મહીસાગરઃ લગ્નની શરણાઈઓ પહેલા મોતનો માતમ, 50 જાનૈયાઓનો અકસ્માત, 8ના મોત

મહીસાગરઃ લુણાવાડામાં એક ગમખ્વાર અકસ્માત બન્યો છે જેમાં 50 જેટલા જાનૈયાઓ લઈને જતા એક ટેમ્પોનો અકસ્માત થતા 8 જેટલા જાનૈયાઓના મોત નિપજ્યા છે. તે તમામ…

gujarattak
follow google news

મહીસાગરઃ લુણાવાડામાં એક ગમખ્વાર અકસ્માત બન્યો છે જેમાં 50 જેટલા જાનૈયાઓ લઈને જતા એક ટેમ્પોનો અકસ્માત થતા 8 જેટલા જાનૈયાઓના મોત નિપજ્યા છે. તે તમામ લગ્નમાં હાજરી આપવા જઈ રહ્યા હતા ત્યારે આ ઘટના બની હતી. એક તરફ લગ્નની શરણાઈઓ વાગે તે પહેલા જ મોતનો માતમ છવાઈ ગયો હતો. 35 જેટલા લોકો આ અકસ્માતમાં ઘાયલ પણ થયા છે જે પૈકી ઘણાની હાલત હજુ પણ ગંભીર છે. તબીબો પુરતો પ્રયાસ કરી રહ્યા છે કે મૃતકાંક વધે નહીં. આ તરફ પોલીસ પણ સ્થળ પર દોડી ગઈ છે. મૃતકોના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે ખસેડી વધુ કાર્યવાહી હાથ ધરાઈ રહી છે.

જાન લઈ સાત તળાવ જઈ રહ્યા હતા
મહીસાગર ખાતે અવારનવાર અકસ્માતોની ઘટનાઓ બનતી રહે છે. આજે બુધવારે વધુ એક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. જેમાં લુણાવાડા પાસે જાનૈયાઓ ભરેલો એક ટેમ્પો જતો હતો ત્યારે ટેમ્પો રોડની એક તરફના ખાડામાં ખાબક્યો હતો. લગ્નની જાન લઈને આ ટેમ્પો ગઠાથી સાત તળાવ જઈ રહ્યો હતો. દરમિયાન આ અકસ્માત થયો છે. અકસ્માતમાં 8 લોકો મૃત્યુ પામ્યા હોવાના અહેવાલ મળી રહ્યા છે તો બીજી તરફ 35 જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા છે. જે પૈકી ઘણાની હાલત ગંભીર હોઈ મૃતકાંક વધવાની શક્યતાઓ જણાઈ રહી છે. જોકે તબીબોનો સતત પ્રયત્ન છે કે વધુ લોકોના મૃત્યુ ન થાય અને તમામને સારવાર કારગર નિવડે. લુણાવાડા ધારાસભ્ય ગુલાબસિંહ ચૌહાણ તેમજ જિલ્લા પોલીસ વડા હોસ્પિટલ પહોંચ્યા હતા.

AAP એ MCD પર કર્યો કબજો, કાઉન્સિલર શૈલી ઓબેરોયે ભાજપના ઉમેદવાર રેખા ગુપ્તાને હરાવ્યા

સ્વજનની લાશ આગળ બેસી લોકોનો વિલોપાત
અકસ્માત જ્યારે બન્યો ત્યારે અહીં ઘણા લોકોના ટોળા મદદે દોડી આવ્યા હતા. ઘણા ઈજાગ્રસ્તોને સારવાર માટે રિક્ષામાં પણ લઈ જવામાં આવ્યા હતા. 108ની ટીમ દ્વારા સ્થળ પર પણ પ્રાથમિક સારવાર શરૂ કરી દેવામાં આવી હતી. રોડ પર વિખરાયેલા લોહી અને લાશો આગળ પરિવારના ઘણા લોકોએ વિલોપાત કર્યો હતો. પોતાના સ્વજનની લાશ આગળ બેસીને રોડ પર તેઓ સતત રોકક્કડ કરી રહ્યા હતા.

મૃતકોની થઈ ઓળખ
આ ગમખ્વાર અકસ્માતમાં મૃત્યુ પામેલા કેટલાકની ઓળખ થઈ જે પ્રમાણે મૃતકોના નામ નરેશભાઈ તરલ, જયંતિભાઈ મસુરભાઈ તરલ, વાઘાભાઈ મસુરભાઈ બારિયા, અરવિંદભાઈ નાનાભાઈ બારિયા, રામણભાઈ સુખાભાઈ તરલ અને નાનાભાઈ જવરાભાઈ ચોકીયાટ છે.

અરવલ્લીમાં પણ ગમખ્વાર અકસ્માત થયો
આ બાજુ અરવલ્લીના મોડાસા ખાતે હિંમતનગર હાઈવે પર બુલેટ અને કાર વચ્ચે અકસ્માત થતા એક જ પરિવારના ત્રણ લોકોના મોત નિપજ્યા હતા. અકસ્માત બાદ હાઈવે પર ટ્રાફિક જામ પણ થઈ ગયો હતો. મોડાસાના રસુલપુર ખાતે થયેલા આ અકસ્માતમાં મૃતકોમાં માસી, ભાણિયાઓ સહિત ત્રણના મૃત્યુ થતા પરિવારે અહીં ભારે આક્રંદ કર્યો હતો.

(ઈનપુટઃ વિરેન જોશી, મહીસાગર)

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

    follow whatsapp