ગુજરાતમાં વરસાદઃ ધસમસતા પાણીમાં તણાયા વૃદ્ધ, અરવલ્લીમાં ખેતરો પાણીમાં તરબોળ

અમદાવાદઃ ગુજરાતમાં બે દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં હવામાન વિભાગ દ્વારા સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં અત્યંત ભારે વરસાદ વરસે…

gujarattak
follow google news

અમદાવાદઃ ગુજરાતમાં બે દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં હવામાન વિભાગ દ્વારા સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં અત્યંત ભારે વરસાદ વરસે તેવી સંભાવનાઓ વ્યક્ત કરાઈ છે. ત્યારે આજે અમદાવાદ સુરત સહિત ગુજરાતમાં ઘણા જિલ્લાઓમાં છૂટો છવાયો વરસાદ રહ્યો હતો. જોકે દાહોદ, છોટા ઉદેપુર, અરવલ્લીમાં ભારે વરસાદ પડ્યો હતો. પાવિ જેતપુર અને બોડેલીમાં તો વરસાદે અનુક્રમે 7 અને 6 ઈંચ વરસાદ સાથે જોરદાર બેટિંગ કરી હતી.

જૂનાગઢમાં વૃદ્ધ તણાયા

ભારે વરસાદ અને પુરનાકારણે ભેસાણ તાલુકામાં આવેલા ચૂડા ગામમાં કડવાભાઈ રણછોડભાઈ નામના ખેડૂત પોતાના ખેતરથી પાછા આવી રહ્યા હતા ત્યારે નદીના ભારે વહેણ વચ્ચે ફસાઈ ગયા હતા. જે પછી તેઓ મળી રહ્યા ન્હોતા. 40 કલાકના સર્ચ ઓપરેશન બાદ તેઓ મૃત અવસ્થામાં મળી આવ્યા હતા. તેઓ પાણીમાં ડૂબી જતા મૃત્યુ પામ્યા હોવાનું સામે આવ્યું છે.

પાવિ જેતપુરમાં 7 ઇંચ, બોડેલીમાં 6 ઇંચ વરસાદ

નર્મદા જિલ્લામાં ભારે વરસાદના કારણે હેરણ નદીમાં પુર આવ્યું છે. ધોધમાર વરસાદને લઈ રાજવાસણા ચેકડેમ ઓવરફ્લો થયો છે. આ ચેકડેમ ગાયકવાડ વખતના શાસનમાં બનેલો છે. છોટાઉદેપુર જિલ્લામાં પાવિ જેતપુરમાં 7 ઇંચ, બોડેલીમાં 6 ઇંચ સહિત જિલ્લામાં ભારે વરસાદ પડ્યો છે. ભારે વરસાદને લઈ હેરણ નદીમાં પાણીની ભારે આવક થઈ છે. રાજપીપળા ગામ નજીક આવેલ ભરૂચ અને નર્મદા જિલ્લાની જીવાદોરી કરજણ ડેમના 3 દરવાજા ખોલવામાં આવ્યા છે. ઉપરવાસ ડેડીયાપાડા અને સાગબારામાં વરસાદ વધુ હોવાના કારણે કરજણ ડેમમાં પાણીની આવક થઈ છે. 3 દરવાજા 1.4 મીટર ખોલવામાં આવ્યા છે, 16,128 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. કરજણ ડેમના 3 દરવાજા ખોલતા કરજણ નદી બે કાંઠે થઈ છે. ડેમમાંથી પાણી છોડાતા ભદામ, રાજપીપળા, ધાનપોર, ધમણાચા, ભચરવાળા અને હજરપુરા ગામોને સાવચેત કરવામાં આવ્યા છે. જિલ્લા વહીવટીતંત્રે લોકોને નદી કાંઠે ન જવાની અપીલ કરી છે.

દાહોદઃ અદલવાડા ડેમ થયો ઓવરફ્લો

દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના અદલવાડા ડેમ ઓવરફ્લો થયો છે. ડેમની કુલ 237.30 મીટરની સપાટી છે જેમાં હાલ 237.35 મીટરની સપાટીની ઉપર પહોંચતા ડેમ ઓવરફ્લો થયો છે. ઉપરવાસમાં સારા વરસાદને લઈને ડેમ ઓવરફ્લો થયો છે. ડેમ ઓવરફ્લો થતા ધાનપુર અને દેવગઢ બારીયાના નદીકાંઠાના ગામોને એલર્ટ કરાયા છે. જેમાં કેલીયા, જંબુસર, વાંદર ઝાબિયા અને બુલવણ સહિતના ગામોનો સમાવેશ થાય છે. ડેમ ઓવરફ્લો થતાં ધરતીપુત્રોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. તેઓને આશા છે કે ડેમનું પાણી ખેતી અને પીવાના પાણી માટે ઉપયોગી થશે.

Dwarka Breaking News: અંબાજીના મોહનથાળ બાદ, જગત મંદિર પર ધજા ચઢાવવાના મામલે વિવાદ

અરવલ્લીઃ ખેતરો પાણીમાં તરબોળ

અરવલ્લી જિલ્લામાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. મોડાસા અને ભિલોડા તાલુકામાં વરસાદ વધુ પડ્યો છે. મોડાસાના નવા, દાવલી સહિત ગ્રામ્ય પંથકમાં ધોધમાર વરસાદ પડ્યો છે. ભિલોડાના વાશેરા કંપા, સુનોખ પંથકમાં પણ વરસાદ વધુ પડ્યો છે. ગ્રામ્ય વિસ્તારોમાં ખેતરો પાણીથી ભરાયા છે. વાશેરા કંપામાં રસ્તાઓ નદીઓમાં ફરી ગયા છે. વરસાદ પડતા ખેડૂતોના પાકને જીવનદાન મળ્યું છે. ખેડૂતોએ વરસાદને આવકાર્યો છે. તેઓ માને છે કે વરસાદથી પાક સારો થશે અને તેઓને સારો નફો થશે. જિલ્લા વહીવટીતંત્રે વરસાદને લઈને સજાગ રહેવાની અપીલ કરી છે. તેઓએ લોકોને નદીઓ અને ધસમસતા પાણીમાં જવાનું ટાળવાની સલાહ આપી છે.

ભાવનગરઃ મૂર્તિકારોને આર્થિક ફટકો

ભાવનગરમાં વરસાદની તબાહીમાં શિલ્પકારોની એક વર્ષની મહેનત પણ વરસાદમાં બરબાદ થતી જોવા મળી રહી છે. અકવાડા પાસે માતાજી-ભગવાનની મૂર્તિના વ્યવસાય સાથે જોડાયેલા શિલ્પકારની 10 લાખ રૂપિયાની તૈયાર મૂર્તિ વરસાદના પાણીમાં નષ્ટ થઈ છે. બચી ચુકેલી માતાજીની મૂર્તિનો એક જગ્યાએ ઢગલો જોવા મળી રહ્યો છે. પરિવારના 30 સભ્ય દ્વારા એક વર્ષથી મૂર્તિનું નિર્માણ કરાતું હતું પરંતુ 4 ઈંચ વરસાદે શિલ્પકારોને તબાહ કરી નાખ્યા છે.

(ઈનપુટઃ હિતેશ સુતરિયા.અરવલ્લી, ભાર્ગવી જોશી.જૂનાગઢ, શાર્દૂલ ગજ્જર.ગોધરા, નરેન્દ્ર પેપરવાલા.નર્મદા, નીતિન ગોહિલ.ભાવનગર)

    follow whatsapp