રાજકોટઃ રાજકોટની સિવિલ હોસ્પિટલમાં તબીબોને અને નર્સિંગ સ્ટાફને આજે જે અનુભવ થયો તે જીવન ભર નહીં ભુલાય તેવો હતો. રોજની માફક જ્યારે તેઓ દર્દીઓની સારવાર કરી રહ્યા હતા ત્યાં એક મહિલા સાપ કરડ્યાની ફરિયાદ સાથે હોસ્પિટલ આવી હતી. ત્યાં સુધી તો બધું જ નોર્મલ હતું પરંતુ જેવું આ મહિલાએ કહ્યું કે જુઓ સાહેબ આ જ કરડ્યો હતો. મહિલા પોતાની સાથે એક સાપ લઈને આવી હતી. હોસ્પિટલમાં ત્યાં હાજર બધાને જ જાણે ડુમો ભરાયો હોય તેમ અવાક થઈ ગયા હતા. મહિલાએ કહ્યું મરેલો છે. ત્યારે સહુની ગભરાટ દુર થઈ.
ADVERTISEMENT
મહીસાગરઃ લગ્નની શરણાઈઓ પહેલા મોતનો માતમ, 50 જાનૈયાઓનો અકસ્માત, 8ના મોત
… તેથી હું મૃત સાપ લઈને હોસ્પિટલ આવીઃ મહિલા
બન્યું એવું કે, રાજકોટમાં એક અજીબ ઘટના ઘટી છે. રાજકોટની દુર્ગાબેન નામની એક મહિલા આજે બુધવારે સવારે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં મૃત સાપને થેલીમાં ભરીને પહોંચી હતી. રાજકોટના કોઠારિયામાં 25 વારિયા ક્વાર્ટરમાં રહેતા દુર્ગાબેન ચૌહાણ પોતાના પતિ સાથે અહીં રહે છે. તેઓને ગત રાત્રે પોતાના સુઈ રહ્યા હતા ત્યાર પછી તેમને સાપ હોય તેવું લાગ્યું જેથી તેમણે તેને દૂર ભગાડતા તે ફ્રીઝ નીચે જઈને છુપાઈ ગયો. દરમિયાનમાં દુર્ગાબેનનું કહેવું એવું છે કે, તે પછી તેઓ કડવો લીમડો પણ ખાય તો પણ તેમને મીઠો લાગતો હતો, મરી ખાય તો પણ મીઠા લાગે, મરચું પણ તીખું લાગતું ન હતું. તેથી મને લાગ્યું કે નક્કી હું જ્યારે ઉંઘમાં હતી ત્યારે તે મને કરડી ગયો છે. તેમણે કહ્યું કે, તે પછી મેં તે સાપને મારી નાખ્યો અને તેને લઈને હોસ્પિટલમાં આવી હતી. હોસ્પિટલમાં સાપને લઈને આવવાનો હેતુ એવો હતો કે તબીબ સાપને જોયા પછી નક્કી કરી શકે કે આ સાપ કરડ્યો હોય તો કેવી દવા આપવી. તેથી હું સાપને થેલીમાં અહીં લઈને આવી હતી.
‘સાપને મારવો ન જોઈએ, સારવારને પ્રાધાન્ય આપો’
આ અંગે જીવદયા માટે સતત કામગીરી કરતા વિજય ડાભી કે જેઓ અગાઉ ઘણા સાપનું રેસ્ક્યૂ કરી ચુક્યા છે તેઓ કહે છે કે, મહિલા જે સાપને મૃત અવસ્થામાં લઈને હોસ્પિટલ પહોંચ્યા છે તે સાપને ‘રુપ સુંદરી’ કહે છે. તે બિનઝેરી હોય છે, સામાન્યતઃ આ સાપ ઘણો ઓછો જોવા મળતો હોય છે. આપણે ત્યાં અમુક જ જાતિના સાપ ઝેરીલા છે, જોકે સામાન્ય લોકોને સાપની ઓળખ થઈ શકતી નથી. તે સાપ જોઈને ગભરાઈ જાય છે અને સમજે છે કે તે ઝેરી છે. તેનો સીધો સરળ રસ્તો એ છે કે સાપ કરડે તો તેને મારવામાં સમય બગાડવા કરતાં કે શ્રમ કરી તેનું ઝેર શરીરમાં ફરતું થઈ જાય તે પહેલા જરૂરી તકેદારીઓ સાથે તુરંત હોસ્પિટલ પહોંચવું જોઈએ. શક્ય હોય તો સાપનો ફોટો પાડીને પણ તેની ઓળખ તમે હોસ્પિટલમાં આપવી હોય તો આપી શકો છો. સાપને મારવો ન જોઈએ. તે તેનો સહજ સ્વભાવ છે. સાપને આપે રેસ્ક્યૂ કરાવી લેવો જોઈએ.
(ઈનપુટઃ નિલેશ શિશાંગિયા, રાજકોટ)
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT