ગાંધીનગરઃ હાલમાં જ પેપર ફૂટ્યા પછી વિદ્યાર્થીઓને વહેલી સવારમાં જ રડતા કરી દેનારી પંચાયત પસંદગી સેવાની જુનિયર ક્લાર્કની પરીક્ષાની આખરે તારીખો જાહેર થઈ ગઈ છે. વિદ્યાર્થીઓને તંત્ર દ્વારા 100 દિવસમાં પરીક્ષાની તારીખ જાહેર કરવાનો વાયદો કરવામાં આવ્યો હતો. નિર્ધારિત સમયગાળામાં તંત્રએ નવી તારીખો જાહેર કરી છે. ઉલ્લેખનીય છે કે હાલમાં જ સરકારે પેપર લીક મામલામાં નવા કાયદાને વિધાનસભામાં પસાર કર્યો છે જેના બે જ દિવસમાં જુનિયર ક્લાર્કની પરીક્ષાની તારીખ જાહેર થઈ છે.
ADVERTISEMENT
સુરત: પિતાના મિત્રએ જ 2 વર્ષની બાળકી પર નજર બગાડી, દુષ્કર્મ પછી મારી નાખી, ધરપકડ
9 એપ્રિલે યોજાશે પરીક્ષા
ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા કરવામાં આવેલી જાહેરાત પ્રમાણે આગામી 9 એપ્રિલે પરીક્ષા યોજાશે. થોડા દિવસો પહેલા આ પરીક્ષાનું પેપર ફૂટ્યું જેના કારણે વિદ્યાર્થીઓએ ભારે નિસાસો નાખ્યો હતો. જોકે સતત તૈયારીઓમાં લાગેલા વિદ્યાર્થીઓ નવેસરથી પરીક્ષા ક્યારે લેવાશે તેની તારીખની રાહ જોઈ રહ્યા હતા. ગુજરાત રાજ્યના કડક અધિકારીઓમાં ગણના પામતા આઈપીએસ હસમુખ પટેલને મંડળના અધ્યક્ષ પદની જવાબદારી સોંપ્યા પછી વિદ્યાર્થીઓમાં એક વિશ્વાસનો સેતુ ઊભો કરવાના સરકારના પ્રાયસ હતા. જોકે આગામી સમયમાં પરીક્ષા કેટલી સચોટ રીતે પાર પડે છે તેના પર ઘણો મોટો આધાર છે.
30 દિવસમાં પરીક્ષાની જાહેરાત થઈ
જુનિયર ક્લાર્કની પરીક્ષાનું પેપર 28મી જાન્યુઆરીએ ફૂટી ગયાનું સામે આવ્યું હતું. 29મી જાન્યુઆરી 2023એ આ પરીક્ષા યોજાવાની હતી. રાત્રી દરમિયાન જ પેપર ફૂટ્યાની જાણકારી મળતા તંત્રએ વહેલી સવારે જ આ પરીક્ષા રદ્દ કરી દેવાનો નિર્ણય જાહેર કર્યો હતો. જે પછી ઘણા વિદ્યાર્થીઓ દૂર દૂરથી પરીક્ષા કેન્દ્રો સુધી પહોંચી ગયા હતા અને તેમને આંખોમાં આસુ સાથે પાછા વળવાનો વારો આવ્યો હતો. હજારો નહીં પણ લાખોની સંખ્યામાં વિદ્યાર્થીઓના મન તૂટ્યા હતા. તેમણે ઘણી નારાજગી પણ વ્યક્ત કરી હતી. સરકારે આ દરમિયાનમાં 100 દિવસમાં જ ફરી પરીક્ષાની તારીખો જાહેર કરવાનું કહ્યું હતું. બાદમાં આ મંડળની જવાબદારી આઈપીએસ હસમુખ પટેલના હાથમાં સોંપવામાં આવી હતી. જે પછી સરકાર સતત ફૂટી રહેલા પેપરને લઈને એક નવા કાયદાની ઉઠી રહેલી માગ પર વિચારતી થઈ અને આખરે હમણાં બે દિવસ પહેલા જ ગુજરાત વિધાનસભામાં નવો કાયદો પસાર કરી પેપર ફોડનાર સામે કડક સજાની જોગવાઈઓ કરવામાં આવી હતી. હવે આજે મંગળવારે સાંજે પરીક્ષા રદ્દ થયાના 30 દિવસમાં સરકારે ફેર પરીક્ષાની તારીખ જાહેર કરી છે. આગામી 9 એપ્રિલે સવારે 11થી 12 વાગ્યા સુધીમાં આ પરીક્ષા લેવાશે. ઉલ્લેખનીય છે કે આવા સમયગાળાને કારણે પહેલા પણ હોબાળો મચ્યો હતો કારણ કે ઘણા વિદ્યાર્થીઓને એક્ઝામ સેન્ટર સુધી પહોંચવા આગલા દિવસે અથવા વહેલી પરોઢે નીકળી જવાનું થાય છે તો જ તેઓ સમયસર પરીક્ષા કેન્દ્ર પર પહોંચી શકે છે.
(ઈનપુટઃ ગોપી ઘાંઘર, ગાંધીનગર)
ADVERTISEMENT