વિરેન જોશી.મહિસાગરઃ જુનિયર કલાર્કની આજરોજ યોજાનાર પરીક્ષાનું પેપર ફૂટી જવાના કારણે પરીક્ષા રદ થતા પરીક્ષા આપવા આવેલા વિદ્યાર્થીઓએ મહીસાગર જિલ્લાના મુખ્ય મથક લુણાવાડા ખાતે હલ્લા બોલ કરી સરકાર વિરુદ્ધ આકોશ ઠાલવ્યો હતો. બસસ્ટેન્ડ બહાર વિદ્યાર્થીઓ દ્વારા હાઇવે જામ કરવામાં આવ્યો હતો. ઘટના સ્થળે પોલીસ આવી ગઈ હતી અને વિદ્યાર્થીઓને રોડ પરથી હટાવી ટ્રાફિક કાર્યરત કરાવ્યો હતો.
ADVERTISEMENT
વિદ્યાર્થીઓમાં આક્રોશ
ઉલ્લેખનીય છે કે આજે ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા જુનિયર કલાર્ક (વહીવટ/હિસાબી) પંચાયત સેવા વર્ગ-૩ની સ્પર્ધાત્મક રાજ્યના તમામ જિલ્લાઓ (ગીર-સોમનાથ સિવાય) ખાતે યોજાનાર હતી સદર પરીક્ષામાં કુલ:-૯,૫૩,૭૨૩ ઉમેદવારો ધ્વારા ઓનલાઇન અરજી કરવામાં આવેલી હતી. આટલા બધા વિદ્યાર્થીઓની પરીક્ષા વિવિધ જિલ્લાઓના કુલ-૨૯૯૫ પરીક્ષા કેન્દ્રો તથા ૩૧,૭૯૪ વર્ગખંડો ખાતે યોજાનાર હતી પરીક્ષાને લઈને વિદ્યાર્થીઓ દ્વારા તૈયારીઓ કરવામાં આવી હતી, પરંતુ પરીક્ષા આપતા પહેલા જ પેપર ફૂટી જવાના કારણે પેપર રદ કરવામાં આવતા વિદ્યાર્થીઓમાં આક્રોશ જોવા મળ્યો હતો.
લોકો અમારી હાંસી ઉડાવે છે
વિદ્યાર્થીઓએ સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા અને બોલ્યા કે 156 બેઠક આપવા છતાં ભરોસાની સરકાર પર હવે ભરોસો રહ્યો નથી. શિક્ષણમંત્રી અને જવાબદાર તમામ અધિકારીઓને તુરત બરતરફ કરવામાં આવે, વિદ્યાર્થીઓ દ્વારા હજારો રૂપિયા ફી ભરી કલાસીસ કરીને પરીક્ષાની તૈયારીઓ કરીને પરીક્ષા આપવા માટે આવી કકડતી ઠંડીમાં મોડી રાતથી મહીસાગર જિલ્લામાં આવ્યા હતા અને તેવામાં પેપર ફૂટી જવાથી પરીક્ષા રદ થઈ છે, તેવો મેસેજ મળતા વિદ્યાર્થીઓ દ્વારા વારંવાર પેપર ફૂટી જવાની ઘટનાને લઇને ગુજરાત સરકાર પર આકોશ ઠાલવ્યો હતો. સરકારમાં પરીક્ષા લેવાની ત્રેવડ ન હોય તો આવી સ્પર્ધાત્મક પરીક્ષા લેવાનું બંધ કરી દેવું જોઈએ. અમે જે જમીનો વેચી વેચી પરીક્ષાની તૈયારીઓ કરતા હોઇએ છીએ નોકરી ન મળે તો સમાજના લોકો પણ અમને ટોણા મારતા હોય છે અને અમારા જેવા યુવાઓની ઠેકડી ઉડાડતા હોય છે.
ADVERTISEMENT