અમદાવાદઃ ગુજરાતમાં પેપર ફૂટવાનો સિલસિલો સરકારથી અટકી રહ્યો નથી. પંચાયત જુનિયર ક્લાર્કની સરકારી નોકરી માટેની આજે રવિવારે પરીક્ષા યોજાવાની હતી. જે હવે યોજાશે નહીં કારણ કે આ પરીક્ષાનું પેપર લીક થઈ ગયું છે. મોડી રાત્રે પોલીસે એક શખ્સને ઝડપ્યા પછી આ પેપર ફૂટ્યાનો ખુલાસો સામે આવ્યો હતો. આ મામલે રાજ્યમાં ઠેરઠેર પરીક્ષાર્થીઓ દ્વારા ચક્કાજામ, ટાયર સળગાવવા, સુત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. દરમિયાનમાં ગુજરાત એટીએસ દ્વારા વડોદરાથી 15 શખ્સોને એક્ઝામના પેપર સાથે ઝડપી પાડવામાં આવ્યા છે. આમ આદમી પાર્ટીએ આ મામલે પત્રકાર પરીષદ યોજી હતી અને સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા.
ADVERTISEMENT
પેપર લેવાય ત્યારે ભાજપના દલાલોની લોટરી
ગુજરાત આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ આ મામલામાં કહ્યું કે, સતત પેપર લીક થયા છે, આ પેપર લીક થયું તે મામલે આમ આદમી પાર્ટીના નેતા યુવરાજસિંહે 5 દિવસ પહેલા જ સરકારને લેખિતમાં જાણ કરી હતી કે આવી ગતિવિધી ચાલી રહી છે. જોકે યોગ્ય પગલા લેવાયા નહીં. આખરે છેલ્લી ઘડીએ પેપર મોકુફ રાખવાનો નિર્ણય કર્યો છે. પેપર લેવાય છે જ્યારે પણ ગુજરાતમાં ત્યારે ભાજપના મળતિયાઓ, દલાલોને લોટરી લાગી જાય છે. ભાજપના મોટા નેતાઓની સંડોવણી વગર શક્ય નથી. બહારની એજન્સીઓથી પેપર ફૂટ્યા છે તેવી વાત કરવામાં આવે છે તો શું તમે તબલા વગાડી રહ્યા હતા?
દરેક ઉમેદવારને 50 હજાર વળતરની માગ
ગુજરાત આપના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ આ મામલે રોષ ઠાલવતા માગણી કરી હતી કે, દરેક વિદ્યાર્થીને 50 હજાર વળતર ચુકવવામાં આવે, નવેસરથી લેવાતી પરીક્ષામાં વિદ્યાર્થીને ફી ન ભરવી પડે અને મફત બસ સેવા આપવામાં આવે. ગુજરાત વિધાનસભાના આગામી સત્રમાં આ બાબતને લઈને યોગ્ય અને કડક કાયદો બનાવવામાં આવે. ઉપરાંત સરકારી પ્રિન્ટીંગ પ્રેસમાં ગુજરાતમાં પેપર છપાય અને પેપર પછી નહીં ફૂટે તેની સ્પષ્ટ બાંહેધરી ભાજપ સરકાર આપે. સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશની અધ્યક્ષતામાં સીટની રચના થાય અને તપાસ થાય.
ગુજરાત ATSની સતત વોચ
ગુજરાતમાં વધુ એક પેપર લીક થયાની ઘટના બની છે. પંચાયત જુનિયર ક્લાર્કની સરકારી ભરતી માટેનું એક્ઝામ પેપર લીક થઈ જતા પરીક્ષા મોકુફ થઈ છે અને વિદ્યાર્થીઓમાં વધુ એક પેપરકાંડને લઈને રોષ ભભુક્યો છે. તેવા સંજોગોમાં ગુજરાત એટીએસ દ્વારા આ મામલા પર સતત નજર રાખવામાં આવી રહી છે. આ મામલે ગુજરાત એટીએસના એસપી સુનિલ જોશી કહે છે કે, ગુજરાત એટીએસ દ્વારા આ મામલામાં સંડોવાયેલાઓ પર સતત વોચ રાખવામાં આવી રહી છે ત્યારે ગુજરાતના વડોદરામાંથી 15 આરોપીઓને પકડી લેવામાં આવ્યા છે કે જેમની પાસે આ પરીક્ષાનું પેપર હતું. સરકારે પરીક્ષા રદ્દ કરવાનો નિર્ણય કર્યો છે. આગળની તપાસ ચાલી રહી છે.
આંધ્ર પ્રદેશથી પેપર લીક થયું
હાલમાં મળી રહેલી વિગતો પ્રમાણે જુનિયર ક્લાર્કનું જે પેપર લીક થયું છે તે ગુજરાત બહારથી લીક કરવામાં આવ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે. વિગતો એવી પણ મળી રહી છે કે આ પેપર આંધ્ર પ્રદેશથી લીક થયું છે. જોકે તેની હાલ કોઈ સત્તાવાર વિગતો સામે આવી નથી.
ADVERTISEMENT