સુરતઃ સામાન્યતઃ તાલિબાની સજા અંગે આપે સાંભળ્યું હશે, તેમાં તાલિબાનો દ્વારા કોઈ પણ દયાભાવ કે માનવતા અથવા તો કાયદા કાનુને નેવે મુકીને વ્યક્તિને બર્બરતા ભરી સજા આપવામાં આવતી હોય છે. ઘણી વખત આપણે આવી સજાઓ અંગે તાલિબાની વિસ્તારોના સામાચાર સાંભળ્યા છે પરંતુ અહીં આપણે ત્યાં પણ આવા તાલિબાનોની સંખ્યા ઓછી નથી. ગુજરાતમાં આવા અઢળક કિસ્સાઓ છે જેમાં કોઈને ગામ દ્વારા, તો કોઈને સ્વજન દ્વારા, ક્યારેક કોઈને પારકાઓ દ્વારા આવી સજાઓ કરવામાં આવતી હોય છે. આવી જ એક ઘટના સુરતના આમરોલી વિસ્તારમાં બની છે. જ્યાં એક શખ્સ દ્વારા યુવકને પહેલા તો લાકડીના ફટકાઓ મારવામાં આવે છે. બાદમાં તેને મુક્કાઓ મારવામાં આવે છે. આ ઘટનાનો વીડિયો સામે આવ્યો છે. જોકે તે વીડિયો અહીં દર્શાવી શકાય તેવો ન હોઈ રજૂ કરવામાં આવ્યો નથી.
ADVERTISEMENT
પગ પકડીને છોડી દેવા કરતો રહ્યો આજીજી
સુરતના આમરોલી વિસ્તારમાં ફરી લુખ્ખા તત્વોનો આતંક સામે આવ્યો છે. અહીંના કોસાડ આવાસમાં એક યુવકે લાકડાના ફટકા મારીને અધમુઓ કરી દેનારા એક શખ્સનો વીડિયો વાયરલ થયો છે. આ વીડિયોમાં માર મારનારો શખ્સ અહીંનો જ હાશિમ નામનો શખ્સ હોવાનું કહેવાઈ રહ્યું છે. જોકે હજુ સત્તાવાર રીતે કોઈ વિગતો સામે આવી રહી નથી. માર મારવાનો વીડિયો સોશ્યલ મીડિયા પર ફરતો થયો છે. બનાવને લઈને લોકોમાં પણ ભારે નારાજગી જોવા મળી રહી છે. કારણ કે અહીં એક યુવકને આ શખ્સ દ્વારા કાયદા કાનૂનના લીરેલીરા ઉડાવીને છડે ચોક સજા આપવામાં આવી રહી છે. જોકે તેને આ શખ્સે કેમ માર માર્યો છે તે પણ હકીકત હજુ સુધી સામે આવી નથી. યુવક પર આ શખ્સ પહેલા તો લાકડીઓ વરસાવે છે અને બાદમાં જ્યારે યુવક તેના પગ પકડીને પોતાને છોડી દેવાની આજીજી કરતો હોય છે ત્યારે પણ તેને મુક્કાઓથી અને લાફાઓથી માર મારવામાં આવે છે.
ADVERTISEMENT