ગાંધીનગર: દેશનું મોડલ સ્ટેટ ગણાતા વિકસિત ગુજરાતમાં સરકારી શિક્ષણની સ્થિતિ દિવસેને દિવસે ખરાબ થઈ રહી છે. ગુજરાતની સરકારી અને ગ્રાન્ટેડ સ્કૂલોમાં શિક્ષકો અને પ્રિન્સિપાલની અંદાજે 32 હજારથી પણ વધુ જગ્યાઓ ખાલી છે. જ્યારે 906 સ્કૂલોમાં માત્ર એક જ શિક્ષક ભણાવવા માટે છે. આ વાત ખુદ સરકારે વિધાનસભામાં જણાવી છે.
ADVERTISEMENT
સરકારી-ગ્રાન્ટેડ સ્કૂલોમાં શિક્ષકોની જગ્યા ખાલી
વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્યએ પૂછેલા એક પ્રશ્નના જવાબમાં શિક્ષણમંત્રી કુબેર ડિંડોરે જણાવ્યું કે, રાજ્યની ગુજરાતી અને અંગ્રેજી મીડિયમની સરકારી અને ગ્રાન્ટેડ સ્કૂલોમાં ડિસેમ્બર 2022 સુધીમાં શિક્ષકોની 29,122 અને પ્રિન્સિપાલની 3552 જગ્યાઓ ખાલી હતી. જેમાં 20,678 જગ્યા સરકારી સ્કૂલોમાં અને 11,996 જગ્યા ગ્રાન્ડેટ સ્કૂલોમાં ખાલી છે.
કયા જિલ્લાઓમાં શિક્ષકોની સૌથી વધુ જગ્યા ખાલી?
વિધાનસભામાં શિક્ષણમંત્રીએ આપેલા જવાબ મુજબ, કચ્છ જિલ્લામાં 1507, દાહોદમાં 1152, બનાસકાંઠામાં 869 શિક્ષકો અને પ્રિન્સિપાલની જગ્યાઓ ખાલી છે. આ ઉપરાંત રાજકોટમાં 724, મહિસાગરમાં 692 જગ્યાઓ ખાલી પડી છે.
900થી વધુ સ્કૂલમાં માત્ર 1 શિક્ષક
રાજ્ય સરકારે વિધાનસભામાં આ સાથે વધુ એક પ્રશ્નના જવાબમાં જણાવ્યું હતું કે, રાજ્યમાં 906 શાળાઓમાં માત્ર એક જ શિક્ષક છે. આ પાછળ તર્ક આપતા જણાવાયું કે, નિવૃત્તિ, બદલી અથવા અન્ય વહીવટી કારણોસર જગ્યાઓ ખાલી છે. રાજ્યમાં શિક્ષકોની ઘટના કારણે વિદ્યાર્થીઓના અભ્યાસ પર પણ અસર પડી રહી છે. કેટલીક શાળામાં તમામ વિષય એક જ શિક્ષકને ભણાવવા પડે છે એવામાં અભ્યાસક્રમ પૂરો કરવામાં પણ મુશ્કેલી પડતી હોય છે.
ADVERTISEMENT