સુરતઃ એક પરિવાર માટે આજનો બુધવાર એટલો ઘાતક સાબિત થયો છે કે પરિવારના ત્રણ સભ્યો મોતની ચાદર ઓઢી ગયા છે. તાપીમાં ખેતરમાં જંગલી ભૂંડના ત્રાસથી બચવા ખેડૂતે જીવંત વીજતાર ફેલાવી મુક્યા હતા જેના કરંટથી એક જ પરિવારના ત્રણ સભ્યોએ જીવ ગુમાવ્યા છે. પતિને કરંટ લાગ્યો ત્યાં પત્ની બચાવવા જતા તે પણ ઝપેટે આવી ગઈ હતી, પછી માતાને બચાવવા આવેલો પુત્ર પણ ઝપેટે આવ્યો હતો. આમ એક પછી એક પરિવાર એક બીજાને બચાવવામાં ત્યાં જ મોતને ભેટ્યો હતો.
ADVERTISEMENT
પોતાના જ ફેલાવેલા વીજતારમાં પરિવારને લાગ્યો કરંટ
તાપીના વલોડ તાલુકાના મોરદેવી ગામે બુધવારે અહીંના ખેડૂત ધીરુભાઈ કૂતરાભાઈ ચૌધરીના ઘરમાંથી વીજ કનેક્શન લઈને ખેતરની આસપાસ વીજ તાર ફરતા મુક્યા હતા. આ વીજ તાર એટલે મુક્યા હતા કે ત્યાં જંગલી ભૂંડથી પાકને નુકસાન થાય નહીં. પરંતુ અહીં ઘટના કાંઈક જુદી જ ઘટી ગઈ હતી. દરમિયાન ધિરુભાઈ તેમની પત્ની ક્રિષ્નાબેન અને પુત્ર દેવરામ ઉર્ઓફે શૈલેષ પણ અહીં જ રહે છે. રાત્રે પાણી વાળવા જતા પહેલા આમ તો તેઓ હંમેશા તારની સ્વીચ ઓફ કરીને જાય છે પરંતુ આજે જાણે કાળ બોલાવી રહ્યો હોય તેમ તેમનો પુત્ર સ્વીચ પાડવાનું ભૂલી ગયો. વહેલી સવારે ધીરુભાઈ પાણી વાળવા જાય છે ત્યાં જ જમીનના ભેજને કારણે તેમને કરંટ લાગે છે.
ગામમાં અરેરાટી વ્યાપી
ધીરુભાઈને કરંટ લાગ્યો અને તે તેમના પત્ની ક્રિષ્નાબેન જોઈ ગયા અને તેઓ તુરંત દોટ લગાવી તેમની પાસે પહોંચ્યા. તેમણે ઘણી બુમો પણ પાડી તો તેમનો પુત્ર પણ દોડ્યો. ક્રિષ્નાબેન તેમના પતિને બચાવવા ગયા અને તેમને પણ ત્યાં કરંટ લાગી ગયો તે પછી તેમને બચાવવા આવેલા પુત્રને પણ કરંટ લાગી ગયો હતો. આ કારણે ત્યાં જ તે ત્રણેય સભ્યોના મોત નિપજ્યા હતા. એક સાથે પરિવારના ત્રણ વ્યક્તિના મોતથી આખા ગામમાં એક અરેરાટીનો માહોલ ઊભો થયો હતો. પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ કાર્યવાહી શરૂ કરી છે.
ADVERTISEMENT