Gujarat Rain Update: બોરસદમાં ભારે વરસાદને પગલે 13 લોકો ફસાયા, એરફોર્સની લેવાઈ મદદ

Gujarat Rain: ગુજરાતમાં આગાહી પ્રમાણે ઠેરઠેર ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. લાંબા સમયના વિરામ પછી પડેલા વરસાદને પગલે એક તરફ રાહતનો દમ લેવાયો હતો ત્યાં…

gujarattak
follow google news

Gujarat Rain: ગુજરાતમાં આગાહી પ્રમાણે ઠેરઠેર ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. લાંબા સમયના વિરામ પછી પડેલા વરસાદને પગલે એક તરફ રાહતનો દમ લેવાયો હતો ત્યાં અચાનક પડી રહેલા ધમધોકાટ વરસાદને પગલે ઠેરઠેર નદીઓ ધસમસતી બની રહી છે. સાથે જ ગુજરાતના ઘણા રોડ રસ્તા અને કેટલાક મકાનોને પણ નુકસાન થવા પામ્યું છે. આ સ્થિતિને જોતા આજે ગુજરાતમાં ભારે વરસાદને લઈને ગાંધીનગરમાં સમીક્ષા બેઠક મળી હતી. આ તરફ આણંદમાં 13 લોકો ભારે વરસાદને કારણે મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા. જેમની મદદ કરવા માટે એરફોર્સની મદદ લેવામાં આવી હતી. આણંદના બોરસદ તાલુકામાં કેટલાક લોકો ગામમાં ફસાયા હતા. ફસાયેલા લોકોને રેસ્ક્યુ કરવા એરફોર્સની મદદ મંગાઈ હતી. બોરસદના ગજાણામાં ફસાયેલા લોકોને બહાર નીકાળવા એરફોર્સની ટીમ રવાના કરાઈ હતી.

ઉપરવાસમાં વધુ વરસાદના કારણે મહિસાગર નદીમાં પાણીની ભારે આવક. કડાણા ડેમમાંથી 10 લાખ ક્યુસેક જેટલું પાણી છોડાતા મહિસાગર નદીનું રોદ્ર સ્વરૂપ જોવા મળ્યું. હાલ ખેડા જીલ્લાના ઠાસરા અને ગળતેશ્વર તાલુકાના 20 જેટલા ગામોને અલર્ટ કરાયા છે.કોતરિયા, રાણાયા,વાનોડા, મહી ઈટાડી, કૂણી, ભદ્રસા, ચીતલાવ, પાલી, સાંગોલ, એકલાચા સહીત નીચાણવાળા ગામોને અલર્ટ કરાયા છે. ત્યારે ખેડા જીલ્લા તથા વડોદરા જિલ્લાને જોડતો ગળતેશ્વર કોઝવે ડીપ બ્રીજ ઉપર પાણી ફરી વળ્યાં છે. ગળતેશ્વર બ્રીજ ઉપર પાણી ફરી વળતા બ્રીજ બંધ કરાયો છે. મહિસાગર નદી ઉપર સાવલી ગળતેશ્વર ને જોડતો 2કિમીનો આ બ્રીજ છે. ત્યારે મહિસાગર નદી કિનારે આવેલું મહિસાગર માતાજીનું મંદિર તથા સ્મશાન પણ પાણીમાં ગરકાવ થયુ છે. જેને લઈ વહીવટી તંત્ર દ્વારા ઠાસરા તાલુકાના 14 ગામમાં એલર્ટ આપવામાં આવ્યું છે. સાથેજ અસરગ્રસ્ત 14 ગામની શાળામાં રજા પણ આપવામાં આવી છે.

આણંદના ગજણામાં ફસાયા લોકો

આણંદ જિલ્લાના બોરસદના ગજણા ગામમાં મહિસાગર નદીમાં 13 લોકો ફસાયા છે, કડાણા ડેમમાંથી 9 લાખ ક્યુસેકથી વધુ પાણી છોડવામાં આવતા વણકબોરી ડેમ ઓવરફ્લો થયો છે. જેના કારણે આણંદના નદી કિનારે આવેલા ગામમાં રાત્રે અચાનક પાણી વધી ગયું હતું. અને નદી કિનારે આવેલા બોરસદના ગજાણા ગામમાં 13 લોકો ફસાયા હતા. પૂરના વધુ પડતા પાણીને કારણે ફસાયેલા લોકો બહાર આવી શક્યા ન હતા. અને નદી કિનારે રહેતા લોકો જીવ બચાવવા ઝાડ પર ચડી ગયા છે. ગત રાતથી 13 જેટલા લોકો ઝાડ પર બેઠા છે. ઝાડમાં ફસાયેલા એક વ્યક્તિએ વીડિયો મોકલીને તેને બચાવવા માટે પ્રશાસનને વિનંતી કરી છે. ફસાયેલા 13 લોકોને બચાવવા માટે NDRF અને SDRFની મદદ લેવામાં આવશે અને વહીવટીતંત્ર દ્વારા એરફોર્સની મદદ લેવાની તૈયારીઓ પણ કરવામાં આવી છે.

Parliament Special session: ‘વિશ્વામાં હવે ભારત વિશ્વમિત્ર તરીકે સામે આવ્યું’- નરેન્દ્ર મોદી

આંકલાવમાં ફરી વળ્યું મહિસાગરનું પાણી

મહિસાગર નદીના પૂરના પાણી આણંદ જિલ્લાના આંકલાવ તાલુકાના કહાનવાડી ગામમાં પ્રવેશ્યા હતા. પૂરથી પ્રભાવિત 40-50 જેટલા લોકોને બચાવી લેવાયા હતા. મહિસાગર નદીના કિનારે આવેલા કહાનવાડી ગામમાં રહેતા 40-50 લોકોને આણંદ ફાયર વિભાગ દ્વારા બચાવી સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. પૂરના પાણી કહાનવાડી ગામમાં પાંચ વાગ્યાના અરસામાં ઘૂસી ગયા હતા. સવાર હાલમાં કોઈ જાનહાનિના સમાચાર નથી. કડાણા અને પાનમ ડેમમાંથી છોડવામાં આવેલા પાણીને કારણે મહિસાગર નદીના ઉપરવાસમાં ભારે વરસાદને કારણે આણંદ જિલ્લાના 30 જેટલા ગામોને હાઈ એલર્ટ પર મૂકવામાં આવ્યા છે. જેમાં આંકલાવ તાલુકાના કહાનવાડી ગામમાં પૂરના પાણી આખા ગામમાં ઘૂસી ગયા છે, જેના કારણે રાત્રીના સમયે અનેક લોકો ફસાયા છે. જેમાં અનેક લોકો જીવના જોખમે બહાર આવ્યા હતા. પરંતુ કહાનવાડી ગામના સરપંચ સહિત 40 થી 50 લોકો ફસાયા હોવાથી સૌપ્રથમ આણંદ ફાયર વિભાગની ટીમે બચાવ કામગીરી શરૂ કરી હતી. બાદમાં એસડીઆરએફની ટીમ દ્વારા બચાવ કામગીરી કરવામાં આવી હતી. અને હવે ફસાયેલા લોકોને બહાર કાઢવામાં આવી રહ્યા છે. અનેક પશુઓ પણ પાણીમાં ફસાયા છે. આ અંગે વધુ મદદ માટે SDRF ટીમને પણ બોલાવવામાં આવી છે.

ગુજરાતમાં વરસાદને લઈને કેવી છે સ્થિતિ

રાજ્યમાં અવિરત વરસી રહેલા શ્રીકાર વરસાદના પરિણામે ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર પરિયોજનામાં ૧૦૦ ટકા જળસંગ્રહ નોંધાયો છે. જેના પરિણામે સરદાર સરોવર ડેમના તમામ દરવાજા ખોલતા નયમરમ્ય નજારો જોવા મળ્યો છે. સ્ટેટ ફ્લડ કન્ટ્રોલ સેલ, ગાંધીનગરના અહેવાલમાં જણાવ્યાનુસાર તા. ૧૮ સપ્ટેમ્બર, ૨૦૨૩ની સ્થિતિએ રાજ્યના મહત્વની ૨૦૭ જળ પરિયોજનાઓમાં ૯૩.૩૦ ટકા જેટલો જળસંગ્રહ થયો છે. જેમાં સરદાર સરોવર યોજનામાં ૩,૩૪,૦૮૦ એમ.સી.એફ.ટી. જળસંગ્રહ છે જે કુલ જળસંગ્રહ શક્તિના ૧૦૦ ટકા જેટલો નોધાયો છે. સરદાર સરોવર સિવાય રાજ્યના અન્ય ૨૦૬ જળ પરિયોજનાઓમાં ૪,૯૮,૩૧૨ એમ.સી.એફ.ટી. જળસંગ્રહ છે જે કુલ જળસંગ્રહ શક્તિના ૮૯.૨૯ ટકા જેટલો નોંધાયો છે.

રાજ્યભરના કુલ ૨૮ જળાશયોમાં (સરદાર સરોવર સહિત) ૧૦૦ ટકાથી વધુ જળસંગ્રહ થયો છે. ૧૧૧ જળાશયોમાં ૭૦ ટકાથી ૧૦૦ ટકા જળસંગ્રહ, ૩૦ જળાશયોમાં ૫૦ ટકાથી ૭૦ ટકા જળસંગ્રહ, ૨૩ જળાશયોમાં ૨૫ ટકાથી ૫૦ ટકા જળસંગ્રહ, ૧૪ જળાશયોમાં ૨૫ ટકા કરતાં ઓછો જળસંગ્રહ થયો છે. જેમાં ઉત્તર ગુજરાતના ૧૫ જળાશયોમાં ૭૫.૬૭ ટકા, મધ્ય ગુજરાતના ૧૭ જળાશયોમાં ૯૨.૧૧ ટકા, દક્ષિણ ગુજરાતના ૧૩ જળાશયોમાં ૯૫.૮૯ ટકા, કચ્છના ૨૦ જળાશયોમાં ૫૯.૫૩ ટકા તથા સૌરાષ્ટ્રના ૧૪૧ જળાશયોમાં ૭૮.૭૭ ટકા જેટલો જળસંગ્રહ થયો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં થઈ રહેલા વરસાદના પરિણામે ૧૦૦ ટકાથી વધુ જળસંગ્રહ થયેલા ૨૭ જળાશયો તથા ૯૦ ટકાથી ૧૦૦ ટકા જળસંગ્રહ થયેલા ૬૩ જળાશયો મળી કુલ ૯૦ જળાશયો હાઈ એલર્ટ પર છે. જયારે ૮૦ ટકાથી ૯૦ ટકા જળસંગ્રહ ધરાવતા ૨૮ જળાશયો એલર્ટ પર અને ૭૦ ટકાથી ૮૦ ટકા જળસંગ્રહ ધરાવતા ૨૦ જળાશયોને સામાન્ય ચેતવણી આપવામાં આવી છે.

(હેતાલી શાહ, આણંદ)

    follow whatsapp