ગાંધીનગરઃ ગુજરાત સરકારની છેલ્લા ઘણા સમયથી પરીક્ષાઓમાં પેપર ફૂટી જવામાં ચાલી રહેલી લાલિયાવાડી તરફ એટલી તાકાત કે ધ્યાન નહીં આપવામાં આવ્યું હોય જેટલું હાલ વિદ્યાર્થીઓના ધરણાં, પ્રદર્શન અને વિરોધથી લાગી રહેલા ભયને નાથવા માટે લગાવવામાં આવી રહ્યું છે. કારણ કે જો તે સમયે આટલી ફોર્સ કામે લગાડાઈ હોત તો કદાચ આ પેપર ફૂટવું શક્ય ન બન્યું હોત. ખેર હાલ વાત કરીએ કે પરીક્ષાર્થીઓ સંભવિત રીતે આ મામલે રોષ ઠાલવે તેને જોતા ગાંધીનગર ખાતેની સત્યાગ્રહ છાવણી મેદાને મોટી પોલીસ ફોર્સ ઉતારી દેવામાં આવી છે.
ADVERTISEMENT
ગુજરાતમાં અક્ષય કુમારની સ્પેશ્યલ 26ની જેમ નકલી IT રેડ, લૂંટી ગયા તગડી રકમ જાણો કેવી
આંદોલનને ઊભું થતા પહેલા ભોંય ભેગુ કરવાની તૈયારી
ગુજરાતમાં જુનિયર ક્લાર્કની પરીક્ષાનું પેપર ફૂટી ગયું છે, આ મામલે 16 આરોપીઓને ઝડપી પાડ્યા છે જેમને આજે અમદાવાદની ઘી કાંટા સ્થિત ફાસ્ટ ટ્રેક કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડ માગવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. દરમિયાનમાં આ પેપર ફૂટી જતા ગત રોજથી ઠેરઠેર નારાજગીના સૂર વહ્યા હતા. દુખી યુવાન ઉમેદવારોએ આંખોમાં આંસુ સાથે સરકારી તંત્ર સમક્ષ પોતાની નારાજગી વ્યક્ત કરી હતી. ઠેરઠેર સુત્રોચ્ચાર, વિરોધ પ્રદર્શનને જોતા આજે ગુજરાતના ગાંધીનગર ખાતે આવેલી સત્યાગ્રહ છાવણી મેદાને પરીક્ષાર્થીઓ વિરોધ પ્રદર્શન કરવા આવે તેવી શક્યતાઓને જોતા અહીં ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. પરીક્ષાર્થીઓ અહીં પહોંચે તે પહેલા જ તેમની સામે કાર્યવાહી થાય તે પ્રમાણેની તજવીજ પણ શરૂ કરી દેવાઈ છે. ઉલ્લેખનીય છે કે અહીં હાલની સ્થિતિ જોતા એવું લાગે કે પરીક્ષાર્થીઓના આંદોલનના વિચાર માત્રથી સરકાર થરથર ધ્રુજી ગઈ હોય. જોકે સરકારે દરેક આંદોલનો ઠારવામાં પણ છેલ્લા કેટલાક સમયથી સારો એવો અનુભવ થઈ ગયો હોઈ તે અનુભવના આધારે આ આંદોલનને પણ ઊભું થતા પહેલા ભોંય ભેગુ કરી દેવાની તૈયારી કરી હોય તેવું હાલ અહીં ચર્ચાઈ રહ્યું છે.
(ઈનપુટઃ ગોપી ઘાંઘર, ગાંધીનગર)
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT