અરવલ્લીઃ ગુજરાતમાં પેપર ફૂટવાનો સિલસિલો સરકારથી અટકી રહ્યો નથી. માંડ કોઈ પરીક્ષા સુવ્યવસ્થિત રીતે લેવાય તેવું બને છે અને મોટા ભાગે પેપર લીક થતા પરીક્ષાર્થીઓમાં નિરાશાનો માહોલ જોવા મળી રહ્યો છે. પંચાયત જુનિયર ક્લાર્કની સરકારી નોકરી માટેની આજે રવિવારે પરીક્ષા યોજાવાની હતી. જે હવે યોજાશે નહીં કારણ કે આ પરીક્ષાનું પેપર લીક થઈ ગયું છે. મોડી રાત્રે પોલીસે એક શખ્સને ઝડપ્યા પછી આ પેપર ફૂટ્યાનો ખુલાસો સામે આવ્યો હતો. મામલાને લઈને દુઃખ વ્યક્ત કરતા બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ ઉમેદવારોને વળતર આપવાની માગ કરી છે.
ADVERTISEMENT
દાખલો બેસે તેવી સજા કરોઃ ધારાસભ્ય
પેપર લીક થતાના મામલાથી નારાજ થયેલા અરવલ્લીના બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ કહ્યું કે, આજે તો મારે વિદ્યાર્થીઓને બેસ્ટ ઓફ લક કહેવું હતું પરંતુ જે પ્રમાણે સમાચાર આવ્યા છે કે પેપર લીક થતા પરીક્ષા મોકુફ કરાઈ છે તે જાણીને દુઃખ થયું છે કે 17 લાખ વિદ્યાર્થીઓ સાથે મજાક થઈ છે. પેપર લીક કરનારાઓ જે પણ હોય તેમને કડક સજા કરવાની તથા ઉમેદવારો કે જે આટલી ઠંડીમાં ખર્ચો કરીને સેન્ટર સુધી પહોંચ્યા છે તેમને યોગ્ય વળતર સરકાર આપે તેવી મારી વિનંતી છે.
જુનિયર ક્લાર્કની પરીક્ષા રદ્દ થતા મોડાસાથી ઇડર ST બસમાં નીકળેલા પરિક્ષાર્થીઓને શામળાજી ઉતારી દેવાયા
પરીક્ષાર્થીઓને વચ્ચે ઉતારી દીધા
ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડ દ્વારા યોજાનારી આજની જુનિયર ક્લાર્કની પરીક્ષા મોકુફ કરી દેવાતા વિદ્યાર્થીઓમાં રઝડપાટ જોવા મળ્યો હતો. ગુજરાત સરકાર દ્વારા આ કારણે પરીક્ષાર્થીઓને પરત પોતાના ઘરે જવા માટે એસટી બસમાં વિના મુલ્યે મુસાફરી કરવાનો નિર્ણય કરાયો હતો. જોકે અરવલ્લીમાં મોડાસાથી ઈડર બસમાં નીકળેલા ઉમેદવારોને શામળાજી ઉતારી દેવાતા વિદ્યાર્થીઓ રોષે ભરાયા હતા. વિદ્યાર્થીઓને પરત મોડાસા ન લઈ જવાતા નારાજગી સાથે બસ કંડક્ટર સાથે શાબ્દીક ઘર્ષણ થયું હતું.
પસંદગી મંડળ પર સુરક્ષા માંગવામાં આવી
ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા પેપર લીક થયા પછી સુરક્ષાને ધ્યાને લઈને કર્મયોગી ભવન ખાતે પોલીસ બંદોબસ્ત આપવાની માગ કરવવામાં આવી છે. ગાંધીનગર ખાતે જિલ્લા પોલીસ વડાને મંડળ દ્વારા આ અંગે વિનંતી કરવામાં આવી છે.
જુનિયર ક્લાર્કની પરીક્ષા રદ્દ થતા નવસારીમાં વિદ્યાર્થીઓ માટે કંટ્રોલરૂમ શરૂ કરાયો
પોલીસે એકને ઝડપ્યો
રવિવારે પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા પંચાયત જુનિયર ક્લાર્કના પદ માટેની સરકારી નોકરીની પરીક્ષાઓ થવાની હતી જે ગુજરાતમાં 3350 જગ્યાએ લેવાવાની હતી. જોકે પરીક્ષા થાય તે પહેલા જ આ પરીક્ષાનું પેપર લીક થઈ ગયું હતું. આ પરીક્ષા આપવા માટે 17 લાખ યુવાનોએ ફોર્મ ભર્યા હતા. જેના કારણે આટલી મોટી સંખ્યામાં યુવાનોના સપના ચકનાચુર થઈ ગયા હતા. ઉલ્લેખનીય છે કે આ મામલામાં પોલીસે મોડી રાત્રે એક શખ્સને ઝડપ્યો હોવાનું પણ સામે આવ્યું છે. જે પછી સરકારે આ પરીક્ષા રદ્દ કરી દેવાનો નિર્ણય કર્યો છે. જોકે ફરી પરીક્ષા ક્યારે થશે તે અંગે હજુ પણ કશું જ નક્કી થયું નથી.
યુવરાજસિંહે શું કહ્યું હતું?
ગુજરાત સરકારમાં થતી ભરતી પરીક્ષામાં સતત કૌભાંડો થતા આવ્યા છે. દરમિયાન વધુ એક પરીક્ષા રદ્દ થઈ જવા પાછળનું કારણ પર પેપર લીક છે. આમ આદમી પાર્ટીના નેતા યુવરાજસિંહ જાડેજાએ આ મામલે થોડા જ દિવસો પહેલા ચોંકાવનારી વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે, જુનિયર ક્લાર્ક પરીક્ષા અંગે પ્રશાસન તંત્ર અને પોલીસ વિભાગને સાવચેતીના ભાગરૂપે તાકીદ કરવામાં આવી છે. ભુતકાળમાં જે વિસ્તારના કૌભાંડી એજન્ટો એક્ટિવ હતા તે ફરીથી એક્ટિવ થયા છે. અગાઉની પરીક્ષાઓમાં પેપર ફોડનારી ટોળકી આ વખતે ગુજરાતમાં ઠેરઠેરથી પેપરના લાખો રૂપિયા ઉઘરાવી રહી છે.
(ઈનપુટઃ હિતેશ સુતરિયા, અરવલ્લી અને ગોપી ઘાંઘર, ગાંધીનગર)
ADVERTISEMENT