પાટણઃ પાટણ યુનિવર્સિટીમાં આવેલા કોમ્યુનિટી હોલમાં મંગળવારે રેન્જ આઇજી જે આર મોથલિયાની અધ્યક્ષતામાં આજે યોજાયેલા લોકદરબાર કાર્યક્રમમાં વ્યાજખોરી માફિયાનો ભોગ બનેલા અરજદારોને આવકારવામાં આવ્યા હતા. તેઓ આ કાર્યક્રમમાં આવે અને તેમની અરજી આપે તેવા હેતુથી પોલીસ રક્ષક દ્વારા કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જોકે આ જ કાર્યક્રમમાં એક અરજદારની કહાનીએ લગભગ દરેક પોલીસ અધિકારી અને કર્મચારીઓને શર્મસાર કરી દીધા હતા. કારણ કે પોતે ગમે તેટલા પ્રામાણિક પણે કામ કરવા પ્રયત્નશીલ હોય પરંતુ આવા કેટલાક પોલીસ કર્મચારીઓ અને તેમના પરિવારની કરતુતોને કારણે પણ વિભાગની છબીને નુકસાન થયું હોય છે. આજના પાટણના લોકદરબાર કાર્યક્રમમાં રેન્જ આઇજી સહિતના આધિકારીઓની બોલતી બંધ થઇ જાય તેવો કિસ્સો સામે આવ્યો છે.
ADVERTISEMENT
પાટણના રક્ષકનો દીકરો જ બન્યો ભક્ષક
પાટણના રમેશભાઈ પ્રજાપતિ કે જે ચિત્રકૂટ સોસાયટીમાં રહે છે. તેઓ સામાન્ય ધંધો-રોજગાર કરીને પોતે હેન્ડીકેપ (દિવ્યાંગ) હોવા છતાં એમનું અને એમના પરિવારનું ગુજરાન ચલાવે છે. રમેશભાઈના 18 વર્ષથી પણ નાના દીકરાએ આજથી 2 વર્ષ પહેલા 2 લાખ રૂપિયા વ્યાજે લીધા હતા અને જેનું વ્યાજ મહિને 30 % હતું . 2 વર્ષના સમય દરમિયાન અરજદારના દીકરા પાસેથી 30% વ્યાજની વસુલાતના ભાગરૂપે 7 લાખ 8 હજાર રૂપિયા આપ્યા હોવા છતાં હજુ સુધી રમેશભાઈ અને તેમના દીકરાને વ્યાજના ચક્રમાં ખુદ રક્ષકના દીકરાએ ફસાવી દીધા હોવાનું સામે આવ્યું છે.
વ્યાજખોરના પિતા પાટણ પોલીસનો હિસ્સો
આ ઘટનામમાં પ્રશાંત રબારી નામનો વ્યાજખોર છે, જે પોતે રક્ષકનો દીકરો છે અને વ્યાજખોરના પિતા પાટણ પીએસઓમાં ફરજ બજાવે છે અને વર્દીનો ધાક આપીને વર્દીધારીના દીકરા દ્વારા જ આ ખુલ્લેઆમ વ્યાજખોર માફિયાઓ ધંધો ચલાવી રહ્યા છે. રૂપિયાના આપી શકવાની વાત કરાતા રમેશભાઈ જે ખુદ હેન્ડીકેપ છે તેમના હાથ પગ ભાગી જાય તેવો ઢોર માર મારવામાં આવ્યો હતો. જેને લઈને રક્ષકના દીકરા પ્રશાંત રબારી સામે પોલીસ ફરિયાદ નોંધવામાં તો આવી પરંતુ પોલીસના સકંજામાંથી છૂટ્યા બાદ વ્યાજ માફિયા પ્રશાંતે આજદિન સુધી હેરાન કરવાનું બંધ નથી કરવામાં આવ્યું અને જેના કારણેના છૂટકે આજે ભોગ બનનાર રમેશભાઈને આઇજીના લોકદરબાર કાર્યક્રમમાં પોલીસ વિરુદ્ધ જ અરજી લઈને આવવું પડ્યું હતું. જિલ્લામાં લોકો વ્યાજખોરોથી મુક્ત થાય તેવા હેતુથી લોકદરબારમાં મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહેલા રેન્જ આઇજી પણ આવો ચોંકાવનારો કિસ્સો સામે આવતા ચોંકી ગયા હતા. જે પછી ઘટના અંગે જીણવટ પૂર્વક તપાસ કરીને વ્યાજખોરને કડકમાં કડક સજા કરવામાં આવશે તેવી ખાતરી આપવામાં આવી હતી.
ADVERTISEMENT