નીતિન ગોહિલ.ભાવનગરઃ શહેરના ગંગાજળીયા પોલીસે ચોક્કસ બાતમીના આધારે જૂનાબંદર રોડપર આવેલી એક ટ્રાન્સપોર્ટની ઓફીસમાથી ચંદીગઢથી પાર્સલોની આડમાં સંતાડેલો પરપ્રાંતિય દારૂનો મોટો જથ્થો કબ્જે કર્યો હતો. તેમજ આ દારૂનો જથ્થો મંગાવનાર બુટલેગર વિરુદ્ધ ગુનો નોંધી પોલીસે વધુ તપાસ હાથ ધરી. જોકે અહીં પોલીસે પાર્સલ પર જ્યાં નંબર નોંધવામાં આવ્યા હતા તે નંબરને આધારે બુટલેગર પર કેસ નોંધ્યો છે.
ADVERTISEMENT
પાર્સલ પરના એડ્રેસ મુજબ માલ ચિત્રા GIDCમાં મોકલવાનો હતો
આ સમગ્ર બનાવ અંગે ગંગાજળીયા પોલીસ મથકેથી જાણવા મળતી વિગતો અનુસાર ગતરોજ ગંગાજળિયા પોલીસ સ્ટેશનની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે, જૂનાબંદર રોડ પર આવેલી એક ટ્રાન્સપોર્ટમાં સામાનની આડમાં પરપ્રાંતમાંથી વિદેશી દારૂનો જથ્થો મંગાવવામાં આવે છે. માહિતી પાક્કી હતી કે, જૂનાબંદર રોડ પર આવેલી ટ્રાન્સપોર્ટની ઓફિસમાં સામાનની આડમાં ચંદીગઢથી ઈંગ્લીશ દારૂનો જથ્થો લાવવામાં આવ્યો છે. જે હકીકત આધારે પોલીસની ટીમે ટ્રાન્સપોર્ટની ઓફીસમાં રેડ કરી અલગ-અલગ બેરલમાં લાકડાના ભૂંસા નીચે સંતાડલામાં આવેલી દારૂની નાની-મોટી બોટલો સાથે બેરલ સહિત કુલ રૂ.૧,૦૪,૫૨૦ની કિંમતનો દારૂનો જથ્થો કબ્જે કર્યે હતો. તેમજ વધુ તપાસ હાથ ધરતાં શહેરના કોઈ બુટલેગરે પાર્સલ એડ્રસમાં મોબાઈલ નંબર લખાવી આ પરપ્રાંતિય દારૂનો જથ્થો શહેરના ચિત્રા જી.આઈ.ડી.સીમાં મોકલવાની ભલામણ ટ્રાન્સપોર્ટ ઓફીસ ધારકોને કરી હોવાનું જાણવા મળ્યું હતું. આથી પોલીસે બુટલેગરના મોબાઈલ નંબર આધારે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આરોપીઓને પકડી પાડવા ચક્રોગતિમાન કર્યા છે.
ADVERTISEMENT