સુરેન્દ્રનગરઃ લીંબડી ધંધુકા રોડ પર બોરણા ગામના પાટીયા પાસે પુર ઝડપે જતી કારના ચાલકે કાબુ ગુમાવતા રોડની એક તરફ પલટીઓ મારી ગઈ હતી. જેમાં એક વ્યક્તિનું મોત થયું છે. ઘટનાની પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. અન્ય ત્રણ વ્યક્તિ આ ઘટનામાં ઈજાગ્રસ્ત થયા છે.
ADVERTISEMENT
ઝડપી વાહન ચલાવવામાં બન્યો અકસ્માત
સુરેન્દ્રનગરમાં અવારનવાર વાહન અકસ્માતની ઘટનાઓ સામે આવતી હોય છે જેમાં મોટા ભાગે વાહનની ઝડપને લઈને અકસ્માતોની સંખ્યા પણ વધારે જોવા મળતી હોય છે. ટ્રાફીક પોલીસ વારંવાર અને સતત લોકોને ટ્રાફીકના નિયમો સમજાવતી રહે છે છતાં રોંગ સાઈડમાં વાહન ચલાવવું, સીટ બેલ્ટ ન બાંધવો, પુર ઝડપે વાહન હંકારવાથી લઈને એવા ઘણા નિયમોના લીરેલીરા ઉડાવવામાં પણ લોકો પાછા પડતા નથી. આવા કેટલાક લોકો પૈકીનાઓને વાહન અકસ્માતનો ભોગ પણ બનવું પડે છે. વાહન અકસ્માત થયા પછી જ આ નિયમોની ગંભીરતા ખબર પડતી હોય છે. આવી જ એક ઘટના સુરેન્દ્રનગરના લીંબડી-ધંધૂકા રોડ પર બની છે.
રોડથી ઉતરીને પલટીઓ વાગતા કારનો કચ્ચરઘાણ
લીંબડી ધંધૂકા રોડ પર ગુરુવારે એક માર્ગ અકસ્માતની ઘટના બની હતી. બોરણા ગામ પાટીયા પાસે પુર ઝડપે એક કાર જતી હતી ત્યારે અચાનક કારના ચાલકનું સ્ટિયરિંગ પરથી કાબુ જતો રહેતા કાર સીધી જ રોડની એક તરફ ઉતરી ગઈ હતી. એક તરફ વાહનની સ્પીડ પણ ઘણી હતી ત્યાં કાર રોડ પરથી ઉતરી જતા જાણે કોઈ બોલ આમ તેમ ફંગોળાયો હોય તેમ ફંગોળાઈ ગઈ હતી. અકસ્માતમાં વાહનની તો હાલત એવી થઈ હતી કે હવે માત્ર કબાડ જ બચ્યો છે. જ્યારે આ તરફ વાહનમાં બેસેલા ત્રણ વ્યક્તિ ઈજાગ્રસ્ત થયા હતા જ્યારે એક વ્યક્તિનું મોત થયું હતું. પોલીસને ઘટનાની જાણ થતા સ્થળ પર દોડી આવી તુરંત કાર્યવાહી હાથ ધરી હતી. ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા અને મૃતકની લાશને પોસ્ટ મોર્ટમ માટે લઈ જવાઈ હતી.
ADVERTISEMENT