ભરૂચઃ ગુજરાતમાં ચોમાસાની આ સિઝનમાં સૌથી સારો વરસાદ નોંધાયો છે. પરંતુ અત્યારે હવામાન વિભાગની આગાહીએ રાજ્યને ચિંતાજનક પરિસ્થિતિમાં મુકી દીધું છે. આગામી 5 દિવસ સુધી રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી થતા રાજ્યનું વહિવટી તંત્ર એક્ટિવ થઈ ગયું છે. વળી નર્મદા નદીમાં પાણીની સતત આવક થતા આસપાસના નિંચાણવાળા વિસ્તારોને એલર્ટ કરી દેવાયા છે. બીજી બાજુ સરદાર સરોવર ડેમની સપાટી પણ 134.32 મીટરને પાર પહોંચી ગઈ છે.
ADVERTISEMENT
શ્રાવણમાં મેઘરાજાની તોફાની બેટિંગ
અમદાવાદ સહિત રાજ્યભરમાં 15મી ઓગસ્ટ પછી ધોધમાર વરસાદ પડી રહ્યો છે. અરબ સાગરમાં લો પ્રેશર સર્જાતા આગામી 2 દિવસ સુધી રાજ્યભરમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી પણ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે 20 ઓગસ્ટ પછીથી વરસાદની સિસ્ટમ નબળી પડી શકે છે. જોકે અત્યારે ધોધમાર વરસાદના પગલે જનજીવન ખોરવાઈ ગયું છે.
નર્મદા નદીમાં પાણીની આવકમાં તોતિંગ વધારો
છેલ્લા 12 કલાકની અંદર ભરૂચ જિલ્લામાં ધોધમાર વરસાદ પડ્યો છે. આ દરમિયાન અંકલેશ્વરમાં 26 મીમી, આમોદમાં 5 મીમી, જંબુસરમાં 7 મીમી, વાગરામાં 7 મીમી, વાલિયામાં 51 મીમી, નેત્રંગમાં 61 મીમી, ઝઘડિયામાં 13 મીમી અને હાંસોરમાં 2 મીમી વરસાદ ખાબક્યો છે. વળી ભરૂચ નજીક ગોલ્ડન બ્રિજ ખાતે નર્મદા નદીનું જળસ્તર 22.75 ફૂટ પર પહોંચ્યું છે. હવે જો 2 ફૂટથી વધુ ઉંચે પાણી ગયું તો ભયજનક સપાટીને ઓળંગી દેશે. વળી નર્મદા નદીમાં સતત પાણીની આવક થતા નિંચાણવાળા વિસ્તારોને એલર્ટ કરી દેવાયા છે.
ADVERTISEMENT