વિજય રુપાણીએ કરેલી જાહેરાતના હજુય ઠેકાણાં નથીઃ ભાજપ MLAએ કરી આવી માગ

વીરેન જોશી (મહિસાગર): બાલાસિનોરના ભાજપના ધારાસભ્યએ જિલ્લામાં GIDC સ્થાપવા માટે ગુજરાત શ્રમ અને રોજગાર મત્રીને પત્ર લખ્યો છે. બાલાસિનોર વિધાનસભાના ધારાસભ્ય માનસિંહ ચૌહાણએ મંત્રી બળવંતસિંહ…

gujarattak
follow google news

વીરેન જોશી (મહિસાગર): બાલાસિનોરના ભાજપના ધારાસભ્યએ જિલ્લામાં GIDC સ્થાપવા માટે ગુજરાત શ્રમ અને રોજગાર મત્રીને પત્ર લખ્યો છે. બાલાસિનોર વિધાનસભાના ધારાસભ્ય માનસિંહ ચૌહાણએ મંત્રી બળવંતસિંહ રાજપૂતને પત્ર લખી બાલાસિનોર વિધાનસભા મતવિસ્તારમાં GIDC સ્થાપવા માટે રજૂઆત કરી છે. ‘નવીન મહિસાગર જિલ્લો બને’ને આઠ વર્ષ ઉપરાંતનો સમય થઈ જવા છતાં હજી પણ મહિસાગર જિલ્લો GIDC વંચિત છે. ઉલ્લેખનીય છે કે વિજય રુપાણીએ પોતે જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે ગુજરાતના આઠ જિલ્લાઓમાં નવી ઔદ્યોગિક વસાહત સ્થાપવાની જાહેરાત કરી હતી પણ હજુ સુધી તેના કોઈ ઠેકાણાં પડ્યા નથી.

યુવાધનનો ખેતીમાંથી રસ ઉતર્યો
મહિસાગર જિલ્લા બાલાસિનોર ધારાસભ્ય માનસિંહ ચૌહાણે રાજ્ય સરકારના ગુજરાત શ્રમ અને રોજગાર મંત્રી બળવંતસિંહ રાજપૂતને પત્ર લખી જાણ કરી છે કે બાલાસિનોર મતવિસ્તાર ના યુવાધનને રોજગાર પ્રાપ્ત થાય તે હેતુથી GIDC નું આયોજન કરવામાં આવે. તેમણે કહ્યું કે, બાલાસિનોર તાલુકો મધ્ય ગુજરાતનો રાજસ્થાન તરફનો નજીકનો તાલુકો છે. આધુનિકતાના કારણે ગામડાનું યુવાધન શહેર તરફ વળ્યું છે, જેના કારણે ખેતીમાં રસ ઘટતો જઇ રહ્યો છે અને વિસ્તારમાં આવેલા ગામડાઓ તૂટી રહ્યા છે. બાલાસિનોર તાલુકાના મોટાભાગના નાગરિકો ખેતી તેમજ પશુપાલનના આધારે પોતાનું જીવન નિર્વાહ કરી રહ્યા છે. ખેતીની જમીન પણ પરિવારોના ભાગ પડતા ટૂંકી થઇ રહી છે. જેના કારણે બાલાસિનોર વિસ્તારના લોકોની આર્થિક સ્થિતિ કફોડી બની રહી છે. આ વિકટ પરિસ્થિતિના નિવારણ ફળ સ્વરૂપે બાલાસિનોર તાલુકામાં જો GIDC નું મોટું આયોજન થાય તો લોકોને રોજગારી સંદર્ભે પોતાનું વતન છોડી શહેર તરફ પ્રયાણ કરવું ના પડે. જેથી મંત્રી બળવંતસિંહ રાજપૂતને બાલાસિનોરના ભાજપના ધારાસભ્ય માનસિંહ ચૌહાણે બાલાસિનોર વિસ્તારમાં ઝડપથી GIDC નું આયોજન કરવામાં માટે અંગત ભલામણ કરી છે.

2021માં વિજય રુપાણીએ કરી હતી જાહેરાત પણ…
અત્રે ઉલ્લેખનીય છે કે રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જ્યારે પોતે મુખ્યમંત્રી હતા ત્યારે 21 જાન્યુઆરી 2021 ના રોજ ગુજરાતના આઠ જિલ્લામાં નવી ઔધોગિક વસાહત સ્થાપવા માટે જાહેરાત કરી હતી. જેમાં મહિસાગર જિલ્લાના બાલાસિનોર તાલુકાના ખડીવાવ પાસે નવી ઔધોગિક વસાહત સ્થાપવાની જાહેરાત કરી હતી પરંતુ આજદિન સુધી કોઈ જીઆઈડીસીની સ્થાપના થઇ નથી. હવે જોવું રહ્યું કે બાલાસિનોરના ભાજપના ધારાસભ્ય માનસિંહ ચૌહાણે ગુજરાતના શ્રમ અને રોજગાર મંત્રી બળવંતસિંહ રાજપૂતને પત્ર લખી નવી ઔધોગિક વસાહત સ્થાપવા માટે રજૂઆત કરી છે. ત્યારે હાલની ભૂપેન્દ્ર પટેલ સરકાર બાલાસિનોરમાં નવી ઔધોગિક વસાહત સ્થાપવા માટે માનનીય સન્માનીય ધારાસભ્યના પત્રનો અમલ કરી કેટલી ઝડપથી કાર્યવાહી કરી નવી ઔધોગિક વસાહત સ્થાપના કરે છે તે જોવું રહ્યું.

    follow whatsapp