‘કમલમમાં તમારું સેટિંગ નથી તો ગુજરાતમાં નોકરી નહીં મળે’- પેપરલીક મુદે મેવાણી લાલઘૂમ

ગાંધીનગરઃ ગુજરાતમાં પેપર ફૂટવાનો સિલસિલો સરકારથી અટકી રહ્યો નથી. માંડ કોઈ પરીક્ષા સુવ્યવસ્થિત રીતે લેવાય તેવું બને છે અને મોટા ભાગે પેપર લીક થતા પરીક્ષાર્થીઓમાં…

gujarattak
follow google news

ગાંધીનગરઃ ગુજરાતમાં પેપર ફૂટવાનો સિલસિલો સરકારથી અટકી રહ્યો નથી. માંડ કોઈ પરીક્ષા સુવ્યવસ્થિત રીતે લેવાય તેવું બને છે અને મોટા ભાગે પેપર લીક થતા પરીક્ષાર્થીઓમાં નિરાશાનો માહોલ જોવા મળી રહ્યો છે. પંચાયત જુનિયર ક્લાર્કની સરકારી નોકરી માટેની આજે રવિવારે પરીક્ષા યોજાવાની હતી. જે હવે યોજાશે નહીં કારણ કે આ પરીક્ષાનું પેપર લીક થઈ ગયું છે. મોડી રાત્રે પોલીસે એક શખ્સને ઝડપ્યા પછી આ પેપર ફૂટ્યાનો ખુલાસો સામે આવ્યો હતો. આ મામલે રાજ્યમાં ઠેરઠેર પરીક્ષાર્થીઓ દ્વારા ચક્કાજામ, ટાયર સળગાવવા, સુત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. વિદ્યાર્થીઓને મામલે ધારાસભ્ય જીગ્નેશ મેવાણી પણ લાલઘૂમ થયા હતા અને તેમણે ભાજપ અને ગુજરાત સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા.

જીગ્નેશ મેવાણી, રેશ્મા પટેલ અને દિનેશ બાંભણીયાએ શું કહ્યું
ગુજરાતમાં વધુ એક સરકારી ભરતીનું પરીક્ષા પેપર લીક થઈ જતા વિદ્યાર્થીઓ નારાજ થયા છે. આ મામલે જીગ્નેશ મેવાણીએ સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું કે વારંવાર ગુજરાતમાં પેપર લીક થવાની ઘટનાઓ થાય છે પરંતુ અત્યાર સુધી નક્કર પગલા લેવાતા જોવા મળ્યા નથી. તેમણે કહ્યું કે જો તમારું સેટિંગ ભાજપના કમલમમાં નથી તો પછી ગુજરાતમાં તમને નોકરી મળશે નહીં. આ મામલે આમ આદમી પાર્ટીના પ્રવક્તા રેશ્મા પટેલે કહ્યું કે, ગુજરાતમાં 156 કૌરવો બેઠા છે એટલે જ આવા રાક્ષસો પેદા છે. વિદ્યાર્થીઓને હેરાન કરતા રાક્ષસો બેફામ હોય તે સરકારની નિષ્ફળતા છે. પાટીદાર નેતા દિનેશ બાંભણીયાએ કહ્યું કે, ગુજરાત સરકારના જવાબદારોને વિનંતી કરું છું કે, લાખો વિદ્યાર્થીઓ જ નહીં પણ તેમના પરિવારના પણ સપના અને મહેનત હોય છે. તુરંત અને કડક કાર્યવાહી કરે સાથે જ પરીક્ષા પણ ફરીથી લે જેથી વિદ્યાર્થીઓને એક આશ્વાસન મળે.

આંધ્ર પ્રદેશથી પેપર લીક થયું
હાલમાં મળી રહેલી વિગતો પ્રમાણે જુનિયર ક્લાર્કનું જે પેપર લીક થયું છે તે ગુજરાત બહારથી લીક કરવામાં આવ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે. વિગતો એવી પણ મળી રહી છે કે આ પેપર આંધ્ર પ્રદેશથી લીક થયું છે. જોકે તેની હાલ કોઈ સત્તાવાર વિગતો સામે આવી નથી.

ઠેરઠેર વિરોધ પ્રદર્શનો
પેપર લીક થતા આ વખતે વિદ્યાર્થીઓને છેલ્લી ઘડીએ ધક્કો પડ્યો અને તેમનામાં નારાજગી ભભૂકી ઊઠી હતી. મહિસાગરમાં જિલ્લાના મુખ્ય મથકે પરીક્ષાર્થીઓ દ્વારા ચક્કાજામ કરી દેવામાં આવ્યો હતો. હાઈવે જામ કરી દેવાતા ટ્રાફીકની સમસ્યા ઊભી થઈ હતી. જેની જાણ થતા લુણાવાડા પોલીસ સ્થળ પર દોડી આવી હતી અને સમજાવટ કરી ટ્રાફીક પુર્વવત કરાવ્યો હતો. આવી જ સ્થિતિ ગોધરામાં પણ હતી. જ્યાં ગોધરા બસ સ્ટેન્ડ પર વિદ્યાર્થીઓએ ઉગ્ર વિરોધ કરી ટ્રાફીક જામ કરી દીધો હતો. પોલીસ ખડકીને વિદ્યાર્થીઓને શાંત કરવાના પ્રયત્નો કરવામાં આવ્યા હતા.

(ઈનપુટઃ ગોપી ઘાંઘર, ગાંધીનગર)

    follow whatsapp