અમદાવાદઃ મોરબીના ઝુલતા પુલ પર બનેલી ઘટનામાં 135 લોકો મોતને ભેટ્યા, ફિટનેસ સર્ટી વગર બ્રિજનો ઉપયોગ થયાનું તપાસ દરમિયાન સામે આવ્યું હતું. જોકે બ્રિજની હાલત અને તેના સાથે જોડાયેલા સર્ટિફિકેટ્સને લઈને મળતું આવતું એક બીજું સ્ટ્રક્ચર અમદાવાદમાં પણ છે. અમદાવાદના હાટકેશ્વર બ્રિજને 50 વર્ષ સુધી કશું જ નહીં થાય તેવું સ્ટ્રક્ચરલ ટેસ્ટમાં સર્ટી આપવામાં આવ્યું હતું. જોકે ઉદ્ઘાટનના માત્ર 5 જ વર્ષમાં બ્રિજને બંધ કરી દેવો પડ્યો, ઠેરઠેર અવારનવાર ગાબડા પડવા લાગ્યા, હાલત એવી થઈ કે જાણે બાબા આદમના જમાનાનો બ્રિજ હોય. ઉપરથી સ્ટેન્ડિંગ કમિટી કહે છે કે, જરૂર પડશે તો બ્રિજ નવેસરથી બનાવવામાં આવશે. પ્રજાને મુર્ખ સમજી બેઠેલા પદાધિકારીઓએ અગાઉના બ્રિજને 40 કરોડની જંગી રકમથી બનાવ્યો હતો, આ રૂપિયાનો કેવો ઉપયોગ થયો? કેવું મટિરિયલ વપરાયું? જો 50 વર્ષ સુધીની ગેરંટી હતી તો 5 વર્ષમાં આવી હાલત કેમ થઈ?
ADVERTISEMENT
ગેરંટી હતી કે વધુ એક જુમલો?
અમદાવાદના હાટકેશ્વર વિસ્તારનો છત્રપતિ શિવાજી બ્રિજ ઘણા સમયથી ચર્ચાનું કેન્દ્ર છે. જોકે આસપાસ ફરતા લોકોએ અહીં તકેદારી રાખવી જરૂરી બની ગઈ છે. વર્ષ 2017માં બ્રિજનું ઉદ્ઘાટન થયું પછી બ્રિજમાં છ વખત ગાબડા પડી ચુક્યા છે. ફરીથી રિપેર કરવો પડે તેવી સ્થિતિ નિર્માણ પામી છે. આ બ્રિજને 50 વર્ષ સુધી કોઈ જ વાંધો આવશે નહીં તેવું સ્ટ્રક્ચરલ ટેસ્ટમાં સર્ટિફિકેટ આપવામાં આવ્યું હતું. હવે આ બ્રિજને વપરાશ માટે જ બંધ કરી દેવામાં આવ્યો છે. છેલ્લા 8 મહિનાથી આ બ્રિજ બંધ કરી દેવામાં આવ્યો છે. સ્ટેન્ડિંગ કમિટિના ચેરમેને સ્પષ્ટતા કરી છે કે હવે આ બ્રિજને ફરીથી બનાવવાની જરૂર પડી તો ફરી બનાવીશું. અરે… અગાઉના બ્રિજમાં થયેલા ખર્ચને શું હવે માથે પડેલો ગણવો? કાર્યવાહી શું તે અંગે કોઈ વાત કેમ નહીં? પ્રજાના 40 કરોડ રૂપિયાનો આ કેવો ઉપયોગ થયો? કોના માટે થયો? કેવું મટિરિયલ વપરાયું? જો 50 વર્ષ સુધીની ગેરંટી હતી તો 5 વર્ષમાં આવી હાલત કેમ થઈ? કે પછી આ સર્ટિફિકેટ ખોટું છે, ભ્રામક છે, કે જુમલો હતું? સ્ટેન્ડિંગ કમિટિએ તેની પણ સ્પષ્ટતા કરવી જોઈતી હતી જે કરી નથી.
પોલીસ પર હુમલો, ગૃહમંત્રીને ધમકી, ખાલિસ્તાનની માગ… વાંચો અમૃતસરમાં કેમ ઉઠ્યું વિરોધનું ‘વંટોળ’
બ્રિજની ડિઝાઈન કોની?
આ મામલામાં બ્રિજ પ્રોજેક્ટ વિભાગે જ્યોર્જ ડાયસને આપેલી વિગતો પ્રમાણે આ બ્રિજની ડિઝાઈન કન્સલ્ટન્ટ ડેલ્ફ કન્સલ્ટિંગ એન્િજનિયરે કરી હતી. આ બ્રિજનું સુપરવિઝન કન્સલટન્ટ પીએમસી તરીકે એસજીએસ ઈન્ડિયાની હતી. તે સમયે સ્ટ્રક્ચરલ ઈન્સેપેક્શન કરવામાં આવ્યું હતું. જેમાં બ્રિજને 50 વર્ષ સુધી કશું જ નહીં થાય તેવો રિપોર્ટ સોંપવામાં આવ્યો હતો. જોકે ડિફેક્ટ લાયાબિલિટી 2018માં પુરી થઈ ગઈ હતી.
કોંગ્રેસે ભાજપના પદાધિકારીઓને આપ્યું ફૂલ
ગુરુવારે અમદાવાદમાં કોર્પોરેશનના અધિકારીઓ પદાધિકારીઓને કાંઈક અલગ જ અનુભવ થયો હતો. આ મામલાને લઈને કોંગ્રેસ દ્વારા ભાજપના તમામ પદાધિકારીઓને ફૂલ આપી ગાંધીગીરી કરવામાં આવી હતી. કોંગ્રેસે ગાંધીગીરી સાથે આ મામલામાં વિજિલન્સની તપાસની માગ પણ કરી છે.
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT