શાર્દૂલ ગજ્જર.દાહોદઃ આદિવાસીઓના સ્વયંવર તરીકે ઓળખાતો ગોળ ગધેડાનો મેળો. આશરે 200 વર્ષથી ભરાતો પરંપરાગત ગોળ ગધેડાનો મેળો જેમાં લીસ્સા લાકડા ઉપર 50 ફૂટ ઊંચે ગોળની પોટલી લેવા યુવાનો હોડ લગાવે છે. જ્યારે ઉપર ચઢતા યુવાનોને મહિલાઓ લાકડીઓનો માર મારે છે.
ADVERTISEMENT
લાકડા પર તેલ લગાવી લીસ્સુ કરી દેવાય છે
કુવારા છોકરાઓ 50 ફૂટ જેટલા ઊંચા ઝાડના લાકડા ઉપર કે જેની ઉપર તેલ લગાડેલું હોય છે. ગોળની પોટલી ખાવા માટે કુવારા આદિવાસી છોકરાઓ આ પોટલી લેવા માટે ચઢે છે. કુવારી છોકરીઓ હાથમાં નેતરની સોટી લઈને આ યુવાનોને માર મારે છે અને તેમને થાંભલા પર ચઢતા રોકે છે. જેના હાથમાં ગોળની પોટલી આવી જાય તે નીચે માર મારતી કુવારી છોકરીઓમાંથી જેનો પણ હાથ પકડે તેની સાથે લગ્ન થઈ જતા હોય છે. આવી રીતે આ ગોળ ગધેડાના મેળામાં ઉત્સાહથી ઉજવણી આજે પણ થઈ હતી. સમય જતા પ્રથા પાંચેક વર્ષથી બંધ થઈ ગઈ છે પણ આ મેળાનું મહત્વ આજે ઓછું નથી થયું ફરક એટલો છે કે આદિવાસીઓના કપડા અને પહેરવેશમાં બદલાવ જરૂર આવ્યો છે.
ક્યાં યોજાય છે આ મેળો?
દાહોદ જિલ્લાના આદિયાસી સમાજમાં હોળી–ધૂળેટી પર્વને લઈને અનેક પરંપરાઓ સાથે તહેવારની ઉજવણી કરવામાં આવતી હોય છે. વસ્તારના પરંપરાગત મેળા આકર્ષણનું કેન્દ્ર હોય છે. મેળો નિહાળવા માટે દૂર દૂરથી હજારોની જનમેદની ઉમટી પડતી હોય છે. એવો જ એક ગોળ ગધેડાનો મેળો ગરબાડા તાલુકાનાં જેસાવાડા ખાતે યોજાય છે આશરે 200 વર્ષ થી ચાલતો પરંપરાગત મેળો કોરોના ના કારણે બે વર્ષ પછી યોજાતા હજારોની સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા.
લગ્નની પરંપરા થતી ગઈ લુપ્ત અને હવે માત્ર ઉત્સવ
વર્ષો પહેલા વિસ્તારના આદિવાસી સમાજની એવી પરંપરા હતી કે એક ખુલ્લા મેદાનમાં લીસ્સું સિમળાના ઝાડનું 50 ફૂટ જેટલું ઊંચું લાકડું રોપવામાં આવે અને તેની ટોચ ઉપર ગોળ ધાણાની પોટલી બાંધવામાં આવે છે. તે લાકડાની ગોળ ફરતે મહિલાઓ અને યુવતીઓ વાંસની સોટી હાથમાં રાખી આદિવાસી લોકસંસ્કૃતિના ગીતો ગાતા જઈને ફરે છે. જે કોઈ યુવાન લાકડા ઉપર ચઢવાનો પ્રયાસ કરે તેને લાકડીથી માર મારે છે. મહિલાઓ લાકડીઓના માર અને ઉપર ચઢવા માટે યુવાનોની પડાપડી વચ્ચે જે યુવાન ઉપર ચઢી જઈ પોટલી ઉતારવામાં સફળ થાય તેને મનપસંદ યુવતી સાથે લગ્ન કરાવવામાં આવતા હતા પરંતુ છેલ્લા કેટલાક સમયથી આ પરંપરા નથી રહી પરંતુ મનોરંજન માટે અને પરંપરા જાળવી રાખવા માટે ગોળ ગધેડાના મેળાનું આયોજન થાય છે.
ADVERTISEMENT