અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં લાબાં સમયથી રાજકીય ધમાસાણ ચાલ્યા પછી હવે આજે પરિણામનો દિવસ છે. આજે કોણ કેટલું પાણીમાં છે તે પાણી જનતાએ માપી નાખ્યું છે. મતગણતરી આજે ચાલી રહી છે જેમાં લગભગ બપોર સુધીમાં ગુજરાતની વિધાનસભા બેઠકોનું ચિત્ર સ્પષ્ટ થઈ જશે. ગુજરાતમાં કેટલીક બેઠકો અને કેટલાક ચહેરાઓ સતત ચૂંટણી વખતે ચર્ચામાં રહ્યા હતા. આ ચહેરાઓમાં ભુપેન્દ્ર પટેલ અને હર્ષ સંઘવી પણ હતા. બંને નેતાઓએ બેઠક પરથી ના માત્ર ચૂંટણી જીતી છે પરંતુ સામે ઊભેલા તમામ ઉમેદવારોની ડિપોઝિટ જાય તેવી સ્થિતિ ઊભી કરી દીધી છે.
ADVERTISEMENT
સુરતમાં હર્ષ સંઘવીએ તમામની ડિપોઝિટ જમા કરાવી દીધી
ત્યારે 2022ની ચૂંટણીમાં પહેલીવાર એવો બનાવ બન્યો છે જેમાં વિજેતા ઉમેદવારની સામે લડનારા તમામ ઉમેદવારોની ડિપોઝિટ પણ ડૂલ થઈ જશે. ચૂંટણી પંચના નિયમ મુજબ, કોઈપણ ઉમેદવારે ડિપોઝિટ બચાવવા માટે કુલ મતદાનના છઠ્ઠા ભાગના વોટ મેળવવા પડે. નહીં તો ડિપોઝિટ પેટે મુકવામાં આવેલી રકમ પણ ગુમાવવાનો વારો આવે. સુરતની મજૂરા બેઠક પરથી ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની સામે ચૂંટણી લડનારા તમામ ઉમેદવારની ડીપોઝિટ ડૂલ થઈ ગઈ છે. તમામ ઉમેદવારોને કુલ વોટના છઠ્ઠા ભાગના વોટ પણ મળ્યા નથી. હર્ષ સંઘવીને 1.32 લાખ વોટ મળ્યા છે. મજૂરાથી ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ 1,32,978 વોટથી જંગી જીત મેળવી છે. જ્યારે તેમના પછી બીજા ક્રમે આમ આદમી પાર્ટીના ઉમેદવાર પી.વી.એસ શર્મા છે જેમને 16399 વોટ મળ્યા છે અને કોંગ્રેસના ઉમેદવાર બળવંત જૈનને 9410 વોટ મળ્યા છે. તો BSPના ઉમેદવારના 902 વોટ મળ્યા છે, NOTAને 2297 વોટ મળ્યા છે. આમ હર્ષ સંઘવી 1.16 લાખથી વધુ વોટના માર્જિનથી જીત્યા છે. મજૂરા બેઠક પર 1,61,986 વોટ પડ્યા હતા, ત્યારે ઉમેદવારોએ ડિપોઝિટ બચાવવા ઓછામાં ઓછા 26 હજાર જેટલા વોટ મેળવવા જરૂરી હતા, જોકે બીજા નંબરના ઉમેદવાર પણ 16,399 વોટ જ મેળવી શક્યા છે.
ભુપેન્દ્ર પટેલે પણ તમામ નેતાઓની ડિપોઝિટ જપ્ત કરાવી દીધી
આ તરફ વાત કરીએ ભાજપની પરંપરાગત બેઠક ઘાટલોડિયા બેઠક પરથી ચૂંટણી લડનારા ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની તો. ઘાટલોડિયા બેઠક પર કુલ મત 255833 હતા જેમાંથી 205867 મત ભુપેન્દ્ર પટેલે મળ્યા છે. જ્યારે કોંગ્રેસના ઉમેદવાર ડો. અમીબેન યાજ્ઞિકને 20418 જ મત મળ્યા છે. તેમની સામે રહેલા આમ આદમી પાર્ટીના નેતા વિજય પટેલને 15470 મત મળ્યા છે. તે સિવાયના તમામ ઉમેદવારો 1000થી ઓછા મતમાં સમેટાઈ ગયા છે. મતલબ કે નિયમ પ્રમાણે છઠ્ઠા ભાગે તેમને 42647 મત ઓછામાં ઓછા મેળવવાના હતા પરંતુ તે નહીં મળતા એક પણ ઉમેદવારની ડિપોઝિટ બચશે નહીં. આ બેઠક પર 3845 મત નોટામાં પડ્યા છે.
ADVERTISEMENT