અમદાવાદઃ ગુજરાતમાં પેપર ફૂટવાનો સિલસિલો સરકારથી અટકી રહ્યો નથી. પંચાયત જુનિયર ક્લાર્કની સરકારી નોકરી માટેની આજે રવિવારે પરીક્ષા યોજાવાની હતી. જે હવે યોજાશે નહીં કારણ કે આ પરીક્ષાનું પેપર લીક થઈ ગયું છે. મોડી રાત્રે પોલીસે એક શખ્સને ઝડપ્યા પછી આ પેપર ફૂટ્યાનો ખુલાસો સામે આવ્યો હતો. આ મામલે રાજ્યમાં ઠેરઠેર પરીક્ષાર્થીઓ દ્વારા ચક્કાજામ, ટાયર સળગાવવા, સુત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. દરમિયાનમાં ગુજરાત એટીએસ દ્વારા વડોદરાથી 15 શખ્સોને એક્ઝામના પેપર સાથે ઝડપી પાડવામાં આવ્યા છે. આજે જ નવેસરથી લેવાતી આ પરીક્ષાની તારીખો જાહેર થશે તેવી વિગતો પણ મળી રહી છે. ગુજરાત એટીએસ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીના હવે સીસીટીવી પણ સામે આવ્યા છે.
ADVERTISEMENT
‘મત લેવામાં માસ્ટરી છે તમારી, પણ પરીક્ષા લેવામાં…’- ઈશુદાન ગઢવી
ગુજરાત ATSની સતત વોચ
ગુજરાતમાં વધુ એક પેપર લીક થયાની ઘટના બની છે. પંચાયત જુનિયર ક્લાર્કની સરકારી ભરતી માટેનું એક્ઝામ પેપર લીક થઈ જતા પરીક્ષા મોકુફ થઈ છે અને વિદ્યાર્થીઓમાં વધુ એક પેપરકાંડને લઈને રોષ ભભુક્યો છે. તેવા સંજોગોમાં ગુજરાત એટીએસ દ્વારા આ મામલા પર સતત નજર રાખવામાં આવી રહી છે. આ મામલે ગુજરાત એટીએસના એસપી સુનિલ જોશી કહે છે કે, ગુજરાત એટીએસ દ્વારા આ મામલામાં સંડોવાયેલાઓ પર સતત વોચ રાખવામાં આવી રહી છે ત્યારે ગુજરાતના વડોદરામાંથી 15 આરોપીઓને પકડી લેવામાં આવ્યા છે કે જેમની પાસે આ પરીક્ષાનું પેપર હતું. સરકારે પરીક્ષા રદ્દ કરવાનો નિર્ણય કર્યો છે. આગળની તપાસ ચાલી રહી છે.
અટલાદરાના ટ્યૂશન ક્લાસ પર બંદોબસ્ત
વડોદરાના અટલાદરા વિસ્તારમાં આવેલા ટ્યૂશન ક્લાસિસ પર પેપર લીક થવા મામલે ગુજરાત એટીએસ દ્વારા મોડી રાત્રે બે વાગ્યે કાર્યવાહી કરવામાં આવી હતી. મોડી રાત્રે કરવામાં આવેલી કાર્યવાહીના સીસીટીવી પણ સામે આવ્યા છે. હાલ ટ્યૂશન ક્લાસીસ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે.
વિદ્યાર્થીઓની એકલા હાથે લડવું પડશેઃ વિપક્ષોના દિગ્ગજ નેતાઓનો માત્ર ડિઝિટલ વિરોધ
વિદ્યાર્થીઓના વિરોધ પ્રદર્શનો
પેપર લીક થતા આ વખતે વિદ્યાર્થીઓને છેલ્લી ઘડીએ ધક્કો પડ્યો અને તેમનામાં નારાજગી ભભૂકી ઊઠી હતી. મહિસાગરમાં જિલ્લાના મુખ્ય મથકે પરીક્ષાર્થીઓ દ્વારા ચક્કાજામ કરી દેવામાં આવ્યો હતો. હાઈવે જામ કરી દેવાતા ટ્રાફીકની સમસ્યા ઊભી થઈ હતી. જેની જાણ થતા લુણાવાડા પોલીસ સ્થળ પર દોડી આવી હતી અને સમજાવટ કરી ટ્રાફીક પુર્વવત કરાવ્યો હતો. આવી જ સ્થિતિ ગોધરામાં પણ હતી. જ્યાં ગોધરા બસ સ્ટેન્ડ પર વિદ્યાર્થીઓએ ઉગ્ર વિરોધ કરી ટ્રાફીક જામ કરી દીધો હતો. પોલીસ ખડકીને વિદ્યાર્થીઓને શાંત કરવાના પ્રયત્નો કરવામાં આવ્યા હતા.
(ઈનપુટઃ દિગ્વિજય પાઠક, વડોદરા)
ADVERTISEMENT