાં બોલવું જ સૌથી મોટો પ્રશ્ન

બાળકી સાડા ત્રણ વર્ષની છે અશિક્ષિત પરિવારથી આવે છે. સ્કૂલે ગયા વગર, કોઈપણ પ્રકારના મોબાઈલ-ટીવી સિનેમા કે સોશિયલ મીડિયાના માધ્યમ જોયા વગર બાળકીનું ફાંકડું હિન્દી બોલવું અને તમામ પુનર્જન્મની વાત કરવી એ અત્યારે તો એક કોયડો છે. પરંતુ જે પ્રકારે બાળકી વાત કરી રહી છે એ પ્રકારે કદાચ વિજ્ઞાન માટે પણ આ એક કોયડા રૂપ થઈ શકે છે. હાલ,  દક્ષા અંગ્રેજી માધ્યમમાં ભણી સૈન્યમાં જોડાઈ દુશ્મનોને નાની યાદ કરાવી દેવાના સપના જોઈ રહી છે.

 ઈનપુટઃ પરેશ પઢીયાર, બનાસકાંઠા

    follow whatsapp