બાળકને વાહન ચલાવવા આપતા ચેતજોઃ અકસ્માતમાં સગીરનું મોત થતા પિતા સામે FIR

અમદાવાદઃ આપણે ત્યાં બાળકોને જલ્દીથી વાહન ચલાવતા શિખવીને તેમને શાળાએ પણ ટુ વ્હીલર લઈ જતા કરી દેવામાં માતા પિતા એક અલગ જ ગર્વ માને છે.…

gujarattak
follow google news

અમદાવાદઃ આપણે ત્યાં બાળકોને જલ્દીથી વાહન ચલાવતા શિખવીને તેમને શાળાએ પણ ટુ વ્હીલર લઈ જતા કરી દેવામાં માતા પિતા એક અલગ જ ગર્વ માને છે. આપણે ઘણી વખત સ્કૂલ સ્ટૂડન્ટ્સને બેફામ વાહન હંકારતા જોયા છે અને લગભગ આગામી સમયમાં પણ જોઈશું કારણ કે તેને અટકાવવામાં ન કાયદાની કડકાઈ જોવા મળે છે, ન માતા પિતાની ઈચ્છા શક્તિ કે ન શાળાઓને કોઈ રસ છે. જોકે તેના ગંભીર પરિણામો પણ આવે છે. હાલમાં જ અમદાવાદમાં કુબેરનગર વિસ્તારમાં 16 વર્ષની દીકરી ટુ-વ્હીલર લઈને સ્કૂલે જઈ રહી હતી ત્યારે પોતાની સોસાયટીમાં રહેતા બીજા સગીરને તેણે વાહન ચલાવવા આપ્યું હતું પણ વાહન સ્લિપ થઈ જતા બંને નીચે પટકાયા અને તેમાં સગીરનું મોત થયું જ્યારે સગીરાને ઈજાઓ થઈ છે. આ મામલામાં સગીરાના પિતા સામે ગુનો નોંધવામાં આવ્યો છે.

ખોડલધામના ચેરમેન નરેશ પટેલને પણ થયો હતો પ્રેમ તો પછી કેમ ન કરી શક્યા પ્રપોઝ ?

સોસાયટીમાં રહેતા સગીરને વાહન ચલાવા આપ્યું
ઘટનાની મળી રહેલી માહિતી પ્રમાણે અમદાવાદ શહેરના કુબેરનગર વિસ્તારમાં આવેલી ભાગ્યોદય સોસાયટીમાં રહેતા હીરાનંદ ગનવાણીએ પોતાની 16 વર્ષની દીકરી ભૂમિને શાળાએ જવા માટે ટુ-વ્હીલર આપ્યું. જોકે આ દરમિયાનમાં ભૂમિએ પોતાની જ સોસાયટીમાં રહેતા દેવેશ જસારાજાણીને કે જે પોતે પણ સગીર વયનો છે તેને વાહન ચલાવવા આપ્યું હતું. તેઓ બંને વાહન લઈને જતા હતા ત્યારે સોસાયટીના જ ગેટ પાસે તેમનું વાહન સ્લીપ ખાઈ ગયું હતું અને બંને ધડામથી રોડ પર પટકાયા હતા.

હોસ્પિટલ લઈ જવાયા પણ ત્યાં મળ્યા માઠા સમાચાર
અકસ્માત એટલો ગંભીર હતો કે આસપાસના લોકો પણ ભેગા થઈ ગયા અને બંનેને આ અકસ્માતમાં ગંભીર ઈજાઓ થઈ હતી. ગંભીર ઈજાઓને પગલે તેમને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. અકસ્માતમાં દેવેષનું મોત થઈ ગયું હતું અને ભૂમિની હાલત ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે. આ તરફ ઘટનાની જાણ થતા પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરતા દેવેષના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે ખસેડ્યો હતો. પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે બંને સગીર વયના છે અને તેમની ઉંમરને કારણે તેમની પાસે લાયસન્સ હોવાનો કોઈ સવાલ ઊભો થતો નથી.

સરકારી સ્કૂલો ઇન્ટરનેટની સુવિધામાં અનેક રાજ્યો પાછળ, જાણો ગુજરાત કેટલા ક્રમાંક પર છે ?

રડવાને આંસુ ખુટી પડે છે…
આ મામલામાં જી ડિવિઝન ટ્રાફિક પોલીસ મથકના પીઆઈ એન કે રબારી દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. પીઆઈએ પોતે આ મામલામાં ફરિયાદી બનીને સગીરાના પિતાની સામે ગુનો નોંધાવ્યો હતો. સાથે જ આ કેસમાં ભૂમિના પિતા હીરાનંદ ગનવાણીની ધરપકડ પણ કરી લેવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે આવી ઘટનાઓ ન માત્ર અમદાવાદ, વડોદરા, જુનાગઢ, સુરત, રાજકોટ સહિત ઘણા શહેરોમાં જોવા મળી છે. જોકે તેમાં પિતા સામે કેસ થયો હોય તેવું ભાગ્યે જ જોવા મળે છે. પણ અહીં બીજો પ્રશ્ન એ છે કે આવી રીતે સગીર વયના બાળકોને વાહન ચલાવવા આપી દેવાથી ન માત્ર તેમના જીવનને પણ અન્યોના જીવનને પણ જોખમ રહેતું હોય છે. વાલીઓ આવી ઘટનાઓથી બોધપાઠ લે તે અત્યંત જરૂરી છે. કારણ, પાછળથી આંખોમાં રડવા માટે આંસુ પણ ખુટી પડતા હોય છે.

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

    follow whatsapp