ગુજરાતમાં ખેતરો, રસ્તાઓ પર પાણી, સાબરકાંઠામાં ફાટ્યું તળાવ

અમદાવાદઃ ગુજરાતમાં લગભગ આજે 100થી વધારે તાલુકાઓમાં મેઘ મહેર થઈ છે. ક્યાંક ઓછો તો ક્યાંક ધોધમાર પણ વરસાદને કારણે ઘણા વિસ્તારોના રસ્તાઓથી લઈ ખેડૂતોના ખેતરોને…

gujarattak
follow google news

અમદાવાદઃ ગુજરાતમાં લગભગ આજે 100થી વધારે તાલુકાઓમાં મેઘ મહેર થઈ છે. ક્યાંક ઓછો તો ક્યાંક ધોધમાર પણ વરસાદને કારણે ઘણા વિસ્તારોના રસ્તાઓથી લઈ ખેડૂતોના ખેતરોને અસર પહોંચી છે. ઘણા ખેડૂતો માટે માઠા સમાચાર ચોમાસાની શરૂઆતમાં જ જોવા મળ્યા છે. ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાત ઉપરાંત કચ્છમાં પણ અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે સાબરકાંઠામાં છત્રીસાનું તળાવ ફાટતા ઠેરઠેર પાણી જ પાણી થઈ ગયું છે.

છત્રીસાનું તળાવ ફાટતા જળબંબાકારની સ્થિતિ
સાબરકાંઠાના છત્રીસામાં આવેલું તળાવ ફાટતા જળબંબાકાર જેવી સ્થિતિ ઊભી થઈ છે. ઉલ્લેખનીય છે કે રાજ્ય હવામાન વિભાગે હજુ પણ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરી છે. ખાસ કરીને ભરૂચ, બનાસકાંઠા, આણંદ, પાટણ, મહેસાણા, ખેડા, દાહોદ, પંચમહાલ, અમદાવાદ, અરવલ્લી, તાપી સહિત લગભગ મોટાભાગના ગુજરાતમાં અતિ ભારે વરસાદની આગાહી કરી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર આજે સૌથી વધુ વરસાદ તલોદ અને ઈડરમાં પડ્યો છે. અહીં સાડા પાંચ ઈંચ વરસાદ નોંધાયો છે. જે પછી લુણાવાડા અને વીરપુરમાં પાચ ઈંચ પડ્યો છે જ્યારે ધનસુરામાં તથા વિસનગરમાં ચાર ઈંચ વરસાદ ખાબક્યો છે. જેમાં લુણાવાડામાં તો એક જ કલાકમાં એક ઈંચ વરસાદ ખાબકતા ભારે અસર સર્જાઈ છે. જ્યાં આ વખતે સર્વત્ર વરસાદને લઈને ખેડૂતોમાં ખુશીનો માહોલ હતો ત્યાં હવે મગફળી, બાજરી, મકાઈ સહિતના પાકોને નુકસાન જવાની સ્થિતિ આવીને ઊભી થઈ છે. જેને કારણે સાબરકાંઠાના તલોદમાં એવી સ્થિતિ સર્જાઈ છે કે છત્રીસા ગામ તો સાવ બેટમાં ફેરવાઈ ગયું છે. અહીં 40 પશુઓનું તંત્ર દ્વારા રેસ્ક્યૂ કરવામાં આવ્યું છે જ્યારે 100થી વધારે લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે.

તળાવ ફાટતા ગામની વચ્ચેથી નદી વહેતી થઈ
સમગ્ર ઉત્તર ગુજરાતમાં આજે સવારથી મેઘ મહેર થયાના પગલે મોટાભાગના વિસ્તારો જળ મગ્ન બન્યા હતા. જોકે સૌથી મોટો બનાવ સાબરકાંઠાના તલોદના છત્રીસા ગામે બન્યો હતો. જ્યાં છેલ્લા 17 વર્ષ પહેલા બનાવેલું તળાવ અચાનક ફાટ્યું હતું. જેના પગલે તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે 100 થી વધુ લોકોને રેસ્ક્યુ કરવા સહિત બચાવ કામગીરી શરૂ કરાઈ હતું. જોકે તળાવ ફાટતાં ગામ વચ્ચેથી નદી પસાર થતી હોય તેવા દ્રશ્યો સર્જાયા છે જોકે તંત્ર ઘટના સ્તરે હાજર રહેતા મોટી ખુંવારી અટકી છે.

સમગ્ર ઉત્તર ગુજરાત સહિત સાબરકાંઠા જિલ્લામાં ભારે વરસાદ રહેતા મોટાભાગના વિસ્તારો જળબંબાકાર બન્યા હતા. છત્રિસા ગામે 17 વર્ષ પહેલા બનાવેલું તળાવ અચાનક ફાટતા સમગ્ર ગામમાંથી જળ સંકટ સર્જાયું હતું. જેમાં તળાવની દીવાલ અચાનક ફાટતાં ગામ વચ્ચેથી નદી જેવો પ્રવાહ વહેવા લાગ્યો હતો. સ્થાનિકોની સજાગતા સહિત તંત્ર એલર્ટ બનતા સૌથી વધારે પોશીઓ સહિત સ્થાનિકોને તાત્કાલિક ધોરણે બહાર લાવ્યા હતા. તેમજ તમામને રેસ્ક્યુ કરાયા બાદ સુરક્ષિત જગ્યાએ ખસેડાયા હતા. જોકે તલોદ વિસ્તારમાં 10 ઇંચ થી વધુ વરસાદ હોવાના પગલે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. આ મામલે તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે લેવાયેલા પગલાથી 36 આ ગામની આપદા હાલ પૂરતી ટળી છે. ચોમાસાના પ્રથમ વરસાદમાં જ 60 વિઘા જમીનમાં ફેલાયેલું તળાવ ફાટતા આગામી સમય માટે ચોક્કસ પગલાં જો હાલ ન લેવાય તો આ તરફ ગામ માટે પણ ખતરા રૂપ સાબિત થઈ શકે તેમ છે.

14 ભેંસો તણાઈ, બચાવવાનો પ્રયત્ન કરતા 5નો બચાવ
ઈડર-હિંમતનગર સ્ટેટ હાઈવે જ આખો પાણી પાણી થઈ જતા વાહન ચાલકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે. જોકે ઈડરમાં ભારે વરસાદને પગલે નદીનું વહેણ જોખમી બન્યું હતું. નદીના પાણીમાં ભેંસો તણાઈ ગઈ હતી. 14 જેટલી ભેંસો નદીના પાણીમાં તણાવા લાગતા તેમને બચાવવાના પ્રયત્નો પણ કરાયા હતા. જોકે માત્ર 5 ભેંસોને બચાવી શકાઈ હતી. આ ઘટના નેત્રામલી પાસે દેવગઢ કંપામાં વધુ વરસાદ પડતા સર્જાયેલી ધસમસતા પાણીને કારણે ઘટી હતી. ઘટનામાં 8 જેટલી ભેંસના મોત થયાની વિગતો સામે આવી છે. પશુ પાલકો સહાયની માગ કરી રહ્યા છે.

હવામાન વિભાગે ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના પહેલેથી જ વ્યક્ત કરી હતી, જો કે, આજે સવારથી ગુજરાતના સાબરકાંઠામાં ભારે વરસાદ શરૂ થયો હતો, જ્યાં છત્રીસા ગામમાં 50 એકરમાં ફેલાયેલું તળાવ તૂટવાને કારણે આખા ગામમાં પાણી ફેલાઈ ગયા હતા. તંત્રએ 100 થી વધુ પશુઓ સહિત 25 થી વધુ લોકોને બચાવી લીધા હતા. જોકે મોટી અઘટિત ઘટના બને તે પહેલા જ તંત્ર હાજર હતું. કોઈપણ રીતે જો આગામી દિવસોમાં તળાવ આ રીતે તૂટતું રહેશે તો આખા ગામ માટે જોખમ ઊભું થવાની સંભાવના છે.

વડોદરામાં ભાજપ અધ્યક્ષની હાજરી, વરસાદમાં રેલી
વડોદરામાં ભાજપ (ભારતીય જનતા પાર્ટી)ના રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડાએ હાજરી આપી હતી. તેઓ અહીં કાર્યકર્તા સંમેલનમાં હાજરી આપવા પહોંચ્યા હતા. કાર્યકર્તા સંમેલનનો હિસ્સો બનવા તેઓ અહીં આવ્યા હતા. દરમિયાન વડોદરા એરપોર્ટ પર તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. વરસતા વરસાદ વચ્ચે કાર્યકર્તાઓએ બાઈક રેલી કાઢી હતી.

બનાસકાંઠામાં વાવેતર કર્યું અને ધોધમાર વરસાદ
બનાસકાંઠામાં પણ વરસાદે જોરદાર બેટિંગ કરી છે. ધાનેરાના માલોતરા ગામમાં ધોધમાર વરસાદ પડતા ખુદ ખેડૂતો પણ ચિંતામાં સરી પડ્યા છે. ધોધમાર વરસાદ પડતા ખેડૂતોના ખેતરો પાણીથી ભરાઈ ગયા છે. ખેતરોમાં લગભગ બે ફૂટ જેટલા પાણી ભરાઈ ગયા હતા. અહીં હાલમાં જ ખેડૂતોએ વાવેતર કર્યું હતું અને અચાનક આટલો ધોધમાર વરસાદ વરસતા ખેડૂતોને નુકસાનની ભીતિ સેવાઈ છે.

અમરેલી બન્યું નયનરમ્ય
અમરેલી જિલ્લામાં સચરાચર વરસાદ બાદ ધારીના ખોડિયાર મંદિર પર કુદરતનો અદભુત નજારો હાલ જોવા મળી રહ્યો છે. જાણે કેનેડાનો નાયગ્રા ધોધ આંખોને નયન રમ્ય કરી દે તેવો આહ્લાદક નજારો ધારીના ખોડિયાર મંદિરે જોવા મળી રહ્યો છે. ખોડિયાર મંદિરે હાલ શેત્રુજી નદીમાં વ્હેતી ખળખળ નદીની ધારીના ખોડિયાર ડેમથી જે કુદરતી ઝરણાઓ વેહતા હોય ત્યારે કુદરતે સોળે કળાએ ધારીના ખોડિયાર ડેમને ચાર ચાંદ લગાવે તેવા અદભુત કુદરતી ઝરણાઓ વહી રહ્યા છે. પર્યટકો પણ દૂર દૂરથી આ વહેતા ઝરણાઓ ખળખળ વહી રહ્યા તેનો લાહવો જોવા ઉમટી રહ્યા છે.

માલપુરમાં એસટી બસ ફસાઈ
અરવલ્લીના માલપુરમાં જીતપુર નજીકના કાલિયાકુવા રોડ પર એક એસટી બસ કાદવામાં ફસાઈ ગઈ હતી. નવાડેરીથી માલપુર આ બસ જઈ રહી હતી ત્યારે અહીં પાઈપના ખોદેલા ખાડામાં બસ ફસાઈ ગઈ હતી. લીંબદરા સારથી ચોકડી પાસે બસ ફસાઈ જતા વાહન વ્યવહારને અસર પહોંચી હતી. બસ ફસાતા માલપુરમાં શાળાએ જતા વિદ્યાર્થીઓ પણ અટવાયા હતા.

વીજપોલ પડતા વૃક્ષમાં લાગી આગ
સાબરકાંઠાના પ્રાંતિજ તાલુકામાં ભારે વરસાદ પડ્યો છે. દરમિયાન પવન પણ ઘણો ફૂંકાયો હતો. ત્યારે વીજપોલ ધરાશાયી થયો હતો. જેમાં વીજળીનો વેગ ચાલુ હોવાને પગલે વીજળીના તાર ઝાડ પર પડતા ઝાડ વરસાદી માહોલ વચ્ચે સળગી ઉઠ્યું હતું. જેને લઈને સ્થાનીકોએ જોખમને ધ્યાનમાં રાખી પીજીવીસીએલમાં જાણ કરી તાત્કાલીક ધોરણે પુરવઠો રોકી દેવા અને મદદ કરવા જાણ કરી હતી.

અરવલ્લી જિલ્લામાં ડેમના બે ગેટ ખોલાયા
અરવલ્લી જિલ્લામાં વ્યાપક વરસાદ વચ્ચે જિલ્લાના લાંક બંધના બે દરવાજા ખોલી દેવામાં આવ્યા છે. બંધના બે ગેટ ખોલતા તેની સાથે 900 ક્યૂઝેક પાણી છોડવામાં આવ્યું છે. બંધના નિયત સ્તરને જાળવી રાખવા માટે સિસ્ટમ દ્વારા સતર્કતાથી આ બંધ ખોલવામાં આવ્યો છે.

બાયડમાં પાંચ ગામોનો સંપર્ક તૂટ્યો
બાયડમાં મૂશળધાર વરસાદને પગલે વેરના અને બોરમથના વચ્ચેથી જતા રસ્તા પરથી પાણી વહેવા લાગ્યું હતું. પાણી ધસમસતું હોઈ અહીં અવર જવર શક્ય નથી. જેને કારણે પાંચ ગામોનો સંપર્ક તૂટ્યો છે. તંત્રએ કોઝવે પાસે ના જવાની લોકોને સલાહ આપી છે.

મહિસાગરમાં ભારે વરસાદ
મહીસાગર જિલ્લામાં રાત્રે તેમજ વહેલી સવારે મુશળધાર વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી અને ઉકળાટને કારણે ગરમીથી ત્રસ્ત જિલ્લાવાસીઓને રાહત મળી હતી. જિલ્લાના લુણાવાડામાં બે કલાકમાં ત્રણ ઈંચ વરસાદ ખાબક્યો છે. જેથી રોડ પર પાણી ભરાતા વાહન ચાલકો તેમજ રાહદારીઓ પરેશાન થયા છે. જિલ્લામાં આવેલા તમામ છ તાલુકામાં વરસાદ પડ્યો હતો જેમાં વહેલી સવારે 6 વાગ્યા પછી સૌથી વધારે વરસાદ લુણાવાડામાં 70 મિમી, વીરપુરમાં 45 મિમો, કડાણા અને બાલાસિનોરમાં 20 મિમી સંતરામપુરમાં 14 મિમી, જ્યારે ખાનપુરમાં 10 મિમી મોસમનો સૌથી વધુ વરસાદ લુણાવાડા તાલુકામાં 343 મિમી જ્યારે સૌથી ઓછો ખાનપુર તાલુકામાં 149 મિમી નોંધાયો છે વરસાદ થતાં ખેડૂતોમાં ખુશી છવાઈ છે.

ભાવનગરમાં નદીમાં ધસમસતુ પાણી
આ તરફ ભાવનગરમાં મેઘો એવો તો મહેરબાન બન્યો હતો કે ભાવનગરના ગ્રામ્ય પંથકમાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો. ખાસ કરીને વલ્લભીપુર તાલુકામાં પણ મેઘરાજા મન મુકીને વરસ્યા હતા. ધોધમાર વરસાદને પગલે નદીમાં ધસમસતા પ્રવાહ જોવા મળ્યા હતા. જેમાં નાસીતપર ગામે આવેલી કેરી નદીના ઉપર બનેલા પુલની ઉપરની લોખંડની રેલિંગ તૂટીને પાણીના પ્રવાહમાં તણાઈ ગઈ હતી.

    follow whatsapp