ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી, ભાજપ, કોંગ્રેસ સહિત 70 રાજકીય પક્ષોએ ઉમેદવારી કરી છે. 1600 કરતાં વધુ ઉમેદવારો 182 બેઠકો પર જીતવા માટે સતત પ્રચાર પ્રસાર કરી રહ્યા છે. દરમિયાનમાં ગુજરાતના પ્રથમ તબક્કાની 89 બેઠકો પરના કેટલા ઉમેદવારો એવા છે કે જેમના પર સૌથી વધુ દેવું છે તેના અંગેની વિગતો આપણે જાણીશું. દેવાદાર ઉમેદવારોમાં ટોપ 10 પર નજર કરીએ તો સૌથી વધુ દેવું કોંગ્રેસના ઉમેદવારોના માથે છે. આ ટોપ 10ના લિસ્ટમાં માત્ર ત્રણ જ ભાજપના ઉમેદવારો છે કે જેમના માથે આટલું મોટું દેવું હોય. તે પછી આમ આદમી પાર્ટીના 2 ઉમેદવારો છે જેમના માથે આટલું દેવું છે. આમ બાકીના 5 ઉમેદવાર કોંગ્રેસના છે કે જેમના માથે આટલું મોટું દેવું છે. તો આવો જાણીએ તે નેતાઓના નામ અને તેમના માથા પરનું દેવું. એડીઆર એસોશિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ દ્વારા કરવામાં આવેલા એનાલિસિસ રિપોર્ટ અનુસાર આ આંકડા સામે આવ્યા છે.
ADVERTISEMENT
ટોપ 5 ઉમેદવારોના નામ અને તેમના દેવાની વિગતો
સૌથી ટોચ પર દેવામાં નામ છે ઈન્દ્રનીલ રાજ્યગુરુનું. તેઓ કોંગ્રેસના રાજકોટ પૂર્વ બેઠકના ઉમેદવાર છે. જેમની પાસે 162 કરોડ રૂપિયાની જંગી મિલકત તો છે જ સાથે જ 76 કરોડ રૂપિયાનું દેવું પણ છે. બીજા નંબર પર છે કોંગ્રેસના રાપર બેઠકના ઉમેદવાર ભચુભાઈ અરેઠિયા કે જેમની કુલ મિલકત રૂ. 97 કરોડની આવક છે જ્યારે તેની સામે 30 કરોડ રુપિયાનું દેવું છે. જેના પછી આમ આદમી પાર્ટીના સોમનાથ બેઠકના ઉમેદવાર જગમલ વાળાની કુલ મિલકત 25 કરોડ છે અને દેવું 22 કરોડ રૂપિયા છે. ચોથા નંબર પર છે ભાજપના જેતપુર બેઠકના જયેશ રાદડિયા, જયેશ રાદડિયા પાસે 33 કરોડની મિલકત છે અને તેની સામે 18 કરોડ રૂપિયાનું દેવું પણ છે. પાંચમા નંબર પર છે આપના લાઠી બેઠકના જયસુખભાઈ દેત્રોજા કે જેમની પાસે 7 કરોડની મિલકત છે અને 13 કરોડનું દેવવું છે.
બાકી 5 ઉમેદવારો કોણ છે તે પણ જાણો
આપણે ટોપ 5 ઉમેદવારોના નામ જાણ્યા અને તેમની મિલકતો સામે દેવા પણ જાણ્યા. હવે આપણે ટોપ 10માં બાકી રહેતા 5 ઉમેદવારોના નામ પર નજર કરીએ તો હવેથી છઠ્ઠા નંબર પર છે કોંગ્રેસના રાજકોટ સાઉથ બેઠકના ઉમેદવાર હિતેશ વોરા કે જેમની પાસે 13 કરોડની મિલકત છે અને 11 કરોડ રૂપિયાનું દેવું છે. આ પછી કોંગગ્રેસના ઉમેદવાર મુળુભાઈ આહિરનું નામ સાતમા નંબર પર છે. જેમની પાસે 88 કરોડ રૂપિયાની જંગી મિલકત છે જ્યારે તેમના માથે 11 કરોડ રૂપિયાનું દેવું પણ છે. આઠમા નંબર પર ભાજપના જામજોધપુર બેઠકના ઉમેદવાર ચિમન સાપરિયાનું નામ આવે છે. ચિમન સાપરિયા 7 કરોડની મિલકતના આસામી છે જ્યારે તેમના માથે 9 કરોડ રૂપિયાનું દેવું છે. આ પછી કોંગ્રેસના લાઠી વિધાનસભા બેઠકના ઉમેદવાર કે જે જયસુખ દેત્રોજાના પ્રતિસ્પર્ધી પણ છે તેવા વિરજી ઠુમ્મરનું નામ નવમા સ્થાન પર આવે છે. તેમના પાસે 11 કરોડની મિલકત છે અને 9 કરોડનું દેવું છે. જેમના પછી કોંગ્રેસમાંથી પક્ષ પલટો કરીને ભાજપમાં મંત્રી પદ પણ સંભાળી ચુકેલા જવાહર ચાવડાનું નામ આવે છે. ભાજપની ટિકિટ પરથી જવાહર ચાવડા જામનગરની મણાવદર બેઠક પરથી ઉમેદવારી કરી રહ્યા છે. જેમના માથે 9 કરોડ રૂપિયાનું દેવું છે, 18 કરોડનું વિવાદીત દેવું પણ છે પરંતુ સામે તેઓ 130 કરોડ રૂપિયાની મિલકતના આસામી છે.
ADVERTISEMENT